અમદાવાદ: સમગ્ર દેશમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર બની છે. જ્યાર આજે મહેસાણાના એક 29 વર્ષીય બ્રેઈનડેડ યુવાનના પરિવારે અંગદાનનો ઉમદા નિર્ણય લઈને ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવનની ભેટ આપી છે. જેના પગલે છ વર્ષમાં કુલ 1032 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે.
194 ચક્ષુ અને 44 ત્વચાનું પણ દાન
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ વર્ષોમાં કુલ 240 અંગદાતાઓ દ્વારા 794 અંગોનું દાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત 194 ચક્ષુ અને 44 ત્વચા (સ્કીન) સહિત કુલ 238 પેશીઓનું દાન મળ્યું છે આમ, કુલ 1032 અંગો અને પેશીઓનું દાન મેળવીને સિવિલ હોસ્પિટલ દ્વારા અનેક પરિવારોમાં ખુશીઓ પાછી લાવવામાં નિમિત્ત બની છે.
કડી પાસે માર્ગ અકસ્માત નડ્યો હતો
આ અંગે મળતી વિગતો મુજબ મહેસાણા જિલ્લાના વતની અને વ્યવસાયે ડ્રાઈવર 29 વર્ષીય ધર્મેન્દ્ર દરબારને ગત 4 મે 2026 ના રોજ કડી પાસે માર્ગ અકસ્માત નડ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મેડિસિન વિભાગના ડૉ. જીતુ પરીખ અને તેમની ટીમ દ્વારા સઘન પ્રયત્નો કરવા છતાં 14 મેના રોજ તેમને 'બ્રેઈન ડેડ' જાહેર કરવામાં આવ્યા હતા.
ત્રણ ગંભીર દર્દીઓને નવું જીવન આપશે
આ દુઃખની આ ઘડીમાં જાગૃત નાગરિક પી.એસ. પટેલ અને પરિવારના સભ્યો મહેન્દ્રભાઈ ઝાલા તથા લાલસિંહ ઝાલાની સમજાવટથી, ધર્મેન્દ્રભાઈની પત્ની અને ભાઈ-બહેને અંગદાન માટે સંમતિ આપી હતી. આ નિર્ણયને પગલે એક લીવર અને બે કિડનીનું દાન પ્રાપ્ત થયું છે, જે ત્રણ ગંભીર દર્દીઓને નવું જીવન આપશે.
જરૂરિયાતમંદ પરિવારોમાં જીવન જીવવાની નવી આશાનો સંચાર
ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી પ્રાપ્ત થયેલા અંગોમાં 443 કિડની, 214 લીવર, 76 હૃદય, 34 ફેફસાં, 19 સ્વાદુપિંડ, 06 હાથ તેમજ 02 નાના આંતરડાના દાનનો સમાવેશ થાય છે. આ અંગદાનના માધ્યમથી અનેક જરૂરિયાતમંદ પરિવારોમાં જીવન જીવવાની નવી આશાનો સંચાર થયો છે.