અમદાવાદઃ લેઉવા પાટીદારોના સંગઠન ખોડલધામના અધ્યક્ષ અનાર પટેલે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, પાટીદારોના છોકરા દારૂડિયા-બેકાર છે તેથી દીકરીઓ સમાજ બહાર પરણે છે.
શું બોલ્યા અનાર પટેલ
પાટીદારોના ગઢ પાલનપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં બોલતા, અનાર પટેલે ઉપસ્થિત લોકોને સમાજમાં ભાગલા પાડવા માટે જવાબદાર તત્વોને ઓળખવા માટે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું- પટેલ બોલવામાં કડવા, મીઠું બોલતા શીખવુ પડશે. સમાજને તોડનારા લોકોને હવે ઓળખવા જ પડશે. સક્ષમતાના અભાવે દીકરીઓ બીજા સમાજમાં જાય છે. દારૂડિયા, રખડતા યુવકોને કારણે દીકરીઓ જાય છે, સમાજ બગાડતા દરેક તત્વોને બહાર કાઢવા પડશે. અત્યારે ઘેર ઘેર નેતા છે, ઘરે ઘરે બધાને મોટા થવું છે. ખોડલધામ ટ્રસ્ટના આગેવાનોની ઉપસ્થિતિમાં તેમણે આવું નિવેદન કર્યું હતું.
પાટીદારોમાં ઘરે ઘરે નેતાઃ અનાર પટેલ
આ ઉપરાંત તેમણે કહ્યું, ઘરે ઘરે નેતા છે, એટલે પાટીદારોમાં સંગઠન અઘરું બન્યું છે. દીકરાઓને પણ સુધરવાની જરૂર, તેઓ અક્ષમ છે ત્યારે દીકરી બીજા સમાજમાં જાયને છે.
અનાર પટેલે કહ્યું, આપણા ઘરમાં કોઈ પુરુષ દારૂ પીને આવે તો તેને બહાર કાઢી મૂકો. આપણે તેને પંપાળીશું તો સમાજ બગડશે. આપણે નહીં પંપાળીએ તો અટકશે. હું દીકરીઓને કહીશ કે સમાજ આપણેને જ કેમ સલાહ આપે છે. જ્યારે દીકરાઓ સક્ષમ ન હોય ત્યારે દીકરી બીજા સમાજમાં જાય છે. આપણો છોકરો દારૂ પીતો મળે, રખડતો હોય, કામ ન કરતો હોય ત્યારે જ દીકરી અન્ય સમાજના છોકરા સાથે જાય, આપણે આટલું કેમ નથી સમજતા, દરેક વખતે દીકરીને જ કેમ સલાહ અપાય છે.
કોણ છે અનાર પટેલ
અનાર પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના પુત્રી છે. જાન્યુઆરી 2026માં તેઓ લેઉવા પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામના ટ્રસ્ટી બન્યાં હતા. નરેશ પટેલે તેમના નામની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. અનાર પટેલની ઓળખ સામાજિક ઉદ્યોગસાહસિક તરીકે થાય છે. તેઓ રિયલ એસ્ટેટ બિઝનેસમાં સક્રિય છે, પરંતુ તેઓ લાંબા સમયથી મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે. અનાર પટેલ છેલ્લા 30થી વધુ વર્ષથી સેવા કાર્ય સાથે જોડાયેલા છે. તેઓ શિક્ષણ, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે.
2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરાની માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડવાની ચર્ચા હતી, પરંતુ તેમણે ચૂંટણી લડી નહોતી. 2027ની ચૂંટણીના એક વર્ષ પહેલા ખોડલધામમાં તેની એન્ટ્રી સૂચક માનવામાં આવે છે. અનાર પટેલ ગ્રામશ્રી નામની એનજીઓના મેનેજિંગ ટ્રસ્ટી પણ છે. આ રીતે તેઓ ક્રાફ્ટ રૂટ્સ નામનું અભિયાન ચલાવે છે. જેના દ્વારા તેઓ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેલા હસ્તકલા અને અન્ય કલાકારોને મદદ કરે છે. અનાર પટેલ તેમની સંસ્થા દ્વારા આ કલાકારોને NID અને NIFT જેવી સંસ્થાઓ સાથે જોડે છે, જેથી તેઓ આગળ વધી શકે. અત્યાર સુધીમાં તેમણે 17000 કલાકારોને ક્રાફ્ટ રૂટ દ્વારા જોડ્યા છે. અનાર પટેલ ગુજરાતની પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે.