નવી દિલ્હી: અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વૈશ્વિક ટેરિફ પર રોક લગાવ્યા બાદ ભારતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા તેમને 'કોમ્પ્રોમાઇઝ્ડ' ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા જણાવ્યું કે, ભારત-યુએસ ટ્રેડ ડીલમાં વડાપ્રધાનનો "વિશ્વાસઘાત" હવે ખુલ્લો પડી ગયો છે. તેમણે આક્ષેપ કર્યો કે વડાપ્રધાન દબાણમાં છે અને તેઓ ફરી એકવાર આત્મસમર્પણ કરશે, કારણ કે તેઓ હવે ફરીથી વાટાઘાટો કરવાની સ્થિતિમાં નથી.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ ટ્રેડ ડીલને દેશ માટે એક પીડા ગણાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે જો વડાપ્રધાને પોતાની છબી બચાવવાની ઉતાવળ કરવાને બદલે માત્ર 18 દિવસ રાહ જોઈ હોત, તો ભારતીય ખેડૂતો અને દેશની સાર્વભૌમત્વનું રક્ષણ થઈ શક્યું હોત. તેમણે ટ્રમ્પના નિવેદનોને ટાંકીને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, શું વડાપ્રધાને લોકસભાની કોઈ ઘટનાથી ધ્યાન ભટકાવવા માટે ઉતાવળમાં આ ડીલ કરી હતી? તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે સ્વીકાર્યું છે કે તેમણે ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપીને 10 મે 2025ના રોજ 'ઓપરેશન સિંદૂર' અટકાવ્યું હતું.
ખેડૂતો અને આર્થિક સુરક્ષા પર જોખમ
બીજી તરફ, રણદીપ સૂરજેવાલાએ પણ સરકારને ઘેરી લેતા પ્રશ્ન કર્યો હતો કે શું મોદી સરકાર હવે આ એકપક્ષીય કરારમાંથી બહાર નીકળવાની હિંમત બતાવશે? તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે આ ડીલ હેઠળ ભારતે આગામી 5 વર્ષમાં 500 અબજ ડોલરના અમેરિકન સામાનની આયાત કરવાની જે પ્રતિબદ્ધતા દર્શાવી છે, તેનાથી ભારતીય ઉદ્યોગો અને ખેડૂતોને મોટું નુકસાન થશે. સૂરજેવાલાએ રશિયા અને ઈરાન પાસેથી સસ્તું ક્રૂડ તેલ ખરીદવા અને કૃષિ સબસિડી જાળવી રાખીને દેશની 'ખાદ્ય સુરક્ષા' અને 'ડેટા સુરક્ષા' સુરક્ષિત કરવાની માંગ કરી છે.
અમેરિકી સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને ટ્રમ્પનું વલણ
ઉલ્લેખનીય છે કે અમેરિકી સુપ્રીમ કોર્ટે ચુકાદામાં ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય જાહેર કર્યા છે. જોકે, આ ચુકાદા છતાં પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથેના વેપાર કરારમાં કોઈ ફેરફાર થશે નહીં. ટ્રમ્પે પીએમ મોદીને પોતાના મિત્ર ગણાવતા કહ્યું કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ઓછું કરી અમેરિકા પાસેથી ઉર્જા ઉત્પાદનો ખરીદશે. ટ્રમ્પના મતે આ એક 'ફેર ડીલ' છે, જ્યારે વિપક્ષ તેને ભારત માટે આર્થિક ગુલામી સમાન ગણાવી રહ્યો છે.