Sun Apr 19 2026

Logo

તે વાત એમ કે...

3 hours ago
Author: Sobhit Desai
Article Image

આજે આટલું જ - શોભિત દેસાઈ


આશા ભોસલે, ઓ. પી. નૈયર, એસ. એચ. બિહારી 

રમેશ પારેખશ્રીએ એક ગઝલની શરૂઆત આમ કરી હતી.

તે વાત એમ કે પગને જવું ‘તું કાશીએ
પણ એને ચાલવા દીધા નહીં કપાસીએ

આજની વાત પણ મારે આવા હળવા મિજાજથી કરવી છે, કારણ કે હમણાં જેમની અંજલિનો રાફડો ફાટ્યો છે એવાં આશા ભોસલેની જિંદગીની કરુણાંતિકાની આ વાત છે. આપણા નભપંખીને રિવર્સ ગિયરમાં નાખી 55 વર્ષ પાછા લઈ જઈએ.

ગીત રેકોર્ડ તો થયેલું 1968-69માં આશા ભોસલેના અવાજમાં અને ઓ.પી. નૈયરના સંગીતમાં. ત્યારે એ આશા નૈયર હતાં. લગભગ 1973માં, આશા-નૈયરના સંબંધ વિચ્છેદ થઈ ગયા. નક્કી થયું કે આ ગીતને 1974ની ફિલ્મ પ્રાણ જાયે પર વચન ના જાયેમાં ઉપયોગમાં લેવું. આશાજીએ આ ગીતનાં ફિલ્માંકન (ચવાઈને ચુથ્થો શબ્દ પણ નથી સુઝતું કંઈ આ ક્ષણે) પર પ્રતિબંધ મૂક્યો. 1975માં આ ગીતને શ્રેષ્ઠ ગાયિકાનો ફિલ્મફેર અવૉર્ડ. આશાજીએ તરત જ ફિલ્મફેરને જણાવી દીધું કે આ અવૉર્ડ સ્વીકારવો એમના માટે શક્ય નથી. ઓ.પી. નૈયરે અવૉર્ડ જ્યૂરીને જણાવ્યું કે એ આશા તરફથી અવૉર્ડ સ્વીકારશે અને સ્વીકાર્યો. પણ પાછા ફરતી વખતે એમણે એમની મોટર (એ વર્ષોમાં એ એ નામે ઓળખાતી, થોડાક યવન પ્રકારના અથવા નવા જન્મેલા અંગ્રેજો કાર બોલતા થઈ ગયેલા... યાદ કરો આપણું અજરામર ગીત-મારા પપ્પાની મોટરગાડી) હાજી અલી નજીક થોભાવી અને અવૉર્ડની ટ્રોફી દરિયામાં નાખી દીધી.

આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં આ પહેલી અને કદાચ છેલ્લી વખત બન્યું કે ફિલ્મનું જે ગીત ફિલ્મમાં ન હોય અને એને ફિલ્મફેર અવૉર્ડ મળે. આવા અદ્ભુત ગીતનું ભવિષ્ય આવા દુર્ભાગ્યમાં પરિણમ્યું. દૂરદર્શન પર આશા ભોેસલેએ આ ગીત રજૂ કર્યું છે એનો વીડિયો છે જ. મેળવી લેજો અને જોજો કે આશા ભોેસલેનો કંઠ માત્ર અવાજ નથી પણ ઠહરાવવાળી જગજીતસિંહ માફક દરેક અક્ષરને છૂટો પાડી ભાવકના કાનને અદ્ભુત મિજબાની ધરતી નદીની વહેતી લહેર છે. મહાનતમની લગોલગ રહી શકે એવા પાક્કા સૂર, વધારે સમજણપૂર્વકની અભિવ્યક્તિ અને કંઠની સ્ત્રીજન્ય મીઠાશને ઘૂંટી ઘૂંટીને જરૂરિયાત પ્રમાણે ઘેરા-વધુ ઘેરા બનાવવાનું કૌશલ્ય આશા ભોેસલેને. મારી અત્યંત સીમિત સંગીતની સમજણ પ્રમાણે બધાને બધાયને બાજુ પર મૂકી સર્વશ્રેષ્ઠ બનાવે છે. ‘દમ મારો દમ’  ગાય ત્યારે બેગમ અખ્તરને અનુસરે અને અંતરો ગાય દુનિયાને હમકો દિયા ક્યા ઇત્યાદિ ત્યારે લતા મંગેશકર લાગે. એક ખાસ વાત... આવું બીજું કોઈ હોય તો જણાવજોને યાર.

चैन से हमको कभी आप ने जीने ना दिया
जहर भी चाहा अगर पीना तो पीने ना दिया
चांद के रथ में रात की दुल्हन जब जब आयेगी
याद हमारी आप के दिल को तडपा जायेगी
आप ने जो भी दिया है हमको, वो तो किसी ने ना दिया

आपका गम जो इस दिल में है दिनरात अगर होगा
सोच के ये दम घुटता है फिर कैसे गुजर होगा
काश न आती अपनी जुदाई, मौत ही आ जाती
कोई बहाने चैन हमारी रुह तो पा जाती
एक पल हँसना कभी दिल की लगी ने ना दिया
                                                ગીતકાર એસ એચ બિહારી

કોઈ લાગણીવેડા નહીં. ‘સંગીતના માથેથી છાપરાં ઊડી ગયાં’  કે ‘ગાયકીનું વિશ્ર્વ ગરીબ થઈ ગયું’ કે ‘હવે સંગીતના રસિયા શું કરશે?’ ઇત્યાદિ સાલા, નર્યા, ખજ્ઞબિશમ લાગણીવેડા... 

જે ક્ષણે જન્મ્યા એ જ ક્ષણથી અંતની શરૂઆત થઈ જાય છે. તો પરમપ્રિય અને પરમઆદરણીય આશા ભોસલેને શોભિત દેસાઈના એક શેરથી ગ્રેસફૂલ વિદાય આપીએ...

સૂર્ય ઊગી ગયો છે, પણ સાથે-
અસ્ત થાવાની ઘાત ઉગી છે 

આશા ભોસલેના માથેથી 92 વર્ષની વયે આ ઘાત ગઈ. એ નિરાંતે અસ્ત પામ્યા છે. આવતી કાલે નવું ઊગવા  માટે. 

આજે આટલું જ...