Fri Apr 17 2026

Logo

હૅરી બ્રુકના એક મૅચમાં અનેક વિક્રમ, ઇંગ્લૅન્ડ ટી-20 વર્લ્ડ કપનો એવો પ્રથમ દેશ છે જે...

1 month ago
Author: Ajay Motiwala
Article Image

પલ્લેકેલ: મંગળવારે અહીં ઇંગ્લૅન્ડના કેપ્ટન હૅરી બ્રુકે (100 રન, 51 બૉલ, ચાર સિક્સર, દસ ફોર) પાકિસ્તાન સામેની મૅચમાં વન-મેન શૉની અસરદાર ઈનિંગ્સની મદદથી ઇંગ્લૅન્ડને સેમિ ફાઇનલમાં પહોંચાડી દીધું એને પગલે બ્રુકના અનેક વિક્રમોની જ અત્યારે સોશ્યલ મીડિયામાં ચર્ચા છે. ટી-20 વર્લ્ડ કપમાં સેન્ચુરી કરનાર તે વિશ્વનો પહેલો જ કેપ્ટન બન્યો છે.

 

પાકિસ્તાને 9 વિકેટે 164 કર્યા ત્યાર બાદ ઇંગ્લૅન્ડે 19.1 ઓવરમાં આઠ વિકેટે 166 રન કરીને મૅચ જીતી લીધી હતી. એ 166 રનમાંથી 100 રન હૅરી બ્રુકના હતા.

ઇંગ્લૅન્ડ (England) સતત પાંચમી વખત ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચનારો પહેલો દેશ બન્યો છે. બ્રિટિશ ટીમ આ પહેલાં 2024, 2022, 2021 અને 2016ના વર્લ્ડ કપમાં સેમિ ફાઈનલમાં પહોંચ્યું હતું. એણે સતત ચાર-ચાર વખત સેમિમાં એન્ટ્રી કરનાર પાકિસ્તાન અને શ્રીલંકાનો વિક્રમ તોડી નાખ્યો છે.

હૅરી બ્રુકે (Brook) કેપ્ટન તરીકે ટી-20 વર્લ્ડ કપમાં  સેન્ચુરી ફટકારીને ક્રિસ ગેઈલ (2010માં ભારત સામે 98 રન)નો રેકોર્ડ તોડ્યો છે. હૅરી બ્રુક ટી-20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ઇંગ્લૅન્ડ વતી સેન્ચુરી કરનાર પણ પ્રથમ સુકાની છે. તેણે ઓઇન મોર્ગન (2019માં ન્યૂ ઝીલૅન્ડ સામે 91 રન)નો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડના ખેલાડી તરીકે જેમણે અગાઉ સેન્ચુરી કરી હતી એમાં હવે હૅરી બ્રુક પણ જોડાયો છે. તે ઍલેક્સ હેલ્ઝ અને જૉસ બટલરની હરોળમાં આવી ગયો છે.

ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ સેન્ચુરી કરનાર હૅરી બ્રુક પહેલો જ ખેલાડી છે. તેણે બાંગ્લાદેશના શાકિબ અલ હસન (2012માં 84 રન)નો વિક્રમ બ્રેક કર્યો છે.

હૅરી બ્રુકે મંગળવારે પાકિસ્તાન સામે 50 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી. ટી-20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપે સદી પૂરી કરનાર તે ક્રિસ ગેઈલ (47 બૉલ) પછીનો બીજો ખેલાડી બન્યો છે.

હૅરી બ્રુક આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સેન્ચુરી કરનાર ડેવિડ મલાન અને બટલર પછીનો ઇંગ્લૅન્ડનો ત્રીજો ખેલાડી બન્યો છે.