ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી
પારિવારિક નાતો એટલે લોહીના સંબંધ એવું કહેવાતું. લોહી એટલે સગપણ કે સંબંધ અને એક લોહીના હોવું એટલે એક જ કુટુંબમાં જન્મેલી વ્યક્તિ એવો અર્થ શબ્દકોશમાં આપવામાં આવ્યો છે. કાકા અને મામા એ બે સંબંધ બાપુજીનો ભાઈ અને માના ભાઈથી વિશેષ ભાવનાથી જોડાયેલા હતા. બાપુજીના નાના ભાઈ કાકા એક એવી વ્યક્તિ હતા જે ભત્રીજા સાથે એટલે કે ભાઈના સંતાનમાં શિસ્ત કેવી રીતે વિકસે એને પ્રાધાન્ય આપતા. કાકા સાથે આનંદ કરી શકાય, પણ માપમાં રહેવું પડે મતલબ કે મર્યાદા જાળવવી પડે. શિક્ષણમાં કોઈ બાંધછોડ નહીં. બીજી તરફ મામા એટલે લાડ અને મોજમજાનું સરનામું. પાણી માગો તો દૂધ હાજર કરી દે એનું નામ મામા. જોકે, ઘણીવાર લોહીના સંબંધ કરતા જાતે વિકસાવેલા સંબંધ વધુ કામ આવતા હોય છે. આ વાત કાકામામા ગાવાના ને ગાંઠે હોય તે ખાવાના કહેવતમાં બહુ જ પ્રભાવીપણે વ્યક્ત થાય છે. સંબંધમાં સગા હોય એ ઘણીવાર ઠગારા નીવડે અને ગાંઠે હોય મતલબ કે પાસે હોય (જેમ કે પાડોશી) એ ખપ લાગે, ઉપયોગી સાબિત થાય. આ ભાવનાએ જ પહેલો સગો પાડોશી કહેવતને જન્મ આપ્યો હશે. ફોઈ અને માસી એ બે સંબંધોની પણ લાક્ષણિકતા છે. માસી એટલે માની બહેન અને ફોઈ એટલે પિતાની બહેન. માસી લાડપ્યાર કરે, જ્યારે ફોઈનું હિસાબી કામકાજ હોય. આ સંબંધની એક મજેદાર કહેવત છે કે ફોઈ આવી દીસે ને મારાં છોકરાં બીશે, માસીને તો તેડું, મણની માગણ તર ને માસીને ભાણે ભર. ફોઈ આવીને રુઆબ જમાવે અને એટલે બાળકો એમને જોઈને ગભરાઈ જાય. પણ માસીના આગમનથી જ બાળકો રાજીના રેડ થઈ જશે કારણ કે માસી સાથે મ્હાલવા મળશે. એટલે માસીને તો ભાવતા ભોજન ખવરાવવા જોઈએ. ફોઈની ધાકની અને એની રાખવી પડતી કાળજીની કહેવત છે કે ફોઈની ખારેક આંખો કાઢે. મતલબ કે ફોઈ પિયરમાં જો બાળકો માટે ખારેક પણ લાવી હોય તો ભાઈએ એનું સવાયું કરીને આપવું પડે. વ્યવહારમાં ચડિયાતા રહેવું પડે.
હવે કઝીન્સનો જમાનો છે. એક સમય હતો જ્યારે વેકેશનમાં મામા - ફોઈના બાળકો ભેગા થઈ મોજમજા કરતા. કાકા બાપાના પોરીયા એટલે કે બાળકોનો ઉછેર સાથે થતો. ભણતર અને ગણતર પણ સાથે જ થતા. પિતાથી મોટાભાઈ કાકાબાપા કહેવાતા. સંબંધો મળતાવડા હતા અને મોજેમોજ થતી હતી. બધા ભેગા થયા હોય એ ‘ચિલ્ડ્રન્સ’ નહીં પોરિયા કહેવાતા. આ પોરિયાઓનું એક ગીત ઈન્ટરનેટ પર કેટલાક વર્ષોથી ખૂબ ગાજી રહ્યું છે. અમો કાકા બાપાના પોરિયા રે અમો ટીમલીમાં રમીયે. અમો મામા - ફોઈના પોરિયા રે અમો ગપુલી રમીયે. અમો ટીમલીમાં રમીયે, અમો ગપુલી રમીયે, અમો હાટોમાં રમીયે, અમે મેળામાં રમીયે. અમો બારીયા હાટે જાવા રે અમો ટીમલીમાં રમીયે. અમો ગવત હાટે જાવા રે અમો ટીમલીમાં રમીયે. અમો દેડિયાપાડા જાવા રે અમો મેળામાં ઘૂમીયે. અમો ગોગંબામાં જાવા રે અમો હાટોમાં ઘૂમીયે. આ ગીત સંબંધોની મીઠાસની સાથે ભાષાના વૈભવથી પણ માહિતગાર કરે છે. ટીમલી એટલે એક સમૂહ જે ભેગા થઈ લોકનૃત્ય કરે. ગપુલી આદિવાસી બાળકોની એક વિશિષ્ટ રમતનું નામ છે. હાટ એટલે ગુજરી બજાર.
ENGLISH વિંગ્લિશ
RELATIONSHIP IDIOMS
આપસી સંબંધોનું આપણે ત્યાં મહત્ત્વ છે એટલું અંગ્રેજી ભાષાનું ચલણ ધરાવતા અગ્રણી દેશોમાં નથી. આપણે ત્યાં કાકા - કાકી, મામા - મામી, ફઈ - ફુવાનું મહત્ત્વ છે. વિદેશમાં તો કેવળ અંકલ અને આંટી (સાચો શબ્દ આન્ટ છે) જ ચલણમાં જોવા મળે. કાકા - કાકી અથવા ફઈ - ફુવા માટે Paternal Uncle/Aunt અને એવી જ રીતે મામા - મામી અથવા માસા - માસી માટે Maternal Uncle/ Aunt જેવા શબ્દોનું પ્રયોજન જોવા મળે છે. અંગ્રેજીમાં સંબંધલક્ષી કહેવતોમાં મિત્રો - સ્નેહીઓની હાજરી વિશેષરૂપે જોવા મળે છે. A Friend in Need is a Friend Indeed અત્યંત જાણીતી કહેવત છે. જરૂરત વખતે, મુસીબતમાં કે અણીના સમયે મદદરૂપ થાય એ જ સાચો મિત્ર એવો એનો ભાવાર્થ છે. અલબત્ત આવા મિત્ર સહુ કોઈના નસીબમાં નથી હોતા. Fair - Weather Friend કહેવતમાં કટાક્ષ ભારોભાર છે. આગલી કહેવતના વિરોધાભાસ જેવી કહી શકાય. અંગ્રેજી પ્રયોગ 'ફેર વેધર' એટલે અનુકૂળ સમય - પરિસ્થિતિ. તમારી આર્થિક - સામાજિક અવસ્થા બળુકી - મજબૂત કે સારી હોય ત્યારે તમારી પડખે રહે અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવતા તરત ગાયબ થઈ જાય એવી વ્યક્તિ Fair - Weather Friend કહેવાય છે. I thought I could count on Mahesh, but I've discovered he's just a fair-weather friend. હું એમ માનતો હતો કે કપરા સમયે મહેશ મારો હાથ ઝાલશે, મારી પડખે ઊભો રહેશે, પણ એ તો મુસીબતના સમયે મારાથી દૂર થઈ ગયો. સરખી પ્રકૃતિ ધરાવતા લોકો સાથે રહે એ ભાવાર્થ અંગ્રેજી કહેવત Birds of a Feather Flock Togetherમાં સુપેરે વ્યક્ત થાય છે. શોખ - આદત અને વિચારસરણીમાં સામ્ય ધરાવતા લોકો સાથે રહેવાનું કે કામ કરવાનું પસંદ કરતા હોય છે. I get along well with my colleague. We are just like birds of a feather flock together. ઓફિસના મારા શું કર્મચારી સાથે કામ કરવામાં મને બહુ મજા પડે છે, કારણ કે અનેક બાબતોમાં અમારી વચ્ચે સામ્ય છે. Build Bridges. વિખૂટી પડેલી જગ્યા - સ્થાનને જોડવાનું કામ સેતુ - પુલ કરે છે. If a person builds bridges between opposing groups, they help them to cooperate and understand each other better. એ જ રીતે અમુક વ્યક્તિ ભિન્ન વિચારસરણી ધરાવતી બે વ્યક્તિ - જૂથને જોડવાનું એમને સમાન ધોરણ પર લાવવાનું કામ કરતી હોય છે. A competent - skillful Diplomat succeeds in building bridges between the two nations after years of tension. વિચક્ષણ - કાબેલ રાજદ્વારી વ્યક્તિ વર્ષો સુધી બે દેશ વચ્ચે રહેલા તણાવને દૂર કરી સુમેળભર્યા સંબંધો સ્થાપવાનું કામ કરે છે. બે જણ વચ્ચે બહુ જ બને એ ભાવના અંગ્રેજી કહેવત Get on Like House on Fire દ્વારા વ્યક્ત થાય છે. Two people who get on like a house on fire have similar interests and quickly become good friends. આવા લોકોના સંબંધ ગાઢ મૈત્રીમાં પરિણમે છે. Run With Hare and Hunt with the Hounds. If you run with the hare and hunt with the hounds, you want to stay on friendly terms with both sides in a quarrel. વિવાદ - ઝઘડામાં બે પક્ષ હોય. કેટલાક લોકો એવા ચતુર હોય કે બંને પક્ષ સાથે સુમેળ રાખી શકે. દૂધ અને દહીં એમ બંનેમાં પગ રાખવા જેવી વાત કહેવાય.
नातेसंबंधाच्या म्हणी
આપણા સામાજિક સંબંધોમાં જેમ મીઠાશ છે એમ એ સંબંધોના નામકરણ તેમ જ એની કહેવતો અને રૂઢિપ્રયોગોની પણ વિશિષ્ટતા છે. મરાઠી ભાષાની કેટલીક સંબંધ કહેવતો આજે જાણીએ અને માણીએ. स्वामी तिन्ही जगाचा आईविना भिकारी. સંબંધોમાં સર્વોત્તમ સંબંધ માનો સંબંધ કહેવાયો છે. તમે ગમ્મે એટલા ધનવાન હો, અપાર સુખ સાહ્યબી હોય, પણ જો પ્રેમથી માથે હાથ ફેરવનારી અને જેના ખોળામાં માથું રાખીને અપાર શાંતિ મળે એવી મા ન હોય તો તમારું જીવન ખરા અર્થમાં જીવન નથી. મા એક નારી નથી, પણ ઈશ્વરનું જ સ્વરૂપ છે. नवऱ्याने मारले आणि पावसाने झोडपले, त्याची तक्रार कोणाकडे? પતિ મારઝૂડ કરે અને વરસાદ જો બધું ખેદાનમેદાન કરી નાખે તો એની ફરિયાદ નથી થઇ શકતી. જીવનમાં કેટલીક બાબતો સહન કર્યા વિના છૂટકો નથી એ આ કહેવતનો મર્મ છે. જોકે, આ કહેવત આજના સમયમાં ટકી શકે એવી નથી, કારણ કે આજે હવે પતિ હાથ નથી ઉપાડતો અને જો ઉપાડે તો પત્ની ચલાવી નથી લેતી અને યોગ્ય જગ્યાએ ફરિયાદ કરે છે.એનો નિવેડો પણ જલદી આવી જતો હોય છે. लेक नाही, तोवर लेवून घ्यावे, सून नाही तोवर खाऊन घ्यावे. આ મજેદાર કહેવત છે જેમાં સમયના મહિમાનું વર્ણન છે. સંતાન નથી ત્યાં સુધી પહેરવા ઓઢવાનો શોખ પૂરો કરી લેવો અને વહુ આવે એ પહેલા ખાણીપીણીના જલસા કરી લેવા એવો એનો ભાવાર્થ છે. સંતાન આવ્યા પછી એના દેખતા શોખ પૂરા કરતા સંકોચ થાય અને વહુ આવ્યા પછી જો ખાવાનો શોખ ચાલુ રહે તો એ બહાર વાત કરે અને નાહક કંકાસ થાય. અલબત્ત આ કહેવત પણ હવે કાળ બાહ્ય ગણવી જોઈએ.
सास - बहु की नोंकझोंक
માણસ સામાજિક પ્રાણી છે. પરિવાર સાથે સમાજમાં રહે છે. સામાજિક બંધનો સ્વીકાર્યા હોવાથી સંબંધોના બંધનોમાં પણ બંધાઈને રહેવું પડે છે. હિન્દી કહેવતોમાં પણ સામાજિક સંબંધોના તાણાવાણા જોવા મળે છે. પરિવારમાં - સમાજમાં અનેક સંબંધો જોવા મળે છે, પણ સૌથી નોકદાર અને મજેદાર સંબંધ તો સાસુ - વહુનો માનવામાં આવે છે. તેમની એકબીજા પર સરસાઈ કરવાની કોશિશ જાણવા - માણવા જેવી છે. કહેવતથી એની બારીકીઓ જાણીએ. કહેવત છે કે आई थी बिल्ली, पूंछ थी गीली. બિલાડી અને એની પૂંછડીનો સંદર્ભ લઈ એક વિશિષ્ટ પરિસ્થિતિનું આલેખન કરવામાં આવ્યું છે. सास और बहू पास पास लेटी थीं, सास ने कहा, जरा देख बाहर वर्षा तो नहीं हो रही ? बहू ने कहा अभी बिल्ली आई थी उसकी पूंछ गीली थी इसका मतलब वर्षा हो रही है। ઘરકામથી પરવારી સાસુ - વહુ આડે પડખે થયા હતા. આંખના પોપચાં બિડાય એ પહેલા સાસુએ વહુને કહ્યું કે 'જરા જોઈ આવ તો બહાર વરસાદ પડે છે કે નહીં?' વહુની આંખ પણ ઘેરાવા આવી હતી એટલે કે પછી ઊભા થવાનું આળસ હોય એટલે કે અન્ય કોઈ કારણસર સાસુને જવાબ આપ્યો કે 'સાસુમા, હમણાં જ બિલાડી ઘરમાં દાખલ થઈ અને મેં જોયું કે એની પૂંછડી ભીની હતી. મતલબ કે બહાર વરસાદ થઈ રહ્યો છે.' હવે આ જવાબને અક્કલનું પ્રદર્શન સમજવું કે સ્માર્ટનેસ ગણવી એ જાતે નક્કી કરી લેવું. હવે આગળ વાંચો. सास ने कहा जरा दीपक बुझा दे, बहू ने कहा आँखें बंद कर लो अंधेरा हो जाएगा । આંખમાં અજવાળું આવતું હોવાને કારણે નીંદરમાં ખલેલ પડતી હોવાથી સાસુમાએ કહ્યું કે 'વહુ, દીવો ઓલવી નાખો તો.' હાજરજવાબી વહુએ કહી દીધું કે 'બંને આંખ બંધ કરી દ્યો એટલે આપોઆપ અંધારું થઈ જશે.' ટૂંકમાં વહુરાણી બિસ્તર છોડી ઊભી થવા તૈયાર નહોતી. જોકે, સાસુમા પણ ગાંજ્યા જાય એવા નહોતા. सास ने कहा जरा किवाड़ बंद कर दे, बहू ने कहा, दो काम मैंने कर दिए अब एक आप भी कर लो। વહુને ઊભી કરવા ત્રીજા ઉપાય તરીકે કહ્યું કે 'બેટા, ઘરના દરવાજા બંધ કરી આવો તો.' હવે આ કામમાંથી છટકવું આસાન નહોતું. જોકે, ચતુરાઈ વાપરી વહુએ જવાબ આપ્યો કે 'બે કામ મેં કરી દીધા, હવે આ એક કામ તમે કરી નાખો.' ટૂંકમાં પોતે ઊભી નહીં થાય એટલે નહીં જ થાય એ વાત વહુરાણીએ અફર રાખી.