આજની ભાગદોડભરી જિંદગી અને જવાબદારીઓના બોજ હેઠળ માનસિક તણાવ (Stress) અનુભવવાય એ ખૂબ જ સામાન્ય છે. ઘણા લોકો મનની વાત મનમાં રાખીને મૂંઝવણ અનુભવે છે, તો બીજી તરફ અમુક લોકો એવા હોય છે જે જરૂરિયાત કરતાં વધુ વાતો બીજા સાથે શેર કરી દે છે. આ આદતને 'ઓવરશેરિંગ' તરીકે ઓળખવામાં આવે છે. જોકે મન હળવું કરવા માટે વાતો શેર કરવી સારી છે, પણ ક્યારેક આ આદત મુસીબતનું કારણ બની શકે છે.
શું છે ઓવરશેરિંગ અને તેની આદત કેમ પડે છે?
જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અત્યંત અંગત, ભાવનાત્મક કે ખાનગી માહિતી એવા લોકો સાથે શેર કરે છે જેમની સાથે તેટલી નિકટતા નથી, ત્યારે તેને ઓવરશેરિંગ કહેવાય છે. ઓવર શેરિંગના કારણો વિશે વાત કરીએ તો ઘણી વખત લોકોને ઈમોશનલ સપોર્ટ જોઈતો હોય, અટેન્શન મેળવવાની લાલસા, પર્સનલ બાઉન્ડ્રીઝની સમજનો અભાવ અને સોશિયલ મીડિયાનો પ્રભાવ આ આદત માટે જવાબદાર છે.
ઓવરશેરિંગના ગેરફાયદા
પ્રાઈવસીનું જોખમ: તમારી પર્સનલ વાતો કે ઈન્ફોર્મેશન અન્ય પાસે હોવાને કારણે તમારી પ્રાઈવસી જોખમમાં મૂકાય છે.
ગેરફાયદો ઉઠાવવો: સામેવાળી વ્યક્તિ તમારી નબળાઈ કે પર્સનલ ઈન્ફોર્મેશનનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.
ઈમેજ પર પડે છે અસર: પ્રોફેશનલ લાઈફમાં વધુ પડતી પર્સનલ માહિતી કે વાતો શેર કરવાથી તમારી સીરિયસનેસ અને ઈમેજ પર તેની નેગેટિવ ઈમ્પેક્ટ જોવા મળે છે.
બોલો પછી, પહેલાં વિચારો
બોલતાં પહેલાં વિચાર કરવાની સલાહ આપણા વડવાઓએ આપણને અનેક વખત આપી છે, પરંતુ આપણે એને હળવાશમાં લઈએ છીએ. પરંતુ હકીકત એ છે કે બોલતા પહેલાં વિચારવામાં આવે તો ઘણી મુશ્કેલીથી બચી શકાય છે. કોઈપણ વાત કહેતા પહેલાં એક ક્ષણ ઉભા રહો અને વિચાર કરો કે શું આ માહિતી સામેવાળી વ્યક્તિને જણાવવી ખરેખર જરૂરી છે? જો તે વાત જણાવવાથી કોઈ મોટો ફેરફાર ન થવાનો હોય, તો તેને પોતાના સુધી રાખવી જ હિતાવહ છે.
બાઉન્ડ્રી સેટ કરોઃ
દરેક વ્યક્તિએ પોતાની બાઉન્ડ્રી સેટ કરવી ખૂબ જ જરૂરી છે. તમારે કોની સાથે કેટલી વાત કરવી છે એની એક લિમિટ નક્કી કરવી જોઈએ. દરેક વ્યક્તિને તમારી પર્સનલ લાઈફ વિશે જાણવાનો હક નથી. માત્ર અત્યંત વિશ્વાસુ અને નજીકના લોકો સાથે જ મનની વાત શેર કરો.
ઓછું બોલો, વધારે સાંભળો
તમે નોંધ્યું હશે તો તમને ખ્યાલ હશે કે જેમની પર્સનાલિટી એકદમ દમદાર હશે એવા લોકો કે પછી મજબૂત મનોબળ ધરાવતા લોકોની સૌથી મોટી ઓળખ હોય છે તેમની ઓછા બોલવાની આદત. ઓછું બોલવાના અનેક ફાયદા છે. જ્યારે તમે ઓછું બોલો છો, ત્યારે તમે વધુ સાંભળી અને સમજી શકો છો. આ આદત તમને બિનજરૂરી વાતો શેર કરતા અટકાવશે.
ઈમોશનલ સ્ટ્રેન્થ વધારો
આપણામાંથી અનેક લોકો ઘણી વખત લોકો એકલતાને દૂર કરવા માટે કે પછી સહાનુભૂતિ મેળવવા માટે ઓવરશેરિંગ કરે છે. આવી સ્થિતિમાં પોતાની લાગણીઓ પર કાબૂ મેળવવો ખૂબ જ જરૂરી છે, પોતાની જાતને મેન્ટલી સ્ટ્રોન્ગ બનાવવું પડશે. આ માટે તમે ડાયરી લખવાની આદત પાડી શકો છો, જેથી તમારા મનની વાતો કાગળ પર ઉતરી શકે અને તમારે કોઈની જરૂર ન પડે.
સોશિયલ મીડિયા પર કન્ટ્રોલઃ
આજકાલ લોકોનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર પસાર થાય છે અને ઘણાલા લોકોને એવી ટેવ હોય છે કે ડે ટુ ડે લાઈફની નાની મોટી અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરવી કે પોસ્ટ કરવી. પરંતુ આવું ના કરવું જોઈએ. ડિજિટલ પ્લેટફોર્મ પર ઓવરશેરિંગ સૌથી વધુ જોખમી સાબિત થઈ શકે છે.