આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં રહે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, આ વીડિયોને કારણે ફરી એક વખત ગીગ વર્કર્સ એટલે કે ડિલિવરી બોયની આવક અને તેમના થઈ રહેલાં શોષણનો મુદ્દો ઉપસ્થિત કર્યો છે. આ વીડિયોમાં એક ડિલિવરી બોય ખૂબ જ ઓછા પેમેન્ટથી નારાજ થઈને પોતાનો ગુસ્સો એવી રીતે કાઢે છે કે જોઈને તમે પણ ચોંકી ઉઠશો. ચાલો તમને જણાવીએ કે આખરે કઈ વાતે નારાજ થયો ડિલિવરી બોય અને તેણે એવું તે શું કર્યું...
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં સ્વિગીનો એક ડિલિવરી બોય પોતાની બાઇકની પાછળ ફૂડ ડિલિવરી બોક્સને દોરડાથી બાંધીને રસ્તા પર ઘસડતો જોવા મળે છે. જોકે, ડિલિવરી બોયે આવું કેમ કર્યું એ પાછળનું કારણ જાણીને સોશિયલ મીડિયા યુઝર્સ પણ બે ભાગમાં વહેંચાઈ ગયા છે.
એક રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર ડિલિવરી બોયને 6.2 કિલોમીટર દૂર ઓર્ડર ડિલીવર કરવા માટે કંપની તરફથી માત્ર 35 રૂપિયા જ મળ્યા હતા. આટલા લાંબા અંતર માટે આટલું ઓછું વળતર મળતા તે નિયંત્રણ ગુમાવી બેઠો અને તેણે પોતાની નારાજગી વ્યક્ત કરવાનું નક્કી કર્યું. વીડિયોમાં જોવા મળે છે કે બોક્સ રસ્તા પર ઘસાવાને કારણે અંદર રાખેલું ગ્રાહકનું ભોજન સંપૂર્ણપણે ખરાબ થઈ ગયું હશે. આસપાસના લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી.
A Swiggy rider drag his food delivery box on the road after being paid a pathetic ₹35 for a 6.2 km trip this isn’t just unfair, it’s outright exploitation.
— Krishnan Gaur (@Mercedes5494) April 15, 2026
This is what happens when companies squeeze workers to the bone and expect them to survive on scraps. Absolutely… pic.twitter.com/vO12y6PV74
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @Mercedes5494 નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં તેને હજારો લોકોએ જોયો છે અને તેના લાઈક્સ અને કમેન્ટ કરીને પોતાની રાય પણ આપી રહ્યા છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર નવી ચર્ચાઓ છેડી દીધી છે.
કેટલાક લોકો આ વીડિયો જોયા બાદ ડિલીવરી બોયને સપોર્ટ કરી રહ્યા છે તો વળી કેટલાક લોકો ડિલીવરી બોયની ટીકા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે 6 કિલોમીટરના માત્ર 35 રૂપિયા આપવા એ એક પ્રકારનું શોષણ જ છે. આટલી મોંઘવારીમાં ડિલિવરી બોય કેવી રીતે ગુજરાન ચલાવે?
જ્યારે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે કોઈ પણ કર્મચારીને કંપની સામે ગુસ્સો હોય તે વાજબી છે, પણ ગ્રાહકના ભોજનનો આ રીતે બગાડ કરવો અને તેને રસ્તા પર ઘસડવો એ ખોટું છે. જો કામ પસંદ ન હોય તો છોડી દેવું જોઈએ. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.