Sun Apr 26 2026

Logo

ઍન્ગિડીની હાલત `સ્થિર': માથાની ઈજા ગંભીર નથી

1 hour ago
Author: Ajay Motiwala
Article Image

PTI


દિલ્હી કૅપિટલ્સ બોલિંગ નબળી પડતાં હાર્યુંઃ ઍન્ગિડીને માથામાં ઈજા થતાં મેદાન પર ઍમ્બ્યૂલન્સ બોલાવવામાં આવી અને તાબડતોબ હૉસ્પિટલમાં લઈ જવાયો

નવી દિલ્હીઃ અહીં અરુણ જેટલી સ્ટેડિયમના મેદાન પર શનિવારે પંજાબ કિંગ્સ સામેની મૅચમાં દિલ્હી કૅપિટલ્સ (DC)ના સાઉથ આફ્રિકન પેસ બોલર લુન્ગી ઍન્ગિડી (NGIDI)ને કૅચ ઝીલતી વખતે માથામાં ગંભીર ઈજા થતાં મેદાન પર ઍમ્બ્યૂલન્સ બોલાવીને તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યાર બાદ રાત્રે અહેવાલ મળ્યા હતા કે ઍન્ગિડીની હાલત સ્થિર છે અને તેને વહેલાસર હૉસ્પિટલમાંથી રજા આપી દેવાની તૈયારીઓ થઈ હતી. તેનો સીટી સ્કૅનનો રિપોર્ટ નૉર્મલ આવ્યો હતો અને ન્યૂરોસર્જનની દેખરેખમાં તેની સારવાર ચાલી રહી હતી. દિલ્હીના બોલિંગ-પાવરમાંથી ઍન્ગિડીની બાદબાકી થતાં પંજાબ માટે વિજય થોડો આસાન થઈ ગયો હતો. પંજાબે 265 રનના વિક્રમજનક સ્કોર સાથે ટી-20માં સફળ રન-ચેઝનો નવો વર્લ્ડ રેકૉર્ડ નોંધાવ્યો હતો.

265 રનના લક્ષ્યાંકનો સામનો કરનાર પંજાબની ટીમના ઓપનર પ્રિયાંશ આર્યએ દિલ્હીના સુકાની અક્ષર પટેલના બૉલમાં શૉટ માર્યો ત્યારે ઍન્ગિડીએ કૅચ ઝીલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બૉલની દિશા બરાબર સમજી ન શકનાર ઍન્ગિડી કૅચ નહોતો ઝીલી શક્યો, પરંતુ ઊંધે માથે નીચે પટકાયો હતો અને માથાના પાછળના ભાગમાં તેને સિરિયસ ઇજા થઈ હતી. તરત જ ફિઝિયોથેરપિસ્ટ તેમ જ મેડિકલ ટીમના મેમ્બર્સ મેદાન પર દોડી આવ્યા હતા અને ઍન્ગિડીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓ તેને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. તેને દિલ્હીની બીએલકે-મૅક્સ સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. તેણે માથાના તથા ગરદનના દુખાવાની ફરિયાદ કરી હતી.

PTI

ઍન્ગિડીને ઈજા થઈ ત્યારે ત્રીજી ઓવરમાં પંજાબનો સ્કોર 0/43 હતો. ધમાકેદાર ઓપનિંગ કરનાર ઇન્ફૉર્મ બૅટ્સમૅન પ્રિયાંશ આર્ય 19 રને અને પ્રભસિમરન સિંહ 21 રને રમી રહ્યો હતો.

ઍન્ગિડીને આ વખતે હજી એક પણ ઓવર નહોતી અપાઈ. પંજાબનો દાવ શરૂ થતાં દિલ્હીએ બે પેસ બોલર આકિબ નબી અને મુકેશ કુમાર સાથે શરૂઆત કરી હતી. આ વખતે છ મૅચમાં કુલ સાત વિકેટ લીધી છે. દિલ્હીના ફ્રૅન્ચાઇઝીએ તેને બે કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

એ પહેલાં, દિલ્હીએ કે. એલ. રાહુલે (152 અણનમ, 67 બૉલ, નવ સિક્સર, સોળ ફોર) તથા નીતીશ રાણા (91 રન, 44 બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર) વચ્ચેની 220 રનની વિક્રમજનક ભાગીદારીની મદદથી 20 ઓવરમાં 264 રન કરીને પંજાબને 265 રનનો મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબે પહેલી ત્રણ ઓવરમાં 63 રન કર્યા હતા.