પંજાબ સામે માત્ર પચીસ રનમાં બે વિકેટ ગુમાવીને કોલકાતા મુશ્કેલીમાં હતું ત્યાં વરસાદ આવ્યો ને મેચ જ પડતી મુકાઈ શાહરુખ ખાન દીકરી સુહાના સાથે મેચ જોવા આવ્યો હતો પણ તેણે નિરાશ થવું પડ્યું હતું.
કોલકાતા: કોલકાતામાં સોમવારે રમાયેલી આઈપીએલ મેચમાં વરસાદે વિઘ્ન નાખ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) અને પંજાબ કિંગ્સ (પીબીકેએસ) વચ્ચેની આ મેચમાં જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે યજમાન ટીમ 3.4 ઓવરમાં પચીસ રને 2 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી. સતત પડી રહેલા ઝાપટાં બાદમાં વાવાઝોડામાં ફેરવાઈ ગયા હતા. અંતે મેચ પડતી મૂકવાની જાહેરાત કરાઈ હતી અને બંને ટીમને એક-એક પોઇન્ટ આપવામાં આવ્યો હતો.
ટોસ જીતીને પહેલા બેટિંગ લેનાર કેકઆરને ઓસ્ટ્રેલિયન પેસર ઝેવિયર બાર્ટલેટ બાર્ટલેટે ઝટકા આપ્યા હતા. તેણે માત્ર ત્રણ બોલના ગાળામાં કેકેઆરના બે દિગ્ગજ વિદેશી ખેલાડીઓ, ફિન એલન (6) અને કેમરૂન ગ્રીન (4) ને આઉટ કરીને યજમાન ટીમને મોટો ઝટકો આપ્યો હતો.
કુલ 25.20 કરોડ રૂપિયામાં ખરીદાયેલા સૌથી મોંઘા વિદેશી ખેલાડી કેમરૂન ગ્રીનનું નબળું ફોર્મ ચાલુ રહ્યું છે. આ અગાઉ તેણે મુંબઈ સામે 18 અને હૈદરાબાદ સામે માત્ર 2 રન કર્યા હતા.
ગઈ કાલે રાત્રે 7.45 કલાકે જ્યારે ઝરમર વરસાદ શરૂ થયો ત્યારે કેપ્ટન અજિંક્ય રહાણે (8) અને સતત બે અડધી સદી ફટકારનાર અંક્રિશ રઘુવંશી (7) ક્રીઝ પર હતા.
ઈડન ગાર્ડન્સનું મેદાન સંપૂર્ણપણે કવરથી ઢાંકી દેવામાં આવ્યું હતું. જોકે, એક સમયે વરસાદ અટકતા કવર હટાવવાની શરૂઆત થઈ હતી, પરંતુ ફરીથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા દર્શકો નિરાશ થઈને મેદાન છોડવા લાગ્યા હતા. બોલિવૂડ સુપરસ્ટાર અને કેકેઆરના સહ-માલિક શાહરૂખ ખાન પણ આ સિઝનમાં પહેલીવાર સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા, પરંતુ તેમણે પણ વરસાદી વિઘ્નનો સામનો કરવો પડ્યો હતો.