Fri Apr 17 2026

Logo

સૅમસન સહિત આઠ જાણીતા બૅટ્સમેનની વિકેટ લેનાર ઝિમ્બાબ્વેનો આ બોલર આવી ગયો કેકેઆરની ટીમમાં...

1 month ago
Author: Ajay Motiwala
Article Image

KKR IPL 2026


કોલકાતાઃ ઝિમ્બાબ્વેનો 29 વર્ષીય રાઇટ-આર્મ પેસ બોલર બ્લેસિંગ મુઝરબાની (Muzarbani) આવતા મહિને શરૂ થનારી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં રમવાનો હતો, પરંતુ તેણે એ ટૂર્નામેન્ટ છોડીને ભારતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (KKR)માં રમવાનું નક્કી કર્યું જેને પગલે આઇપીએલના ત્રણ ટાઇટલ જીતનાર કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ તેને મેળવી લીધો છે.

ઉલ્લેખનીય છે કે મુઝરબાનીએ તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપમાં કેટલાક જાણીતા બૅટ્સમેનોની વિકેટ લીધી હતી જેમાં મૅન ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર જીતનાર સંજુ સૅમસનનો પણ સમાવેશ હતો.

26મી ફેબ્રુઆરીએ ચેન્નઈમાં ભારતની સુપર-એઇટ મૅચ ઝિમ્બાબ્વે સામે રમાઈ હતી જેમાં મુઝરબાનીએ સૅમસન (24 રન)ને કૅચઆઉટ કરાવ્યો હતો. એ મૅચમાં ખાસ કરીને અભિષેક શર્માના પંચાવન રન અને હાર્દિક પંડ્યાના અણનમ 50 રન તેમ જ તિલક વર્માના અણનમ 44 રનની મદદથી ભારતે ચાર વિકેટે 256 રન બનાવ્યા પછી મૅચ જીતી લીધી હતી. એ મૅચ પછી સૅમસને છેલ્લી ત્રણ મૅચમાં અણનમ 97 રન તેમ જ 89 રન અને 89 રનની મદદથી ભારતને ટ્રોફી અપાવી હતી.

મુઝરબાની છ ફૂટ આઠ ઇંચ ઊંચો છે. તેણે વર્લ્ડ કપમાં કુલ 13 વિકેટ લીધી હતી અને તમામ બોલર્સમાં બીજા નંબરે હતો. તેણે આ ટૂર્નામેન્ટમાં સૅમસન ઉપરાંત ઑસ્ટ્રેલિયાના ટિમ ડેવિડ, મૅથ્યૂ રૅન્શો, શ્રીલંકાના કુસાલ પરેરા અને દાશુન શનાકા, વેસ્ટ ઇન્ડિઝના રૉવમૅન પોવેલ અને જેસન હોલ્ડર તેમ જ સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરની વિકેટ પણ લીધી હતી.