Tue May 26 2026

Logo

કર્ણાટકમાં CM ખુરશીની ખેંચાખેંચીનો અંત! કોંગ્રેસે લીધો મોટો નિર્ણય, સિદ્ધારમૈયા જ રહેશે સીએમ

2 hours ago
Author: Chandrakant Kanoja
Article Image

મીડિયામાં ચાલી રહેલી તમામ અટકળો પર કોંગ્રેસે લગાવ્યું પૂર્ણવિરામ, બેઠકમાં કરાઈ સ્પષ્ટતા

નવી દિલ્હી : કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં લાંબા સમયથી પક્ષમાં આંતરિક ખેચતાણના લીધે સીએમ સિદ્ધારમૈયાને બદલવાની અટકળો ચાલી રહી હતી. જોકે, આજે આ અંગે દિલ્હીમાં મળેલી હાઇકમાન્ડની બેઠકમાં સીએમ બદલવાની અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે.  

સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને વિવાદ

આ બેઠક અંગે મળતી માહિતી મુજબ સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલા વિવાદને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં બેઠક દરમિયાન  સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને રાજ્યસભામાં મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને દિલ્હીમાં મહત્વપૂર્ણ જવાબદારીની ખાતરી આપી હતી. જોકે, સિદ્ધારમૈયા આ સ્વીકારવા તૈયાર નહોતા.

જોકે, આ બેઠક બાદ કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે આજનીબેઠકમાં રાજ્યસભા અને એમએલસી ચૂંટણી અંગે ચર્ચા થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે હાલમાં ફેલાયેલી મુખ્યમંત્રી અંગે અટકળોમાં કોઈ સત્ય નથી.

બેઠકમાં રાજ્યસભા અને એમએલસી ચૂંટણીઓ અંગે ચર્ચા 

તેમણે મીડિયાને જણાવ્યું કે, આજે અમે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે વિગતવાર બેઠક કરી હતી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર, કર્ણાટકના પાર્ટી પ્રભારી રણદીપ સુરજેવાલા અને હું આ બેઠકમાં હાજર હતા. આ  સમગ્ર ચર્ચા આગામી રાજ્યસભા અને એમએલસી ચૂંટણીઓ પર કેન્દ્રિત હતી. તમે જે અટકળો કરી રહ્યા છો તેમાં કોઈ તથ્ય નથી.તેનો વાસ્તવિકતામાં કોઈ આધાર નથી.