મુંબઈઃ ભારતને તાજેતરમાં ટી-20નો વર્લ્ડ કપ જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ના મતે એ ટૂર્નામેન્ટ પહેલાં મૅચ-ફિટ રહેવા તેણે વાનખેડે સ્ટેડિયમમાં ખૂબ પ્રૅક્ટિસ કરી હતી અને તાલીમના એ દિવસોમાં પ્રૅક્ટિસ માટેની સુંદર સગવડો ઊભી કરી આપવા બદલ હાર્દિકે વાનખેડે (Wankhede)ના મેદાનના દરેક માળી (Groundsman)ને 10,000 રૂપિયાનું ઇનામ આપ્યું છે.
હાર્દિકે વિશ્વ કપ પહેલાં રેડ-બૉલ ડોમેસ્ટિક સીઝન દરમ્યાન વાનખેડેમાં ઘણા દિવસ પ્રૅક્ટિસ કરી હતી. તેને ભૂતકાળમાં ઘણી વખત ઈજા નડી હોવાને કારણે તેણે અગત્યની મૅચ કે સિરીઝ ગુમાવવી પડી હતી. જોકે વર્લ્ડ કપ પહેલાં તેણે પૂર્ણપણે ફિટ રહેવા કમર કસી હતી અને એમાં તેને પ્રૅક્ટિસ અર્થે માળીઓનો સતત સાથ મળ્યો હતો.
મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ) દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રૅક્ટિસ માટેની સુવિધાઓ હાર્દિકને માળીઓએ મોડી રાત સુધી પણ સરસ રીતે ઉપલબ્ધ કરી આપી હતી.
હાર્દિકે ગ્રાઉન્ડ સ્ટાફને વચન આપ્યું હતું કે તે તેમને વર્લ્ડ કપ પછી ઇનામ આપશે. એ પ્રૉમિસ હાર્દિકે શનિવારે શરૂ થઈ રહેલી આઇપીએલના પ્રસંગે મેદાનના દરેક માળીને 10,000 રૂપિયાનો ચેક આપીને પૂરું કર્યું હતું.
હાર્દિક ગુરુવારે વાનખેડે પર પહોંચ્યો હતો અને દરેક ગ્રાઉન્ડ્સમૅનને ચેક આપીને તેમનું સન્માન કર્યું હતું અને ફોટો માટેની વિનંતી થતાં તેમની સાથે પોઝ આપ્યો હતો. આ જ મેદાન પર ભારતે પાંચમી માર્ચે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ઇંગ્લૅન્ડને સાત રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન પાક્કું કરી લીધું હતું. આઠમી માર્ચે અમદાવાદમાં ભારતે ન્યૂ ઝીલૅન્ડને 96 રનથી પરાજિત કરીને વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી હતી.