Fri May 15 2026

Logo

તીર્થયાત્રાઃ તીર્થસ્નાન છોડતી વખતે દેવ પાસે રજા લેવા જવું...

4 days ago
Author: Bhandev
Article Image

ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

15મી ઑગસ્ટથી 15 ઑક્ટોબર સુધી વરસાદ ઓછો હોય છે, ગિરદી ઓછી હોય છે અને  પ્રાકૃતિક સૌન્દર્ય ભરપૂર ખીલ્યું હોય છે, તેથી હિમાલયયાત્રાનો ઉત્તમ સમય આ બે મહિના છે.

(2) જેઓ શરીર-મનથી સ્વસ્થ અને બળવાન હોય, એકાંત જેમને પ્રિય હોય તેમને માટે એકલા યાત્રા કરવાનું બરાબર છે, પણ બધા માટે એકલા યાત્રા માટે જવાનું ઠીક નથી. એકથી બે ભલા એ વાત યાત્રા માટે વિશેષ સાચી છે. વળી હિમાલયની પ્રથમ યાત્રા હિમાલયના કોઈ અનુભવીની સાથે કરી હોય તો ઘણી અનુકૂળતા રહે છે. સૌથી ઉત્તમ સંખ્યા બે છે. ત્રણ કે ચાર સુધી બરાબર છે, પણ તેથી વધુ સંખ્યામાં મતૈક્ય જાળવવું મુશ્કેલ છે.

(3) સાથીદારની પસંદગી વખતે સાવધાન રહેવું આવશ્યક છે. યાત્રા દરમિયાન પરસ્પરનાં સદ્ભાવ અને મતૈક્ત સતત જાળવી રાખવાં બહુ મુશ્કેલ છે. થાક, ભૂખ, ઠંડી, ભય, મૂંઝવણની પરિસ્થિતિ અવારનવાર ઊભી થાય છે અને તે વખતે પણ સમતા જાળવી શકે, મતૈક્ય રાખી શકે અને અન્યોન્ય સહાયભૂત થઈ શકે તેવા સાથીની પસંદગી કરવી જોઈએ. અન્યથા યાત્રા અધવચ્ચે જ અટકી પડવાનું જોખમ રહે છે.

(4) યાત્રાએ જતાં પહેલાં જે વિસ્તારમાં જવું હોય તે વિસ્તારની પૂરતી જાણકારી મેળવી લેવી જોઈએ. ઉપલબ્ધ પુસ્તકો મેળવીને અભ્યાસ કરવો. તે વિષયની જાણકાર વ્યક્તિઓને મળી તેમની પાસેથી વિગતો જાણવી. અભ્યાસને આધારે એક વ્યવસ્થિત નોંધ બનાવી સાથે રાખવી. યાત્રામાર્ગ કઈ રીતનો રહેશે તેનું આયોજન પણ કરવું જોઈએ. નકશા, સરનામાં, યાત્રા અંગેની નોંધ, નાની પુસ્તિકાઓ કે એકાદ સારું પુસ્તક સાથે રાખવાં. ટુરિસ્ટ બ્યૂરોમાંથી પણ કેટલુંક સાહિત્ય, નકશા, માહિતી મળતાં હોય છે તે પહેલાં અને ચાલુ યાત્રાએ વચ્ચે આવતાં સ્થળોએ મેળવી શકાય છે.

(5) ત્રણ જોડી મજબૂત કપડાં, ગરમ સ્વેટર કે જૅકેટ, કાનટોપી, ટ્રાઉઝર્સ, આખી બાંયના બનિયાન, સ્લિપિંગ બૅગ, ગરમ શાલ, રેક્ઝિન કે પોલિથિનનો 2 મીટરનો ટુકડો, ટોર્ચ, ચપ્પુ, સોયદોરા, મીણબત્તી, લાઈટર, હન્ટર્સ, શૂઝ, હાથ-પગનાં ગરમ મોજાં, નોટબુક, પેન, વેસેલિન, રેનકોટ, આઈસ-ગોગલ્સ, તાળું, કપડાં સૂકવવાની દોરી, નાની ડિશ, લોટો, મગ-આટલી વસ્તુઓ સાથે લેવી જોઈએ. કૅમેરા, બાઈનોક્યુલર વગેરે વસ્તુઓ વ્યક્તિની ઈચ્છા અને રસ પ્રમાણે લઈ શકાય કે ન લઈ શકાય.

(6) જેઓ નિત્ય પૂજા કરતાં હોય તેમણે પૂજાની પેટી અવશ્ય સાથે રાખવી. યાત્રામાં પૂજા કેમ થશે એમ માની પૂજા ટાળવી નહીં. અમને મુક્તિનાથ, સતોપથ અને તપોવનમાં પણ પૂજા કરવામાં કોઈ મુશ્કેલી પડી નથી.

(7) હન્ટર્સ શૂઝ થોડા અગાઉથી ચાલવાનો અભ્યાસ કરવો, અન્યથા યાત્રા દરમિયાન બૂટ ડંખે છે. બૂટ ખરીદતી વખતે ગરમ મોજાં પહેરીને માપ લેવું, અન્યથા બૂટ ટૂંકા પડશે.

(8) ભોજનની વ્યવસ્થા મોટા ભાગે બધે થઈ જાય છે, પણ જેઓ નિર્જન વિસ્તારમાં જવા ઈચ્છતા હોય તેમણે ભોજનની વ્યવસ્થા સાથે રાખવી જોઈએ. આ ઉપરાંત મીઠાઈ, સાથવો, દૂધના પાઉડરનો ડબ્બો સાથે રાખવાં હિતાવહ છે.

(9) પોતાની પ્રકૃતિને સમજીને એ મુજબ તથા સામાન્ય બીમારી માટે થોડી દવાઓ સાથે રાખવી. ઈલેક્ટ્રોલના પેકેટ સાથે રાખવા.

(10) યાત્રા દરમિયાન મોટી રોકડ સાથે રાખવા કરતાં ટ્રાવેલર્સ ચેક સાથે રાખવા અનુકૂળ છે.
(11) યાત્રા દરમિયાન રોજનીશી રાખવી જોઈએ.

(12) યાત્રાના સાથી, રસ્તામાંથી મળતાં અન્ય યાત્રીઓ, પહાડના લોકો, મજૂરો, પૂજારીઓ, તીર્થ-પુરોહિતો, ચટ્ટી, ધર્મશાળા કે આશ્રમના સંચાલકો વગેરે સૌની સાથે વ્યવહાર સૌજન્યપૂર્ણ રાખવો. યાત્રા દરમિયાન કોઈની સાથે વિરોધ કે ઝઘડો ન થાય તેની ખાસ કાળજી રાખવી.

‘सर्वेषामविरोधेन होमकर्म समारभेत्|’

(13) સાધારણ સ્વસ્થ શરીરના યાત્રીને સ્નાન કરવામાં કોઈ તકલીફ થતી નથી, તેથી શરદી કે તાવની બીક રાખી નદીમાં  સ્નાન માંડી વાળવું નહીં. સ્નાન પણ યાત્રાનો એક ભાગ છે.

(14) પવિત્ર નદીમાં સ્નાન કરવાનો વિધિ છે. તે વિધિ મુજબ સ્નાન કરવું જોઈએ. ધુબાકા મારીને સ્નાન કરાય નહીં. સ્નાનવિધિનો ક્રમ આ પ્રમાણે છે: 1. પ્રાર્થના, 2. આચમન, 3. પ્રોક્ષણ, 4. અર્ઘ્ય, 5. તર્પણવિધિ, મંત્રસહિત થવી જોઈએ.

(15) નદીકિનારે પીપળાનું ઝાડ હોય તો પિતૃઓએ યાદ કરી પીપળે પાણી રેડવું.

(16) મંદિરમાં ભાવપૂર્વક નિરાંતે દર્શન કરવા. ગર્ભગૃહમાં એકથી વધુ શ્રી વિગ્રહ હોય તો બરાબર ઓળખીને વંદન કરવાં. જરૂર પડ્યે પૂજારી કે તીર્થ-પુરોહિતની મદદ લેવી.

(17) જે મંદિરમાં જે પદાર્થની ભેટ ચઢતી હોય તે જાણીને તેની ભેટ ધરવી. સાકર, બિલ્વપત્ર, તુલસી, ફૂલ, માળા, ધૂપ-આમાંથી જે - તે દેવને અનુરૂપ વસ્તુઓ લઈને મંદિરમાં જવું. શિવજીને બિલ્વપત્ર ગંગાજળ કે જળ અને ફૂલ અર્પણ કરવાં. વિષ્ણુ કે વિષ્ણુના અવતારોને તુલસી-ફલ અર્પણ કરવાં. ભગવતીને સાકર, ચૂંદડી, કંકુ અર્પણ કરવા. ધૂપ બધા દેવને અર્પણ થાય છે. યથાશક્તિ રોકડ રકમ પણ મૂકવી.

(18) શક્ય હોય ત્યાં શ્રીવિગ્રહની સામે બેસીને, અન્યથા મંદિરના પ્રાંગણમાં અનુકૂળ સ્થાને બેસીને જે-તે દેવને અનુરૂપ સ્તોત્રપાઠ કરવો જોઈએ. શિવમંદિરમાં શતરુદ્રી કે અષ્ટાધ્યાયી રુદ્રી, વિષ્ણુ કે વિષ્ણુના અવતારોના મંદિરમાં વિષ્ણુસહસ્રનામનો પાઠ, દેવીના મંદિરમાં શ્રીસુક્ત, લઘુસ્તવન કે અન્ય દેવીસ્તોત્ર, હનુમાનજીના મંદિરમાં હનુમાનચાલીસાનો પાઠ કરવો જોઈએ. 

(19) મંદિરમાં એક જ વાર દર્શન કરીએ તેટલું પૂરતું નથી. તીર્થમાં જેટલા દિવસ રોકાઈએ તેટલા દિવસ વારંવાર દર્શન કરવા માટે જવું. એકાદ દિવસ તો બધા સમયની આરતીમાં હાજર રહેવું જોઈએ. તીર્થસ્નાન છોડતી વખતે દેવ પાસે રજા લેવા જવું જોઈએ.  
(ક્રમશ:)