રાહુલની અણનમ સેન્ચુરી પાણીમાં, શ્રેયસની ટીમ હજીયે અપરાજિત, આખી મૅચમાં કુલ 529 રનનો વરસાદ
નવી દિલ્હીઃ પાટનગરમાં અરુણ જેટલી સ્ટેડિયમના મેદાન પર શનિવારે એક એવું બન્યું જેમાં દિલ્હી કૅપિટલ્સ (20 ઓવરમાં 2/264) સામે શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં પંજાબ કિંગ્સ (18.5 ઓવરમાં 4/265)ની ટીમે રોમાંચક વિજય તો મેળવ્યો, પણ આ જીત સાથે પંજાબની ટીમ રેકૉર્ડ-બુકમાં આવી ગઈ. આ વખતની આઇપીએલમાં અપરાજિત રહેનાર એકમાત્ર પંજાબ (Punjab)ની ટીમે જે 265 રન કર્યા એ સમગ્ર ટી-20 ફૉર્મેટના ઇતિહાસમાં તમામ સફળ ચેઝમાં સૌથી ઊંચો સ્કોર છે.
શનિવારના દિવસે દિલ્હીમાં ટી-20ના હાઇએસ્ટ એવર સક્સેસફુલ ચેઝવાળી મૅચમાં રનની વર્ષા થઈ હતી. દિલ્હી-પંજાબ મૅચમાં કુલ 529 રન બન્યા હતા. કુલ મળીને 33 સિક્સર ફટકારવામાં આવી હતી અને કુલ ચોગ્ગાની સંખ્યા હતી 49. દિલ્હીના ઓપનિંગ બૅટ્સમૅન કે. એલ. રાહુલ (152 અણનમ, 67 બૉલ, નવ સિક્સર, સોળ ફોર)ની દોઢસો-પ્લસની ઇનિંગ્સ મૅચ-વિનિંગ સાબિત થશે એવી ધારણા હતી, પરંતુ પંજાબે ખાસ કરીને પ્રભસિમરનના 76 રન, શ્રેયસના અણનમ 71 રન અને પ્રિયાંશ આર્યના 43 રન તેમ જ નેહલ વઢેરાના પચીસ રનની મદદથી 18.5 ઓવરમાં ફક્ત ચાર વિકેટના ભોગે 265 રન કરી લીધા હતા.
પંજાબના 4/265 રન સફળતાથી લક્ષ્યાંક ચેઝ કરવામાં આવ્યા હોય એવા સ્કોર્સમાં નવો વર્લ્ડ રેકૉર્ડ છે. પંજાબે પોતાનો જ વિક્રમ તોડ્યો છે. 2024માં કોલકાતા સામે પંજાબે 262 રનનો ટાર્ગેટ સફળતાથી ચેઝ કરીને એ વખતે રેકૉર્ડ સરજ્યો હતો અને પંજાબે પોતાના જ વિક્રમને પાર કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
સાઉથ આફ્રિકાના 438 રનના ચેઝની યાદ અપાવી
જેમ માર્ચ 2006માં જોહનિસબર્ગની આંતરરાષ્ટ્રીય વન-ડેમાં ઑસ્ટ્રેલિયાએ ચાર વિકેટે 434 રન કર્યા ત્યારે મોટા ભાગના ક્રિકેટપ્રેમીઓએ વિચાર્યું હશે કે સાઉથ આફ્રિકા આ મૅચ હારી જશે. જોકે ગે્રમ સ્મિથના સુકાનમાં આફ્રિકાએ હર્શેલ ગિબ્સના 175 રન અને માર્ક બાઉચરના અણનમ 50 રન તેમ જ બીજી નાની-મોટી ઇનિંગ્સની મદદથી 49.5 ઓવરમાં 9/438ના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો અને વન-ડે ક્રિકેટમાં સફળતાથી લક્ષ્યાંક ચેઝ કરવામાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.
IPL
પ્રભસિમરને ઓવરના છ બૉલમાં ફટકાર્યા છ ચોગ્ગા
પાટનગરમાં દિલ્હી (Delhi)એ 265 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યા પછી પંજાબે ધમાકેદાર શરૂઆત કરી અને 265 રનના લક્ષ્યાંકને સાધારણ બનાવવામાં સાથી ઓપનર પ્રિયાંશ આર્ય (43 રન, 17 બૉલ, પાંચ સિક્સર, બે ફોર)ને મોટું યોગદાન આપનાર વિકેટકીપર પ્રભસિમરન સિંહે એક તબક્કે ઓવરના તમામ છ બૉલમાં છ ફોર ફટકારી હતી. છઠ્ઠી ઓવર પેસ બોલર મુકેશ કુમારને અપાઈ હતી અને પ્રભસિમરને તેની ઓવરના દરેક બૉલમાં ચોગ્ગો ફટકાર્યો હતો. તેની ઓવરમાં 24 રન બન્યા હતા. પ્રભસિમરન 47 રનના સ્કોર પરથી 71 રન પર પહોંચી ગયો હતો. જોકે પ્રભસિમરન (76 રન, 26 બૉલ, પાંચ સિક્સર, નવ ફોર) આઠમી ઓવરમાં આઉટ થયો હતો. કુલદીપ યાદવે એલબીડબ્લ્યૂમાં તેની વિકેટ લીધી હતી.
શ્રેયસને મળેલા જીવતદાન દિલ્હીને ભારે પડ્યા
પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયર (71 અણનમ, 36 બૉલ, સાત સિક્સર, ત્રણ ફોર)ને કુલ બે જીવતદાન મળ્યા હતા જેમાંથી એક જીવતદાન તેને મૅચની અંતિમ પળોમાં દિલ્હીના કરુણ નાયરના હાથે મળ્યું હતું જે દિલ્હીને છેવટે ભારે પડ્યું.
કુલદીપની એક ઓવરમાં 23 રન બન્યા
દિલ્હીના સ્પિનર કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી, પરંતુ તેની પહેલી ત્રણ ઓવરમાં માત્ર 23 રન બન્યા બાદ તેની ચોથી ઓવરમાં 23 રન બનતાં પંજાબે મૅચ પરની પકડ મજબૂત બનાવી લીધી હતી.

બપોરે દિલ્હીએ પંજાબનો વિક્રમ તોડેલો
આ વખતની એકમાત્ર અપરાજિત ટીમ પંજાબ કિંગ્સ સામે દિલ્હી કૅપિટલ્સે અને એના ઓપનિંગ બૅટ્સમૅન કે. એલ. રાહુલે (152 અણનમ) એક પછી એક વિક્રમ રચીને શ્રેયસ ઐયરની ટીમ માટે જીતવું મુશ્કેલ બનાવી દીધું હતું. જોકે પંજાબ છેલ્લે જીતીને રહ્યું. દિલ્હીએ પંજાબ સામે એનો જ આ વખતનો હાઇએસ્ટ ટીમ-ટોટલનો વિક્રમ (લખનઊ સામે 7/254) તોડી નાખ્યો હતો. રાહુલ આ વખતનો હાઇએસ્ટ સ્કોરર બન્યો અને રાહુલ-રાણા વચ્ચેની 220 રનની ભાગીદારીએ નવો વિક્રમ સ્થાપ્યો હતો. તેમણે પંજાબના તમામ છ બોલરની બોલિંગની ધુલાઈ કરીને આ 220 રન ફક્ત 96 બૉલમાં કર્યા હતા. રાહુલ આઇપીએલના ઇતિહાસનો ક્રિસ ગેઇલનો હાઇએસ્ટ (અણનમ) 175 રનનો વિક્રમ ચૂકી ગયો હતો. જોકે તેના અણનમ 152 રન હાઇએસ્ટ સ્કોર્સમાં ગેઇલ (અણનમ 175) અને બે્રન્ડન મૅક્લમ (અણનમ 156) પછી ત્રીજા નંબરે છે. આઇપીએલના ઇતિહાસમાં હાઇએસ્ટ ટીમ-ટોટલ હૈદરાબાદ (બેંગ્લૂરુ સામે 3/287)ના નામે છે.
રાહુલ-રાણાની 220ની ભાગીદારી
રાહુલ અને નવ રન માટે સદી ચૂકી જનાર નીતીશ રાણા (91 રન, 44 બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર)ની રાઇટી-લેફ્ટી કૉમ્બિનેશન વચ્ચે બીજી વિકેટ માટે 220 રનની જે પાર્ટનરશિપ થઈ એ આઇપીએલમાં દિલ્હીની સૌથી મોટી ભાગીદારી છે. તેમણે નમન ઓઝા અને ડેવિડ વૉર્નર વચ્ચેની 189 રનની પાર્ટનરશિપનો વિક્રમ તોડી નાખ્યો છે. જોકે તેમની એ પાર્ટનરશિપ મૅચ-વિનિંગ ન નીવડી. પંજાબના માત્ર અર્શદીપ સિંહ અને ઝેવિયર બાર્ટલેટને એક-એક વિકેટ મળી હતી. છમાંથી પાંચ બોલરની બોલિંગમાં 40થી વધુ રન બન્યા હતા અને બાર્ટલેટ (4-0-69-1) સૌથી ખર્ચાળ સાબિત થયો હતો.
દિલ્હીના 264માંથી રાહુલના 152 રન
દિલ્હીના 264 રનમાંથી 152 રન (57 ટકા જેટલા રન) રાહુલના હતા. તે ફક્ત ચાર રન માટે બે્રન્ડન મૅક્લમની અણનમ 156 રનની સિદ્ધિની બરાબરી કરવાનું ચૂકી ગયો હતો. રાહુલે 226.86ના તોતિંગ સ્ટ્રાઇક-રેટથી રન કર્યા હતા. તેણે ખાસ કરીને ઇનિંગ્સના પાછલા અડધા ભાગમાં મેદાન પર ચારેકોર બૉલને બાઉન્ડરી લાઇનની બહાર મોકલ્યો હતો. ઓપનર પથુમ નિસાન્કા 11 રન કરીને 28 રનના ટીમ-ટોટલ પર આઉટ થયો ત્યાર પછી રાહુલ-રાણાની જોડીએ ટીમનો સ્કોર 248 રન સુધી પહોંચાડ્યો અને છેક ત્યારે (19મી ઓવરમાં) રાણાએ વિકેટ ગુમાવી હતી. તેને ઝેવિયર બાર્ટલેટે મિડ-ઑફ પર કૅપ્ટન શ્રેયસના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. છેલ્લે રાહુલ સાથે ડેવિડ મિલર ત્રણ રને અણનમ રહ્યો હતો.