Tue May 26 2026

Logo

ઊડતી વાત: લગ્ન માટે આ તે કેવો જુગાડ?

1 week ago
Author: Bharat Vaishnav
Article Image

 

 - ભરત વૈષ્ણવ

‘મે આઇ કમ ઇન સર?’ એક લવરમૂછિયો ચેમ્બરનું બારણું ખોલીને અંદર આવવા પરમિશન માગી રહ્યો હતો.

‘યેસ, કમ ઇન’ લખતરિયાએ આગંતુકને અંદર આવવા કહ્યું.     

લખતરિયા ઑઇલ કંપનીની પ્રાદેશિક ઑફિસમાં ચીફ એન્જિનિયર હતા.

‘તારુંં નામ શું છે? તું અહીં નોકરી કરે છે?’ લખતરિયાએ જિજ્ઞાસાને વાચા આપી.

‘મારું નામ કુમાર પટેલ છે. હું તમારા સેક્શનમાં રોજમદાર મજૂર છું’ કુમારે જવાબ આપ્યો. નોકરીની શરૂઆતના દિવસોમાં નવા-નવા છોકરા કે છોકરી ડબ્બા જેવાં હોય. બિલકુલ બાઘાં લાગે. ચકળવકળ ડોળાથી બધું જોતાં હોય. આત્મવિશ્વાસ તો તળિયે હોય, પરંતુ કુમાર તો એમાં અપવાદરૂપ લાગે.

‘તારે કાંઈ મારું કામ છે?’

‘સાહેબ, તમે આ ઑફિસના સૌથી મોટા સાહેબ છો?’ કુમારની આંખમાં કુતૂહલનાં કબૂતર ઉડાઉડ કરતાં હતાં.

‘તને વાંચતાં આવડે છે?’ લખતરિયાએ કુમારને પૂછ્યું.

‘હા, પણ તમે કેમ આવો સવાલ કરો છો?’ કુમાર મૂંઝાયો.

‘તું ચેમ્બર બહાર લગાવેલું મારું બોર્ડ વાંચી આવ’ લખતરિયાએ આદેશ કર્યો. 

‘ડૉ. ડી લખતરિયા, એમટેક, ચીફ એન્જિનિયર, રિજયોનલ ઑફિસ, ભરૂચ’ લખેલું હતું. 

કુમાર બોર્ડ વાંચીને લખતરિયાની ચેમ્બરમાં ગયો.

‘કેમ? હવે સંતોષ થયો?’ લખતરિયાએ તંજ કસ્યો.

‘હા સર, પણ તમારાથી કોઈ મોટા સાહેબ હશેને?’

‘મારાથી ઉપર તો ડાયરેક્ટર હોય. કેમ તારે મારા સાહેબ થવું છે?’

‘સર, મારે પણ એક દિવસ માટે તમારા જેવા બૉસ બનવું છે’ કુમારે મહેચ્છા પ્રદર્શિત કરી.

‘આ પોસ્ટ પર આવવા મેં કેટલા પાપડ વણ્યા છે કે કેટલું પેટ્રોલ બાળ્યું છે એની તને ખબર છે? તારે મારા બૉસ બનીને શું કાંદા કાઢવા છે?’ કુમારની ગુસ્તાખી પર લખતરિયા બરાબર બગડ્યા.

‘સાહેબ, ગુસ્સો થૂંકી નાખો. હું તમારા માટે ચા મગાવું?’ કુમારે ચા ઑફર કરી.

‘મારા એટલા ખરાબ દિવસો આવ્યા નથી કે મારે રોજમદારની ચા પીવી પડે? તારા જેવાને તો હું રોજની બસો-પાંચસો રૂપિયાની ચા પીવડાવું છું.’ 

‘સર, તમને એવું લાગે છે કે હું પૈસા માટે નોકરી કૂટું છું?’ કુમારે ગૂગલી નાખી.

‘જો ભાઈ, દુનિયામાં સૌ પૈસા કમાવા નોકરી કરતા હોય. હું પણ બે રૂપિયા કમાવવા નોકરી કરું છું.’

‘સર, હું એક મિશન પૂરું કરવા નોકરી કરું છું.’

‘હેંએએં? શેનું મિશન? તું આતંકવાદી છે કે સામેની કંપનીનો જાસૂસ છું? તારો ઇરાદો શુભ જણાતો નથી’ લખતરિયાને કુમાર ભેદી માણસ લાગ્યો.

‘સાહેબ, તમે મહિને કે વરસે કેટલું કમાતા હશો?’ કુમારે નવો મોરચો ખોલ્યો.

‘હું મહિને પાંચ લાખ રૂપિયા અને વરસે બોનસ ફોનસ ગણીએ તો એક કરોડ રૂપિયા કમાઉં છું’ લખતરિયાએ માહિતી આપી.

‘બસ, એટલા જ? વૉટ એ પુઅર ઇન્કમ!’ 

‘વૉટ? તને કરોડ રૂપિયાની કમાણી ચણામમરા લાગે છે?’  

‘ચોક્કસ, સર મારી એક દિવસની કમાણી બે-ત્રણ કરોડ રૂપિયા છે’ કુમારે ઘટસ્ફોટ કર્યો.

‘તો પછી અહીં મહીને દસ હજાર રૂપરડીમાં શું કામ લોદર તોડવા આવે છે?’ લખતરિયાએ હૈયે હતું તે હોઠે લાવી દીધું.

‘સર, મારી મજબૂરી છે. હું વઢિયાર પંથકનો છું. હું સટ્ટાકિંગ છું. મારી કરોડો રૂપિયાની આવક છે. વરથી લઈ વરસાદ અને મસાલાથી લઈ મૅચ સુધી સટ્ટો રમાડું છું. મારી પાસે ખેતીવાડી, બંગલો, ફાર્મહાઉસ, મૉલ વગેરે છે, પરંતુ અમારા પંથકમાં લગ્ન કરવા માટે આ પૂરતું નથી. છોકરીવાળાને સરકારી અધિકારી જ ખપે છે. એમ તો હું નૉન મેટ્રિક પાસ છું, પણ મને નોકરી કોણ દે?’ કુમારે પોતાની જાંઘ ખુલ્લી કરવી જ પડી.

 ‘એમાં હું તને શું મદદ કરી શકું?’ 

‘સર, મારે તમારી એક ફેવર જોઈએ છે’ કુમારે વિનંતી કરી.

‘કેવી ફેવર?’ 

‘સર, મને એક દિવસ માટે તમારો બૉસ બનાવી દો. મારા સંબંધની વાત ચાલે છે. મેં મોટા ઑફિસર હોવાની ડિંગ મારી છે. છોકરીનાં માબાપ મને મારી ઑફિસમાં કામ કરતો જોવા માગે છે. મારી અસલી કામગીરી જોવે તો મને કદી પસંદ ન કરે. મને જોવા છોકરીનાં માબાપને હું અહીં બોલાવીશ. હું તમારી કૅબિનમાં બેસીશ. તમારા પીએ મારફત તમને મારી કૅબિનમાં બોલાવીશ. તમારે મને પટેલસાહેબ કહીને બોલાવવાનો. ચા-નાસ્તાની વ્યવસ્થા કરવાની.’ કુમારે મૅરેજ ગેમ સમજાવી.

‘યેસ, ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ, બૉસ’ લખતરિયાએ નાટકની શરૂઆત કરી. 

નિયત દિવસે છોકરીનાં મા-બાપ કુમારસાહેબની ઑફિસ પહોંચ્યાં. લખતરિયાએ તાબેદારીની પર્ફેેકટ ઍક્ટિંગ કરી. લખતરિયા જાતે ટ્રેમાં ચા અને નાસ્તાની પ્લેટ લાવ્યા. કોઈ ન જુએે તે રીતે કુમારને આંખ મારી. કુમારનું નક્કી થઈ ગયું.

કુમારનાં લગ્ન થઈ ગયાં. કુમારે ઑફિસના સ્ટાફને ફાઇવ સ્ટાર હોટલમાં પાર્ટી આપી. પછી કુમાર કદી ઑફિસમાં દેખાયો નહીં.

કોઈ છોકરો કુંવારો હોય તો કુમારનો આઇડિયાનો ઉપયોગ કરીને લગ્નમંડપ સુધી પહોંચી કુર્યાત સદા મંગલમ્ કરી શકે છે. પણ અમને રૉયલ્ટી ચૂકવવાની રહેશે. વરના!