- વિરલ રાઠોડ
સ્માર્ટફોન સાથે મળતી એસેસરીમાં પણ નવા રંગો ઉમેરાયા છે. બ્લૂટુથ સાથે પોર્ટેબિલિટી મળતા હવે દરેક ડિવાઈસને ક્નેક્ટ કરવા સરળ બની રહ્યા છે. હવે તો સામાન્ય કમ્પ્યુટરમાં પણ પોર્ટેબલ બ્લૂટુથ હોય એટલે કામ ચાલી જાય છે. મોબાઈલ કે સ્માર્ટફોનમાં તો ઘણા વર્ષોથી આપવામાં આવે છે. દરેક વાયરલેસ ડિવાઈસમાં હવે બ્લૂટુથ કોમન બની રહ્યું છે. ઈયરબગ યુવાવર્ગમાં સૌથી ટ્રેન્ડી રહ્યા છે, પણ ઘણા સેલેબ્સ હજુ પણ વાયરવાળા ઈયરફોનનો ઉપયોગ કરે છે. આ પાછળનું કારણ એ છે કે, બ્લૂટુથ સરળતાથી હેક થઈ શકે છે, જેના દ્વારા ફોન સુધી પહોંચી શકાય છે. ઈયરબગ કે હેડફોનને ચાર્જિંગ કરવા માટે એમની પીન્સ કે વાયર સાચવવા પડે છે. ઈયરબગમાં તો એમની ચાર્જિંગની ડબ્બી ન હોય તો નક્કામું બની જાય. આવી કોઈ ઝંઝટ ન કરવી પડે એ માટે ઘણાય સેલેબ્સ હજુ સુધી સારી બ્રાંડના વાયરવાળા ઈયરફોનને પસંદ કરે છે. ફોન અપગ્રેડ થતા હવે તો ઘણા ફોનમાં ઈયરફોન માટેના પોઈન્ટ જ નથી આપવામાં આવતા. આવા સમયે ફરજિયાત વધારાની એસેસરી લેવી પડે છે.
હેડફોન-ઈયરફોનનો પહેલો ઉપયોગ
જાણીને નવાઈ લાગશે કે, જેને આપણે હેડફોન કે ઈયરફોન તરીકે ઉપયોગ કરીએ છે તેનો સૌથી પહેલા ઉપયોગ ટેલિફોનના કંટ્રોલ રૂમમાં થયો હતો. વર્ષ 1880થી 1890 સુધીનો દાયકો ઈયરફોનનો સુવર્ણયુગ મનાય છે. કંટ્રોલરૂમમાં ઈલેક્ટ્રોફોન સિસ્ટમ હતી એ સમયે ટેલિફોનના હેન્ડસેટ સાથેના વિકલ્પમાં ઈયરફોનનો ઉપયોગ થતો. આ ઈયરફોન વાયરવાળા હતા.
ટેલિફોનના રિસીવર વજનમાં ભારે અને કદમાં મોટા હતા, લાંબા સમય સુધી વાતચીત કરવાની હોય તો કાન કરતા હાથ ઝડપથી થાકી જાય. આવું ન થાય એ માટે ઈયરફોનનો ઉપયોગ થતો. વર્ષ 1891માં ફ્રેન્ચ ઈજનેર અર્નેસ્ટ મેરકેડાયરે સૌ પ્રથમ ઓછા વજનવાળા અને પાતળા વાયરવાળા ઈયરફોન બનાવ્યા. એ સમયે ફ્રાંસમાં ટેલિફોન બુથમાં એ મૂકવામાં આવ્યા હતા. વર્ષ 1958માં જોન કોસ નામના સંગીતપ્રેમી એ સૌ પ્રથમ સ્ટિરિયો સાઉન્ડ હેડફોન બનાવ્યા. 100 પાઉન્ડ એની કિંમત હતી એની પેટર્ન આજે પણ યથાવત છે.
યુરોપ છે હેડફોનનું જન્મદાતા
ડબલ ચેનલ હેડફોનની શરૂઆત યુરોપમાં થઈ હોવાનું માનવામાં આવે છે. કમ્પ્યુટર જ્યારે ભારતમાં નવા નવા ં આવ્યા એ સમયે હેડફોનમાં એકસાથે બે વાયર આપવામાં આવતા. ગ્રીન અને પછી બ્લેક. બ્લેકના સ્થાને બીજા રંગો બદલતા રહ્યા પણ ગ્રીન કલર યથાવત્ રહ્યો. એનું એક હોલ્ડર કમ્પ્યુટરમાં પણ સ્થાયી થયું. બે વાયરનો અર્થ એ થતો કે, બે ઓડિયો ચેનલ પર હેડફોન કામ કરે છે. એકમાં વોઈસ અને બીજામાં મ્યુઝિક. વાયરને સાચવી રાખવાની મથામણ અને પીન તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડતું. એક દાયકા સુધી સંગીતપ્રેમીના કાન પર રાજ કર્યા બાદ આખરે આવા હેડફોન આઉટડેટેડ થયા અને કાયમી વિદાય લીધી.
આજે જે માર્કેટમાં વાયરવાળા હેડફોન મળે છે એમાં એક જ વાયરમાં ડબલ ચેનલ હેડ વાયર હોય છે એટલે એક જ પીનમાં બે આઉટપૂટ તે ફાયર કરી શકે છે. એનાથી આગળ સ્પીકર પાસે થોડી અમથી જગ્યામાં સર્કિટ સાથે બ્લૂટુથને ફીટ કરતા આ જ હેડફોન બ્લૂટુથથી સજ્જ થયા.
વોકમેને વધારી ઈયરફોન-હેડફોનની માગ
વર્ષ 1979 અને છેક 1995 સુધી વોકમેનનો દબદબો માર્કેટમાં હતો. સૌથી પહેલા વોકમેનનો અભિગમ લાવનાર કંપની સોની હતી. મોડલ હતું વોકમેન ખઉછ 32 એક જ હોલ્ડરમાં હેડફોન પણ ક્નેક્ટ થાય અને ઈયરફોન પણ જોડાઈ જાય. અંદર 60 અથવા 90 મિનિટની ઓડિયો કેસેટ લાગતી. એમાં પણ સોનીની કેસેટ હોય એટલે સાઉન્ડ અલગ રીતે સંભળાય. વારંવાર પ્લાસ્ટિક પ્લેટ અને સ્પીકર સાથે જોડાયેલા વાયર તૂટી જાય તો હેડફોન નક્કામા બની જાય. આ સમસ્યા હતી. એ પછી આવ્યા કાનની અંદર સમાય જાય એવા બટન જેટલા કદના ઈયરફોન. કદમાં નાના એટલે સાચવવાની જફા નહીં અને વાયરનું ફીડલું વાળીને મૂકી પણ શકાય. ફિલિપ્સ, ઓનક્યો, પેનાસોનિક જેવી કંપનીઓએ વોકમેન માર્કેટમાં મૂક્યા બાદ ઈયરફોનની માગ રાતોરાત વધી ગઈ. પરિણામે હેડફોને એક અલગ સ્થાન બનાવ્યું જ્યારે દૈનિક વપરાશમાં ઈયરફોન વધ્યા. જે આજે પણ યથાવત્ છે.
નેકબેન્ડ ઈયરફોન ને બડ્સ
ઓડિયો ડિવાઈસની દુનિયામાં સોની કંપનીએ જે ખેડાણ કર્યું છે અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ બેજોડ છે. સોની કંપની ફોન માર્ટેકમાં ખરાબ રીતે પીટાઈ ગઈ, પણ હેડફોનથી લઈને નેકબેન્ડ સુધી સોનીનો દબદબો હજુ પણ યથાવત્ છે. ગળા પર વજન ન લાગે અને માથે મૂકો તો ફીલ ન થાય એ રીતે વજનમાં સાવ હલકા નેકબેન્ડ ઈયરફોન પહેલા વાયરમાં આવ્યા અને પછી બ્લૂટુથ સાથે આવ્યા. વાયરમાં મર્યાદા એ હતી કે, પીન પાસે વાયર વધારે ખેંચાય કે સ્પીકર પાસેના વાયર તૂટે તો નક્કામું. એટલે બ્લૂટુથવાળા ફોન ટકી રહ્યા જે આજે પણ કાયમ છે.
આઉટ ઓફ બોક્સ
વર્ષ 1998માં પહેલીવાર સાઉન્ડબાર માર્કેટમાં આવ્યા. એલટેક લાંસિગ નામની કંપનીએ બનાવ્યા પછી ડોલબી ડિજિટલ સાઉન્ડ સાથે મર્જ થતા સાઉન્ડબારનો કોન્સેપ્ટ વિકસ્યો.