Tue May 26 2026

Logo

ટૅક વ્યૂહ: ચેટ GPTનું A ટુ Z ....

2 weeks ago
Author: Viral Rathod
Article Image

ટૅક વ્યૂહ - વિરલ રાઠોડ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIએ એક એવી ડિજિટલ દુનિયા બનાવી દીધી છે કે, કોઈપણ સ્ટોરીટેલિંગને સ્ક્રિન પર રજૂ કરવી સરળ થઈ ગઈ છે. એક સમય એવો હતો કે રો ડેટા ઇન્ટરનેટ પર સર્ચ કરવામાં સમય જતો, હવે માત્ર એક સવાલ અને તમામ પ્રકારના જવાબ યુઝર ઇચ્છે એ ભાષા અને શૈલીમાં તૈયાર મળે છે. આ પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જવાબદાર છે. ઘણીબધી એવી ઍપ્લિકેશન છે જેમાં એક સવાલ મૂકો એટલે જવાબ હાજર, જે ભાષામાં પૂછો એ ભાષામાં એ જવાબ આપી દે. આપણા દેશમાં AIનો ઉપયોગ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને યુવાવર્ગમાં એક ચૉઇસ બની છે. ઘણા યુવાનોએ આવી ઍપ્લિકેશનનાં પઇડ વર્ઝન લઈ લીધાં છે તો કોઈ પ્રીમિયમ યુઝર સાથે સબસ્ક્રિપ્શન પણ ધરાવે છે. માર્ચ મહિનામાં ઓપન અઈં દ્વારા એક સર્વે કરવામાં આવ્યો એમાંથી રિપોર્ટ મળ્યો કે સૌથી વધારે સર્ચ હવે ‘ ચેટજીપીટી’માં થાય છે. બીજા ક્રમે ‘જેમિની’ અને ત્રીજા ક્રમે ‘ડીપ AIઆવે છે.

  ચેટજીપીટી કેવી રીતે કામ કરે છે?

 ચેટજીપીટી પ્રોજેક્ટ આખો ચૅટબોટ આધારિત છે, જેમાં માહિતી મેળવનાર જે તે ભાષામાં ઇનપુટ આપે છે અને સામા છેડેથી એનો જવાબ આવે છે. આંખના પલકારામાં ભલભલી માહિતીનો રસથાળ પીરસી દેતી આ ટેક્નૉલૉજી એક ચોક્કસ નેટવર્ક સિસ્ટમ પર કામ કરે છે, જેને ‘ન્યુરલ નેટવર્ક’થી ઓળખવામાં આવે છે. અગાઉથી ફિટ કરેલા પ્રોગ્રામ અનુસાર જુદા-જુદા લેંગ્વેજ મોડલમાં જે તે સવાલ વર્ગીકૃત થાય છે અને પછી સર્વરમાંથી એનો જવાબ આવે છે. આ જવાબ પછી જે તે શૈલીમાં ગોઠવાય છે અને આપણી સ્ક્રિન પર ટાઇપરાઇટરમાં અક્ષરો છપાય એમ લખાય છે. આ સાથે ઘણીબધી ટોકન અને પૅકેજિંગ સિસ્ટમ કામ કરે છે. ઇન્ટરનેટ પર થતા સર્ફિંગ મોડલથી આ મોડલ તદ્દન અલગ છે.

  કેવી રીતે થાય છે ઉપયોગ?

 ચેટજીપીટી જ્યારે સંપૂર્ણ રીતે તૈયાર હતું એ સમયે વેબવર્ઝન હતું એટલે કે, વેબસાઇટ ખોલવી પડતી. એ પછી મોબાઇલ એક્સેસ અને ઍપ્સ તૈયાર થતાં કામ સરળ થઈ ગયું. ભારત દેશમાં આ ઍપ્લિકેશનનો સૌથી વધુ ઉપયોગ કરનારા યુવાનો છે એવી માન્યતા હોય તો એ ખોટું પડે. સિનિયર સિટિઝન અને થોડું અમથું ઇન્ટરનેટ જાણનારા પણ ચેટજીપીટીને પ્રાધાન્ય આપી રહ્યા છે. એક મહાનગરની વસ્તીના આંકડા સાથે જોવામાં આવે તો 82 ટકા યુઝર ચેટજીપીટીના મળે. એવામાં બેંગ્લૂરુ અને હૈદરાબાદ જેવા આઇટી સિટીમાં તો ટકાવારી 92 સુધી પહોંચે. આ ટકાવારી ઓપન એઆઈના સર્વેના રિપોર્ટની છે. શહેરોની કૅટેગરી પ્રમાણે આઈટી ક્ષેત્રના વિદ્યાર્થીઓ સિવાય માત્ર માહિતી અને કોઈ જ ટેક્નો પ્રોગ્રામ વગર જ્યારે તારણ કાઢવામાં આવ્યું ત્યારે સૌથી વધારે ચેટજીપીટીના યુઝર્સ દિલ્હીમાંથી મળ્યા. ન માત્ર દિલ્હી, દિલ્હી-NCR નોઈડા અને ગુરુગ્રામ ટોપ 3માં છે.

 કેવી રીતે બદલી સર્ચ કરવાની શૈલી?

 ઇન્ટરનેટ પર જે કંઈ સર્ચ થતું એની પાછળ કિવર્ડ જવાબદાર હતા. ચેટજીપીટીએ ક્વેરી ફૉર્મેટ ફૉલો કર્યું, આનો અર્થ એ થયો કે જે વિષયની માહિતી, પ્રશ્ન, મૂંઝવણ છે એ ડાયરેક્ટ લખી દો. જવાબ સચોટ અને યુઝરની શૈલી અનુસાર મળશે. બીજો મોટો ફાયદો એ થયો કે એકથી વધારે ભાષાની સવલત મળતા હવે ગૂગલ પર ભાષાનો અવરોધ અહીંયા હળવો થઈ ગયો. બસ, ધ્યાન એટલું જ રાખવું પડતું કે એના ઇનપુટમાં ચોકસાઈ હોવી જોઈએ. ટૂંકમાં સવાલ જેટલો સ્પષ્ટ જવાબ એટલો જ સચોટ અને સ્પષ્ટ. અગાઉ જે તે માહિતી માટે ગૂગલ કરવામાં આવતું એ વસ્તુનું સ્થાન ચેટજીપીટીએ લઈ લીધું. સૌથી વધારે અંગ્રેજી સિવાયની ભાષામાં સવાલ ચેટજીપીટીને ભારતમાંથી જ મળે છે. અમેરિકા, બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા અને જર્મની કરતાં આ પ્રમાણ ભારતમાં ત્રણગણું છે.

  એક દિવસમાં કેટલા યુઝર એક્ટિવ હશે?

ચેટજીપીટીએ દરેક ક્ષેત્રમાં એક અસર ઊભી કરી છે, જે નાના-નાના કાર્યમાં સમય જતો એ આ ટેક્નૉલૉજીએ બચાવી લીધો. ઉદાહરણ તરીકે, વેબસાઇટ બનાવતી વખતે કેટલાક કોડ અને કીવર્ડ જાતે તૈયાર કરવા પડતા એ હવે ચેટજીપીટીમાં તૈયાર મળે છે. ડે લિસ્ટ અને લોકેશન લિસ્ટ તૈયાર કરવામાં એક્યુરેસી આ ચેટજીપીટીએ આપી દીધી. આમ, બેસ્ટ ફૂડથી લઈને ફરવા સુધીના સ્થળ સુધી, ન્યૂઝથી લઈને નેટવર્ક સુધી, ફૅશનથી લઈને ફ્લાવર શો જેવી ઇવેન્ટ સુધી ભાગ્યે જ કોઈ વિષય બાકી રહે. એમાં કોઈ ને કોઈ યુઝર એક્સેસ કરે છે. એટલે એક દિવસમાં  સક્રિય  યુઝરનો આંક 10 કરોડથી વધુનો છે. સમય પણ ચોંકાવનારો છે રાત્રીના 12 વાગ્યા પછીનો....!      
                                                      
 આઉટ ઑફ બૉક્સ

નૉર્થઈસ્ટનાં રાજ્યોમાંથી સૌથી વધારે સવાલ ચેટજીપીટીને શિક્ષણ સંબંધી મળ્યા છે જ્યારે કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી હેલ્થ, ફિટનેસ અને સ્પોર્ટ્સને લગતા સવાલ મળ્યા છે.