જૂઈ પાર્થ
ભર બપોરે તડકામાંથી પરસેવે રેબઝેબ મીનલ ઘેર આવી. થાકીને લોથપોથ થયેલી મીનલે બેલ માર્યો તો પાંચ મિનિટ સુધી કોઈએ દરવાજો ના ખોલ્યો, કારણ કે એસી રૂમમાં ભરાઈને બધા બપોરનો આરામ કરતા હતા. બેલ સંભળાયો હોવા છતાં ગરમીનાં કારણે કોઈને ઊભા થઈ દરવાજો નહોતો ખોલવો. છેવટે નણંદ ક્રિનાએ દરવાજો ખોલ્યો અને કંઈ જ બોલ્યા વિના એસીમાં પાછી જતી રહી. મીનલ ઘરના બધા માટે જોઈતી વસ્તુઓ લેવા બજારમાં ગઈ હતી.
સાસુની સાડીનું ફોલ બીડિંગ, સસરાની દવાઓ, નણંદે મંગાવેલી લિપસ્ટિક, બાળકોનાં પ્રોજેક્ટની સ્ટેશનરી, પતિની ઘડિયાળનો સેલ અને આ ઉપરાંત ઘરવખરીનો ખૂટતો સામાન....
આજે પહેલીવાર મીનલને ગુસ્સો આવ્યો :
‘હું બધાં માટે આટલા તડકામાં ત્રણ કલાક ફરી સામાન લાવી અને પાછી આવી તો બધાં એસીમાં આરામ કરે છે, કોઈને એક પવાલું પાણી આપવાનો પણ વિચાર નથી આવતો?’
મીનલ ગરમીમાં એવી તો કંટાળી હતી કે એની આંખમાં આંસુ આવી ગયા. ચાર વાગી ગયા હતાં એટલે સાસુ રૂમની બહાર આવ્યાં અને મીનલને ચા બનાવવા કહ્યું. મીનલનાં શરીરમાં જરાય તાકાત નહોતી તેમ છતાંય એણે ખેંચાઈને ચા બનાવી. એવાંમાં રસોઈનો સમય થઈ ગયો એટલે રસોઈ બનાવી. રાત પડે એની આંખે અંધારા આવવા માંડ્યા એટલે એ સહેજ આડી પડી અને એ ક્યારે સૂઈ ગઈ એની ખબર પણ ના પડી.
બીજા દિવસે મીનલને સ્કૂલમાં વાલીઓની મીટિંગમાં જવાનું હતું. એટલે ફરી પાછું કામોનું લીસ્ટ હાથમાં આવ્યું.
સાસુએ કહ્યું : અથાણાનો સામાન લેતી આવજે, નણંદે કહ્યું મોજડી તૂટી ગઈ છે એ સંધાવતા આવજો તો સસરાએ ઝભ્ભાનું બટન મંગાવ્યું ફરી એકવાર મીનલ કોઈને ના ન પાડી શકી.
મીનલ સંયુક્ત કુટુંબમાં મોટી થઈ હતી.
નાનપણથી સરળ અને કહ્યાગરી. હોંશે હોંશે આખા ઘરનું કામ કરે. એકેય કામની ના ન પાડે. નાની ઉંમરે લગ્ન થયાં. મૂળ સ્વભાવ તો ખરો જ પણ સાથે પિયરનું નામ ખરાબ ના થાય એ માટે સાસરામાં પણ એણે કોઈ કામ માટે ક્યારેય કોઈને ના ન પાડી. કામ કરવાની હોંશ કહો કે ના ન પાડી શકવાની મર્યાદા, ધીમે ધીમે મીનલનાં માથે કામ એ જવાબદારીનાં બોજરૂપ બની ગયું. એટલી હદે કે હવે તો સગાં - સંબંધીઓ અને મિત્રો પણ એને નિ:સંકોચ કામ સોંપતા અને એ મને ક-મને કરતી પણ ખરી.
બીજી તરફ તુષાર એક મલ્ટીનેશનલ કંપનીમાં નવો નવો જોડાયો હતો. ખાસ કોઈ મોટી પોસ્ટ નહીં, પણ હોંશિયાર એટલે કામ વ્યવસ્થિત કરે. લોકો એના કામની પ્રશંસા કરતા જાય અને એની ફરજ બહારનાં ઓફિસનાં કામ કરાવતા જાય. તુષારને એમ કે હોશિયારી બતાવીને એ પોતાનો આગળ વધવાનો રસ્તો સહેલો બનાવે છે પણ અહીંયા ઊંધુ હતું.
સળંગ બે વર્ષ પછી પણ એને પ્રમોશન ના મળ્યું પણ કામનો બોજો વધતો ગયો. એકવાર તો પટાવાળાએ ચતુરાઈથી તુષારને ઝેરોક્ષ કરવા પણ મોકલ્યો બોસ સહિત લોકોનાં એક્સ્ટ્રા કામ કરવાની જે આદત એણે પાડી હતી એ એને જ નડી રહી હતી. આ એક એવું વિષચક્રે છે, જેમાંથી બહુ જ ઓછા છટકી શકે છે.
આપણામાંથી કેટલા બધાં મીનલ અને તુષાર જેવા છીએ. ના પાડી નથી શકતાં અને પહોંચાય નહીં એવાં અને એટલાં કામ કરવા પડે છે. પ્રશ્ન એ થાય છે કે આપણે કોઈને ના કેમ નથી પાડી શકતા? મનુષ્ય તરીકે આપણે પીપલ પ્લીઝર એટલે કે લોકોને ખુશ કરવાની માનસિકતા સાથે જીવતાં હોઈએ છીએ. લોકોને ખુશ કરવાની પ્રક્રિયામાં આપણે ના નથી પાડી શકતાં.
જો કે ઘણીવાર આ રસ્તો સફળતા પણ અપાવે છે, પણ લાંબા ગાળે કેટલો ફાયદાકારક નીવડે એ તો સમય બતાવે છે. કોઈવાર વડીલોનું માન રાખવા ના નથી પાડી શકાતી તો કોઈવાર લોકો આપણને નાપસંદ કરશે એ ભયનાં કારણે ના પાડતાં સંકોચ થાય છે. કોઈવાર ના પાડતા શરમ આવે છે તો કોઈવાર ના પાડવાથી લોકો આપણને એમનાં જૂથનો ભાગ નહીં બનવા દે એ વિચારે દરેક વાતે હા પાડી અંતે ના ન પાડી શકવાનાં પરિણામ ભોગવવા પડે છે.
આમ જોઈએ તો ના પાડવી એક આવડત છે. સીધી સટાક રીતે ના પાડી શકાય, સામેવાળી વ્યક્તિને ગમે અને એનું માન જળવાય એ રીતે પણ ના પાડી શકાય, બહાના કાઢીને કે જૂઠું બોલીને પણ ના પાડી શકાય. કોણ કેવી રીતે ના પાડે છે એ મહત્તમ અંશે જે તે વ્યક્તિનાં સ્વભાવ પર આધાર રાખે છે. જે વ્યક્તિ ના પડતા શીખી જાય છે એનો બિનજરૂરી ઘણો સ્ટ્રેસ ઓછો થઈ જાય છે અને એ પોતાના માટે વધુ સમય ફાળવી શકે છે.
માણસાઈની દ્રષ્ટિએ સૌને મદદરૂપ થવું જોઈએ, પરંતુ એ ના પાડી શકવાની મર્યાદાને કારણે નહીં, પણ મદદ કરવાની ક્ષમતા સાથે કરવામાં આવે તો કદાચ વધુ યોગ્ય ગણાય. શું તમને ના પાડતાં આવડે છે?
બોલો, તમે શું કહો છો?