Fri Apr 17 2026

Logo

શું તમારી સાથે પણ એવું થાય છે કે ઉનાળામાં દૂધ બગડી જાય છે? આ ટિપ્સ ફોલો કરશો તો દૂધ ક્યારેય નહીં બગડે...

2 weeks ago
Author: Darshana Visaria
Article Image

શું તમારી સાથે પણ એવું થાય છે કે ઉનાળાની ઋતુમાં ગમે એટલી સાવધાની કે તકેદારી રાખ્યા બાદ પણ બજારમાં લાવેલું દૂધ બગડી જાય છે? આ પરિસ્થિતિમાં ઉનાળાની ઋુતુમાં ગૃહિણીઓ માટે રસોડામાં દૂધને સાચવવું એક મોટો પડકાર બની જાય છે. વધતા તાપમાનને કારણે બેક્ટેરિયા ઝડપથી વધે છે, જેના લીધે સવારે લાવેલું તાજું દૂધ બપોર સુધીમાં જ ફાટી જતું હોય છે. જો તમને પણ આ સમસ્યા સતાવતી હોય તો આ સ્ટોરી તમારે ચોક્કસ સુધી વાંચી જવી પડશે કારણ કે અહીં દૂધને કઈ રીતે બગડતું અટકાવી શકાય છે એની ટિપ્સ આપવામાં આવી છે. 

યોગ્ય રીતે ઉકાળવું: 
ઉનાળામાં ઘણી વખત એવું થાય છે કે દૂધ બગડી જાય છે. આવી સ્થિતિમાં દૂધને બજારમાંથી લાવ્યા બાદ તરત જ સારી રીતે ઉકાળવું જોઈએ. કાચું દૂધ ગરમીમાં ખૂબ જ ઝડપથી બગડી જાય છે.

ઝડપથી ઠંડું કરવું: 
ઉનાળામાં વાતાવરણ ખૂબ જ ગરમ હોય છે. આવી સ્થિતિમાં દૂધને બરાબર ગરમ કર્યા બાદ તેને લાંબો સમય સુધી બહાર રાખવાને બદલે તરત જ ઠંડું પડે એટલે ફ્રિજમાં મૂકી દેવું જોઈએ, જેથી તે ખરાબ ન થઈ જાય. 

સ્વચ્છતાનું ધ્યાન: 
દૂધને બગડતું બચાવવું હોય તો જ્યારે પણ દૂધને કોઈ પણ વાસણમાં કાઢો ત્યારે એક વાતની ચોકસાઈ રાખો કે વાસણ એકદમ સાફ સૂથરું હોય. આ સિવાય દૂધ કે મલાઈ કાઢવા માટે વપરાતી ચમચી કે અન્ય વાસણ પણ એકદમ સ્વચ્છ હોવા જરૂરી છે, કારણ કે થોડી પણ ગંદકી દૂધને બગાડી શકે છે.

હંમેશા ઢાંકીને રાખવું: 
ઉનાળામાં જ નહીં પણ દૂધને તો આમ પણ ઢાંકીને જ રાખવું જોઈએ, જેથી તેમાં કચરો કે કોઈ બીજી વસ્તુ ના પડે. પરંતુ ઉનાળામાં તો દૂધને ગરમ કર્યા બાદ હંમેશા વ્યવસ્થિત રીતે ઢાંકીને રાખવું જેથી તેમાં ધૂળ કે અન્ય ગંદકી ન જાય.

સાકર પણ કરશે તમારી મદદ
જી હા, સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે, પણ આ હકીકત છે. એક સિમ્પલ હોમ રેમેડિઝ અનુસાર દૂધ ઉકાળતી વખતે તેમાં એક નાની ચમચી સાકર ઉમેરવાથી દૂધ લાંબા સમય સુધી તાજું રહે છે અને બગડતું નથી. આ ઉપરાંત સાકર નાખવા છતાં પણ તેના સ્વાદમાં પણ ફેરફાર થતો નથી.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારી બહેનપણીઓ અને અન્ય મહિલા મંડળ સાથે ચોક્કસ જ શેર કરો, જેથી તેઓ પણ આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...