Fri Apr 17 2026

Logo

વિશ્વ ટીબી દિવસ: માત્ર ફેફસાં જ નહીં, હાડકાંમાં પણ થઈ શકે છે ટીબી, જાણો તેના ગંભીર લક્ષણો

3 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

દર વર્ષે 24 માર્ચના રોજ વિશ્વભરમાં 'વિશ્વ ટીબી દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ આ જીવલેણ રોગ વિશે લોકોને જાગૃત કરવાનો અને તેને જડમૂળથી નાબૂદ કરવાનો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડેટા મુજબ, ટીબી હજુ પણ વિશ્વના સૌથી ઘાતક ચેપી રોગોમાંનો એક છે. વર્ષ 2024માં આ રોગે 12.3 લાખથી વધુ લોકોનો ભોગ લીધો હતો. ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું હતું, જો કે હજી સુધી સફળતા મેળવી શક્યું નથી. 

સામાન્ય રીતે લોકો ટીબીને માત્ર ફેફસાંની બીમારી માને છે, પરંતુ વાસ્તવમાં આ બેક્ટેરિયા શરીરના અન્ય અંગો જેવા કે કિડની, કરોડરજ્જુ અને હાડકાંને પણ નિશાન બનાવી શકે છે. જ્યારે ટીબીના બેક્ટેરિયા લોહીના પ્રવાહ દ્વારા હાડકાં કે સાંધા સુધી પહોંચે છે ત્યારે તેને 'બોન ટીબી' અથવા 'સ્કેલેટન ટીબી' કહેવામાં આવે છે. કુલ ટીબીના કિસ્સાઓમાંથી અંદાજે 15 થી 25 ટકા કેસ 'એક્સ્ટ્રાપલ્મોનરી' એટલે કે ફેફસાં બહારના અંગોના હોય છે, જેમાં હાડકાંનો ટીબી અત્યંત ગંભીર માનવામાં આવે છે.

પીઠનું હાડકું અને સાંધા પર સૌથી વધુ જોખમ

હાડકાંના ટીબીમાં સૌથી વધુ અસર કરોડરજ્જુ (Spine) પર જોવા મળે છે, જેને તબીબી ભાષામાં 'પોટ્સ ડિસીઝ' તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય થાપા અને ઘૂંટણના સાંધામાં પણ તેનું સંક્રમણ ઝડપથી ફેલાય છે. જો તમને લાંબા સમયથી હાડકાં કે સાંધામાં દુખાવો રહેતો હોય અને સામાન્ય સારવારથી તે મટતો ન હોય, તો તે ટીબીના સંકેત હોઈ શકે છે. જો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો હાડકાંમાં કાયમી વિકૃતિ આવી શકે છે અને વ્યક્તિને હરવા-ફરવામાં પણ તકલીફ પડી શકે છે.

લક્ષણોની ઓળખ અને નિદાનની પ્રક્રિયા

હાડકાંના ટીબીના લક્ષણો ખૂબ જ ધીમેથી દેખાય છે, તેથી તેની ઓળખ કરવી મુશ્કેલ બને છે. અસરગ્રસ્ત ભાગમાં સતત સોજો, જકડાઈ જવું, રાત્રે પરસેવો થવો, હળવો તાવ અને વજન ઘટવું એ તેના મુખ્ય લક્ષણો છે. કરોડરજ્જુમાં ટીબી હોય તો પીઠનો અસહ્ય દુખાવો અને પગમાં નબળાઈ અનુભવાય છે. બ્લડ ટેસ્ટ, એક્સ-રે અને બાયોપ્સી દ્વારા તેનું નિદાન શક્ય છે. એકવાર રોગની પુષ્ટિ થયા પછી, 6 થી 12 મહિના સુધી નિયમિત દવાઓ લેવાથી આ બીમારી સંપૂર્ણપણે મટી શકે છે.

સાવચેતી જ શ્રેષ્ઠ ઉપાય

જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, કુપોષણનો શિકાર હોય અથવા લાંબા સમયથી સ્ટેરોઇડ્સ લેતા હોય, તેમનામાં બોન ટીબીનું જોખમ વધુ રહે છે. સમયસર નિદાન અને અધવચ્ચેથી દવાઓ ન છોડવી એ આ રોગ સામે જીતવા માટે અનિવાર્ય છે. આજના દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે ટીબીના લક્ષણોને નજરઅંદાજ ન કરીએ અને સમાજને આ રોગથી મુક્ત કરવામાં સહભાગી બનીએ.

ડિસ્ક્લેમર: આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ લક્ષણો જણાય તો તુરંત જ તબીબી નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.