Fri Apr 17 2026

Logo

શાંત મગજવાળા એક ગુજરાતી ખેલાડીને બીજા ગુજરાતી ક્રિકેટરે સ્વભાવમાં ફેરફાર કરવાની સલાહ આપતા કહ્યું કે...

4 weeks ago
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ આઇપીએલની 2026ની સીઝનની શરૂઆતને માંડ એક અઠવાડિયું બાકી છે ત્યારે દરેક ટીમે પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે અને એવામાં ભારતના ટેસ્ટ-લેજન્ડ ચેતેશ્વર પુજારાએ દિલ્હી કૅપિટલ્સ (ડીસી)ના કૅપ્ટન અક્ષર પટેલને દોસ્તીના ભાવે એક ચેતવણી આપી છે. પુજારા (Pujara)એ અક્ષર (Axar)ને સ્વભાવમાં થોડો ફેરફાર કરવાની સલાહ આપી છે.

આઇપીએલની 19મી સીઝન 28મી માર્ચે શરૂ થશે જેમાં પ્રથમ મૅચ બેંગ્લૂરુમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) વચ્ચે રમાશે.

પુજારાએ એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલ પરની વાતચીતમાં કહ્યું, `અક્ષર ખૂબ શાંત મગજવાળો ખેલાડી છે. તે બહુ સારો પ્લેયર પણ છે અને આઇપીએલ જેવી હાઇ-પ્રેશરવાળી ટૂર્નામેન્ટમાં રમતી વખતે માનસિક દબાણને પોતાના પર હાવિ નથી થવા દેતો. તે ખૂબ પ્રભાવશાળી પણ છે અને પોતાના ખેલાડીઓને પીઠબળ પૂરું પાડતો હોય છે, પરંતુ તેણે વધુ પડતી નિરાંતવાળો અભિગમ ટાળવો જોઈએ.

બધી વાતને બહુ હળવાશથી લેવાથી બાજી હાથમાં સરી જતી હોય છે એટલે તેણે એ સ્થિતિ ટાળવી જોઈએ. ગયા વર્ષે દિલ્હી કૅપિટલ્સની ટીમ એક સમયે બહુ સારી સ્થિતિમાં હતી, પણ એ ટીમે તક ગુમાવી દીધી હતી. અક્ષરે આ સીઝનમાં ખાસ ચેતવું પડશે.'

2025ની સીઝનમાં દિલ્હી કૅપિટલ્સની ટીમ પહેલી આઠમાંથી છ મૅચ જીતી હતી. જોકે ત્યાર પછી અક્ષરની ટીમ ઘણી મૅચો હારી હતી અને પ્લે-ઑફમાં નહોતી પહોંચી શકી. દિલ્હીની ટીમ ક્યારેય ટાઇટલ નથી જીતી શકી. તેઓ માત્ર એક (2020ની સીઝનમાં) ફાઇનલ રમ્યા છે જેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે તેમનો પરાજય થયો હતો.