Tue May 26 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો - પ્રકરણ-12

1 week ago
Author: Anil Rawal
Article Image

‘સર યે જલ્લાદ કી ઔલાદ હૈ... મૂંહ નહીં ખોલેગા...’ સુરિન્દરસિંઘ બક્ષી બોલ્યો.

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

‘સર, અજમલ અન્સારી મેરે ફ્લૅટ મેં હૈ...’ સાંભળીને આઇબી ચીફ એક પણ સેક્ધડ ગુમાવવા માગતા ન હોય એમ ઓકે કહીને ઊભા થયા. ફોન પર કોઈને સૂચના આપી. ઝડપથી તૈયાર થઈને નીચે ઊતર્યા. એમના બિલ્ડિંગની બહાર આવીને ઊભેલી કારની પાછલી સીટ પર બેઠા. કારમાં બે આઇબી ઑફિસરો અજય ચૌહાન અને સુરિન્દરસિંઘ બક્ષી હતા.

‘મિત્સુ આનંદ કે ઘર પર લે લો....’ અભયસિંહ રાઠૌડે કહ્યું. કાર પૂરપાટ દોડવા લાગી.

‘મિત્સુ આનંદ કે ઘર પે...?’ સુરિન્દરસિંઘ બક્ષીએ આશ્રર્યથી પૂછ્યું.

‘હાં, અજમલ અન્સારી વહાં છૂપા હૈ...’

‘ખબર પક્કી હૈ....?’ કાર ચલાવી રહેલા આઇબી ઑફિસર અજય ચૌહાને પૂછ્યું.

‘ખબર પક્કી હૈ.’ અભયસિંહ રાઠૌડે જવાબ આપ્યો. કારની સ્પીડ વધી. મિત્સુના ઘરથી થોડે દૂર કાર થોભાવીને ત્રણેય ઊતર્યા.

ધીમે ધીમે દાદરા ચડીને ઉપર ગયા. ફ્લૅટની ડાબી અને જમણી બાજુએ બંને ઑફિસરો રિવૉલ્વર તાકીને ઊભા રહી ગયા. દરવાજાની સામે ગન પકડીને ઊભેલા અભયસિંહ રાઠૌડે ડોરબેલ વગાડી.

જવાબ નહીં મળ્યો. દરવાજો ખુલ્યો નહીં.....એટલે રાઠૌડે દરવાજાને સહેજ હડસેલ્યો....દરવાજો ઝટથી ખુલ્યો. ત્રણેય જણ અંદર ધસી ગયા. એક જણે સ્વિચ ઑન કરી........બધું એની જગ્યાએ હતું માત્ર છૂપા કૅમેરાને ઉખેડીને ફેંકી દેવાયા હતા. પહેલીવાર અજમલ અન્સારીની નજરમાંથી બચી ગયેલા છૂપા કૅમેરા આ વખતે એની નજરે ચડ્યા હતા. અભયસિંહ રાઠૌડે ત્યાંથી રાધાને કૉલ કર્યો. 

‘ચક્મા દે ગયા.’ અભયસિંહ રાઠૌડ બોલ્યા.

‘દેખતે હે ખુદા કિતની બાર ઉનકા સાથ દેતા હૈ...’ રાધા મોબાઇલના કાળા સ્ક્રીન પર નજર ફેરવતાં બોલી. અભયસિંહ રાઠૌડ અને બીજા બેય ઑફિસરો દરવાજો ખેંચીને નીકળી ગયા. 

‘સર, અબ કહાં જાના હૈ?’ આઇબી ઑફિસર અજય ચૌહાને પૂછ્યું.

‘શાકીબ મિયાં કી ખાતિરદારી કરને.....’ અભયસિંહ રાઠૌડનો કડક અવાજ કારમાં ઘૂમરાયો. બંને આઇબી ઑફિસરોએ એકબીજાની સામે જોયું. ચૌહાને એક્સિલેટર પર પગનો પંજો દબાવ્યો. થોડીવારમાં કાર શાકીબ મિયાંને રખાયો હતો એ નિર્જન-અજ્ઞાત જગ્યાએ આવીને ઊભી રહી. કડક પહેરો ભરી રહેલી ખાસ સિક્યૉરિટીના એક જણે દરવાજો ખોલ્યો. અભયસિંહ રાઠૌડ શાકીબ મિયાંની સામે ખુરસી લઈને બેઠા. 

‘પટ્ટી ખોલો.....’ સિક્યૉરિટી ઑફિસરે શાકીબ મિંયાના મોં પરથી પટ્ટી કાઢી.

‘અજમલ અન્સારી કહાં મિલેગા....?’ અભયસિંહે પૂછ્યું. 

‘મૈંને.....કલ ભી.... બતાયા થા....મૈં....નહીં જાનતા.’ શાકીબના સોજી ગયેલા મોઢામાંથી ટુકડે ટુકડે શબ્દો નીકળ્યા. 

‘ચૌહાન..’ અભયસિંહના આદેશની સાથે ચૌહાને થર્ડ ડિગ્રી શરૂ કરી.

સાવ નિર્વસ્ત્ર કરીને બરફની લાદી પર સુવડાવ્યો....કડકડતી ઠંડીમાં ઠંડા પાણીએ નવડાવ્યો....સવાર સુધી નિર્વસ્ત્ર ઊભો રખાયો. વચ્ચે વચ્ચે અભયસિંહ રાઠૌડ પૂછતા રહ્યા: ‘અજમલ અન્સારી કહાં મિલેગા....?’

પરોઢ્યે સવાલ બદલાયો : ‘ગોપાલેશ્વર મંદિરમેં ક્યા કરને કા પ્લાન હૈ.....?’

‘સાયલેેન્ટ ધમાકા......’ શાકીબ બોલ્યો.

‘ઓર બતાઓ.....’ અભયસિંહે પૂછ્યું....

‘સાયલેન્ટ ધ.....મા....કા.....’ શાકીબનો અવાજ ધ્રૂજતો હતો. 

હવે ચૌહાન.....સુરિન્દર બક્ષી અને અન્ય સિક્યૉરિટી ઑફિસરોની ખાતિરદારીની રીત પણ બદલાઈ. ચૌહાને મોટી પક્કડથી પગના અંગૂઠાનો નખ ખેંચી કાઢ્યો.

‘ઓર બતાઓ.....’ અભયસિંહ બોલતા રહ્યા. પગની આંગળીઓના નખ ખેંચી કઢાતા ગયા. બંને પગના આંગળાઓના નખ ઉતેરડાઈ ગયા......રૂમમાં માત્ર બે જ સંવાદો પડઘાતા રહ્યા: ‘ઔર બતાઓ અને સાયલેન્ટ ધમાકા.......’  

‘સર યે જલ્લાદ કી ઔલાદ હૈ....મૂંહ નહીં ખોલેગા.....’ સુરિન્દર બક્ષી બોલ્યો. 

‘જબાન ખીંચ ડાલો ઇસકી....’ અભયસિંહે ત્રાડ પાડી.....ચૌહાન પક્કડ મોંમાં ઘૂસાડીને શાકીબની જીભ ખેંચવા લાગ્યો. 

‘જબાન ખોલ...ગોપાલેશ્વર મેં ક્યા પ્લાન હૈ.....?’ બક્ષીએ પૂછ્યું.

‘સાયલેન્ટ ધ...મા....કા.....’ જાણે શાકીબે આંખોથી જવાબ આવ્યો.....

‘મૂંહ બંધ કર દો ઇસકા...’ અભયસિંહ બરાડી ઉઠ્યા ને બક્ષીની રિવૉલ્વરમાંથી ગોળી છૂટી. શાકીબ ઢળી પડ્યો. 

‘આઇએસઆઇ કી ટ્રેનિંગ હૈ......યે મૂંહ ખોલનેવાલા નહીં થા ઔર હમ ઇસકો રોઝ  બિરિયાની ખિલા કે પાલ નહીં સકતે.....’ અભયસિંહ બોલ્યા.

‘સર, અબ ઇસકા ક્યા કરેં....?’ એક સિક્યૉરિટી ઑફિસરે શાકીબ મિયાંની લાશ બતાવતાં પૂછ્યું.

‘કિસી અન્જાન દરગાહ કે બહાર છોડ દો. યહાં ઇન કે ચાહનેવાલે બહુત હૈ...દફના દેંગેં....’

‘જનાબ, બાલ બાલ બચ ગયા.....મિત્સુ કે ઘર પર પકડા જાતા થા.....’અજમલ અન્સારીએ સમંદર ખાનને ફોન કરીને હકીકત જણાવી.

‘મતલબ ઉન લોગોંને તુઝે પહેચાન લિયા......?’ સમંદર ખાને કહ્યું.

‘જનાબ અબ મેરા દિલ્હી મેં રહેના મુશ્કિલ હૈ.....’

‘તૂ એક કામ કર...પુરાની દેલ્હી મેં પરાઠેવાલી ગલી મેં અકબર પરાઠેવાલા હૈ...વહાં બૈઠ.....થોડી દેર મેં એક બ્લૅક કલર કી એસયુવી આયેગી...તૂ પરાઠે કા પાર્સલ દેને જાના.....ઔર ચૂપચાપ કાર મેં બૈઠ જાના. વો લોગ તૂઝે મેહફૂઝ જગહ પર પહોંચા દેંગેં....’ 

આઇબી ચીફ અભયસિંહ રાઠૌડે અજમલ અન્સારીને પકડવાની પુરજોશમાં તૈયારી આરંભી દીધી. મિત્સુ આનંદના ઘરમાંથી મેળવેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજને આધારે અજમલ અન્સારીનો ફોટો દિલ્હી પોલીસ મારફતે સર્ક્યુલેટ કરાવી દીધો. પોલીસે નાકાબંધી શરૂ કરી દીધી. દિલ્હીમાં અને દિલ્હીની બહાર લઈ જતા તમામ રસ્તાઓ પર જડબેસલાખ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.

થોડીવારમાં એસયુવી અકબર પરોઠાવાળાની નાનકડી રેસ્ટોરન્ટ પર પહોંચી. બહારથી જ હૉર્ન વગાડ્યું. અજમલ અન્સારી પરોઠાનું પાર્સલ લઈને ગયો. કારનો કાચ નીચે સરક્યો. જેવો અજમલ કાર નજીક પહોંચ્યો કે તરત જ પાછળનો દરવાજો ખુલ્યો. અજમલ ઝડપથી અંદર ઘૂસ્યો ને કાર રવાના થઈ. એનો પીછો કરતી એક મારુતિ કાર એની પાછળ જવા લાગી.

દિલ્હીની બહાર હાઇવે પર જવાના રસ્તે પોલીસ ઊભી હતી. એક પછી એક પસાર થઈ રહેલાં વાહનોનું ચેકિંગ કરીને આગળ જવા દેવામાં આવતાં હતાં. એસયુવીનો નંબર આવ્યો. પોલીસની નજીક પહોંચતાં જ ચેકિંગ કરી રહેલા પોલીસ હવાલદારે પોલીસ ઑફિસરનું ધ્યાન દોર્યુ: ‘સા’બ યે તો પાકિસ્તાન હાઇ કમિશન કી કાર હૈ....’

‘તો ક્યા હુઆ....’ પોલીસ ઑફિસર બોલીને ખુદ ચેક કરવા ગયો. કારની બારી પર ટકોરા માર્યા. અડધો કાચ નીચે ઊતર્યો.

‘કાર સાઇડ મેં લો......’ પોલીસ ઑફિસરે કહ્યું.

‘જનાબ, કાર મેં સા’બ બૈઠે હૈ.....’ ડ્રાઇવરે કહ્યું.

‘ગડ્ડી સાઇડ મેં લો....’ ઑફિસરે કહ્યું.

‘આપ પાકિસ્તાન હાઇ કમિશનર કી તૌહિન કર રહે હો.....’ ડ્રાઇવરે કહ્યું.

‘હમ હમારી ડ્યૂટી કર રહે હૈ....’

‘બાત કો આગે મત બઢાઓ વરના....’

પોલીસ ઑફિસર વિફર્યો....એણે ડ્રાઇવરની બોચી પકડીને એનું ડોકું કાચની ધાર પર મૂકી દીધું. ત્યાં હાજર બીજા પોલીસ દોડી ગયા....મામલો ગંભીર બની ગયો.

‘કબ સે સમઝા રહા હું....સમઝતા નહીં....?’ પોલીસ ઑફિસરે કહ્યું.

પાછળ બેઠેલા પાકિસ્તાનના હાઇ કમિશનર અબરાર અહમદખાન બહાર આવ્યા.

‘મુઆફી ચાહતા હું જનાબ...’ પછી બહાર આવી ઊભેલા ડ્રાઇવરને જોઈને બોલ્યો: ‘અપની ફર્ઝ અદા કર રહે હૈ....હમેં દખલઅંદાઝી નહીં કરની ચાહિયે....આપ ચેકિંગ કર લો.’ એણે પાછળનો દરવાજો ખોલીને બતાવ્યું. પોલીસ ઑફિસરે અંદર ડોકું કર્યું. પાછળ ધસી જઈને ડીકી ખોલી.....કોઈ ન હતું. 

‘આઇ એમ સૉરી....આપલોગ જા સકતે હો.....’ પોલીસ ઑફિસરે કહ્યું.

‘આપ અપની ફર્ઝ અદા કર રહે હો ઔર હમ અપની જિમ્મેદારી નિભા રહે હૈ.’ અબરાર અહમદખાન બોલ્યો. ડ્રાઇવરના ચહેરા પર ઘમંડસભર સ્મિત હતું. 

‘ચલો ચલો કામ કરો....દેખ ક્યા રહે હો....’ પોલીસ ઑફિસરે ફરજ પરના બીજા પોલીસ કર્મચારીઓને કહ્યું. 

આ બધી ધમાલમાં પાછળ આવતાં બીજાં વાહનો ચેકિંગ વિના સરકીને નીકળી ગયાં. જેમાં એસયુવીનો પીછો કરી રહેલી મારુતિ કાર પણ હતી. અજમલ અન્સારી એમાં બેસીને આરામથી અકબરના આલુ પરોઠા ખાઈ રહ્યો હતો.      

 (ક્રમશ:)