Fri Apr 17 2026

Logo

15 વર્ષના વૈભવે બોલર્સના મનમાં ભય પેદા કરવાની શરૂઆત કરી દીધી છેઃ ડેલ સ્ટેન

1 week ago
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલિંગ લેજન્ડ ડેલ સ્ટેનનું એવું માનવું છે કે રાજસ્થાન રૉયલ્સના 15 વર્ષના વૈભવ સૂર્યવંશી બોલર્સના દિલોદિમાગ પર છવાઈ ગયો છે અને તેણે બોલર્સના મનમાં ભય પેદા કરવાની શરૂઆત કરી દીધી છે. એટલું જ નહીં, તેણે જસપ્રીત બુમરાહ (Bumrah) જેવા દિગ્ગજ બોલરને પણ ભૂલ કરવા મજબૂર કર્યો છે.

મંગળવારે વૈભવે (Vaibhav) પ્રોફેશનલ ક્રિકેટમાં પહેલી જ વખત બુમરાહનો સામનો કર્યો હતો. વૈભવે મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય ફાસ્ટ બોલર બુમરાહના પહેલા જ બૉલમાં સિક્સર ફટકારી હતી. તેણે બુમરાહનો બૉલ મિડ-ઑન પરથી સીધો બાઉન્ડરીની બહાર મોકલી દીધો હતો. 

ડેલ સ્ટેન (Dale Steyn)નું એવું પણ કહેવું છે કે `બોલર રન-અપ પર દોડીને વૈભવને બૉલ ફેંકવા આવી રહ્યો હોય ત્યારે વૈભવના આક્રમક અભિગમની બોલરના મન પર અસર થતી જોવા મળી છે. બીજી રીતે કહું તો વૈભવે બોલર્સના મનમાં ભય પેદા કર્યો છે જેમાં તે જાણે સંકેત આપી રહ્યો હોય કે તેની બોલિંગને તે ચીંથરેહાલ કરી નાખવાનો છે.'

ડેલ સ્ટેનનું એવું પણ માનવું છે કે `બુમરાહ જેવા બોલરની પણ એક તબક્કે એકાગ્રતાભંગ થતી જોવા મળી. તેની બાબતમાં આવું જવલ્લે જ થયું એમ કહી શકાય. બુમરાહ (બૅક ઑફ ધ માઇન્ડ) વિચારતો હશે કે જરા પણ ભૂલ ન થવી જોઈએ, નહીં તો આ છોકરો છગ્ગો ફટકારી દેશે.'

ડેલ સ્ટેનના મતે `બુમરાહના એક બૉલમાં વૈભવે સિક્સર ફટકારી ત્યારે ખુદ બુમરાહ હતાશામાં થોડું હસ્યો હતો અને રન-અપ પર પાછો ગયો હતો. મને લાગે છે કે વૈભવને કોઈનો પણ (કોઈ પણ બોલરનો) ડર નથી. આ નિર્ભય અને નીડર અભિગમને લીધે જ વૈભવ ભલભલા બોલર માટે ડેન્જરસ બની શકે છે.'

મુંબઈ ઇન્ડિયન્સ સામેની મંગળવારની મૅચમાં વૈભવે બુમરાહના પ્રથમ બૉલની સિક્સર બાદ એ જ ઓવરમાં બીજો છગ્ગો પણ ફટકાર્યો હતો. પછીથી વૈભવે ટ્રેન્ટ બૉલ્ટ સહિત અન્ય બોલર્સની બોલિંગમાં બીજી ત્રણ સિક્સર ફટકારી હતી. વૈભવે 14 બૉલમાં 39 રન કર્યા હતા જેમાં પાંચ છગ્ગા અને એક ચોગ્ગો સામેલ હતા.