Tue May 26 2026

Logo

આકર્ષક ઈન્વેસ્ટમેન્ટના નામે ફસાવીને લૂંટતી કંપનીઓથી સાબદા રહો...

3 weeks ago
Author: Jayesh Chitaliya
Article Image

 

 

 

કેટલીક લેભાગુ કંપનીઓ હવે રોકાણકારોને ફસાવવા આવી નવી- નવી મોડસ-ઓપરેન્ડી અજમાવતી થઈ છે એ વિશે જાણવું જરૂરી છે

 

જયેશ ચિતલિયા

 

ગુજરાતના ચોકકસ કિસ્સાઓ મારફત મળેલી માહિતી મુજબ કેટલીક ફાઈનાન્સિયલ સર્વિસીસ તેમ જ બ્રોકિંગ બિઝનેસ ચલાવતી કંપનીઓ રોકાણકારોને ફસાવવા ઋઈંઈં (ફોરેન ઈન્સ્ટિટયૂશનલ ઈન્વેસ્ટર્સ) અને ચઈંઇ (કવાલિફાઈડ ઈન્સ્ટિટયૂશનલ બાયર્સ) શેરોનો કવોટાના શેરો મળી શકશે એવી ઓફર આપવા લાગી છે. આ ઉપરાંત ગ્રાહકોના પોર્ટફોલિયો મેનેજ કરવાના નામે આવી કૌભાંડી કંપનીઓ સારું-ઊચું વળતર આપવાની લલચામણી ઓફર પણ કરે છે. ગુજરાતની આવી અમુક કંપનીએ પોતાના નામ સાથે ટાટા ગ્રૂપ જેવા વિશ્વસનીય નામોની કંપનીને પોતાના પાર્ટનર બતાવે છે.  પોતાને ‘સેબી’ અને ‘બીએસઈ-એનએસઈ’  રજિસ્ટર્ડ સભ્ય બતાવવા સાથે તેના રજિસ્ટ્રેશન નંબર પણ દર્શાવે છે. અલબત્ત, આ પાર્ટનરશીપ-રજિસ્ટ્રેશન નંબર બધું જ બનાવટી હોય છે, પરંતુ રોકાણકારો આ જાણતા નથી. એ તો આકર્ષક રજૂઆત તેમ જ વળતરના દાવા જોઈ લલચાઈ જાય છે.  

 

રોકાણકારોને રમાડતી નવડાવતી કંપનીઓ...

 

આવી કેટલીક કંપનીઓ હાલ ગુજરાત અને મહારાષ્ટ્રમાં સક્રિય છે, જેમાં અનેકના નાણાં અટવાયા છે.  જો આવી કંપનીઓ નાદાર થઈ જાય તો રોકાણકારોને તેમના નાણાં પાછાં મળવા મુશ્કેલ છે. 

 

જોકે આ કંપનીઓ નાદાર થતી નથી, પણ તેના ગ્રાહકોને નવડાવી નાખે છે, કેમ કે તેમનો ઈરાદો લોકોને ગેરમાર્ગે દોરી તેમ જ ખોટાં વચનો આપી છેતરવાનો હોય છે. આવી કંપનીમાં ફસાયેલા રોકાણકારોને એની સચ્ચાઈની જાણ બહુ મોડી-મોડી થાય છે, જયારે તેમને કંપની તેમના પોતાના નાણાં ઉપાડવા આપતી નથી અને એ માટે એક યા બીજા બહાના બતાવ્યા કરે છે. 

 

જો ઉપાડવા આપે તો પણ એ પહેલાં તે લેભાગુ કંપનીઓ ગ્રાહકો પાસેથી વિવિધ ફી કે ચાર્જિસના નામે સારી એવી રકમ ખંખેરી લે છે, જે લેવાનો તેનો અધિકાર જ નથી હોતો એવા ટેકસ પણ આ કૌભાંડી કંપનીઓના સંચાલકો ઉઘારાવ્યા કરે છે, જે સરકારી તિજોરીમાં જવાના હોતા નથી, બલકે સંચાલકોના ખિસ્સામાં-ઘરમાં જવાના હોય છે.

 

કાગળ પરના બનાવટી નફાના નામે ફી... 

 

આવા અમુક કિસ્સા બહાર આવ્યા છે, જે પછી વધુ તપાસ થતા ખબર પડી કે આ કંપનીઓ બીએસઈ- એનએસઈની અધિકૃત સભ્ય પણ નથી અને તે સેબીમાં રજિસ્ટર્ડ પણ નથી. તે માત્ર અન્ય બ્રોકરેજ કંપનીઓના રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરી પોતે ઓથેન્ટિક હોવાનું બતાવવાની ચાલાકી કરે છે. આવી લબાડ કંપની કહેવાતી વિવિધ સર્વિસના નામે આડેધડ ચાર્જ ગ્રાહકો પાસેથી પડાવે જ છે. એટલું જ નહીં, જીએસટી અને ફાઇનાન્સિયલ ટેકસના નામે પણ ગ્રાહકોને લૂંટે છે. આમ કરવા માટે તે ગ્રાહકોને ડરાવે-ધમકાવે છે.  

 

આવા કૌભાંડીઓની હિંમત તો જુઓ, તે ગ્રાહકોને રાજી કરવા અને લલચાવવા તેમના પોર્ટફોલિયોમાં ઊંચો નફો બતાવે છે, જે ખરેખર તો કાગળ પર બનાવટી જ હોય છે અને આવા નફાના નામે તેના પર ઊંચી ફી ચાર્જ કરે છે. જોકે ગ્રાહકો પોતાના નાણાંનો ઉપાડવાનો પ્રયાસ કરે તો આ કંપનીઓ-સંચાલકો ટેકનિકલ કે નિયમનકારી કારણો જણાવી એ પૂરી રકમ ઉપાડવા આપતા નથી. 

 

ફરિયાદ કયાં કરવી?

 

 કડવી વાસ્તવિકતા એ છે કે આવી ઘણી કંપનીઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફેલાયેલી છે, જયાં તેમને ઢગલાબંધ ગ્રાહક બકરા મળી જાય છે. ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે જો કોઈ આ કંપની વિશે ‘સેબી’માં કે એકસચેંજમાં ફરિયાદ કરવા જાય તો તેમની ફરિયાદ ‘સેબી’ કે કોઈ એકસચેંજ સ્વીકારે કે કેમ એ સવાલ છે, કારણ કે આ કંપની ત્યાં રજિસ્ટર્ડ જ નથી, જેથી તે માન્ય સભ્ય જ નથી, પરિણામે આવી કંપની સામે આર્થિક અપરાધ વિભાગમાં અથવા સાયબર સેલમાં ફરિયાદ થઈ શકે છે, જેનાં પરિણામ મળવા પણ કઠિન હોય છે. 

આ બધાના કારણે જ ‘સેબી’ , સ્ટોક એકસચેંજ સહિતની સંસ્થાઓ લોકોને સતત જાગ્રત રહેવા સલાહ, ટકોર કરતી રહેતી હોય છે તેમ છતાં આવા કિસ્સા બન્યા કરે છે. અહીં નોંધનીય વાત એ છે કે આમાં શિક્ષિત ગ્રાહકો પણ ફસાય છે.

 

લૂંટવાની તેજી ચાલુ... 

 

શેરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિઓ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે. કેટલીક નાની બ્રોકરેજ-ફાઇનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઓફરો, બ્રાન્ડિંગ, પ્રચાર અને માર્કેટિંગનો મહત્તમ ઉપયોગ કરે છે, જેમાં સીધા-સાદા રોકાણકારો તેમની જાળમાં આવી જાય છે. માત્ર યુદ્ધને કારણે તૂટેલા બજારમાં જ ખોટ થાય એવું જરૂરી નથી. અનેક ધુતારાઓ લૂંટવાની નવી-નવી તરકીબો લઈને આવતા જ જાય છે. આવા મહોલમાં  સમજણ વિનાનું રોકાણ થાય તો વળતર બાજુએ રહે ને મૂળ મૂડી પણ ડૂબે...