Fri May 15 2026

Logo

રાજકોટમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો પ્રારંભ: 7,375 કર્મચારીઓ જોડાશે, બેદરકારી બદલ સજા થશે

52 minutes ago
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી 1 થી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.  આ કામગીરીના પ્રથમ તબક્કામાં ઘર ગણતરી કરવામાં આવશે, જેમાં કુલ 7,375 કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે. તંત્ર દ્વારા આ કામગીરીને ગંભીરતાથી લેતા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, વસ્તી ગણતરીમાં ઓર્ડર મળવા છતાં ગેરહાજર રહેનાર અથવા ખોટા બહાના હેઠળ મુક્તિ માંગનાર કર્મચારીઓ સામે સેન્સસ એક્ટ 1948 અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં કલમ 11 મુજબ ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને દંડની જોગવાઈ રાખવામાં આવી છે.

મહાનગરપાલિકાના ચૂંટણી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા માટે અત્યાર સુધીમાં 4,200 કર્મચારીઓના ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. શહેરના તમામ 18 વોર્ડમાં 18 ચાર્જ અધિકારીઓની નિમણૂક સાથે 1 જૂનથી સમાંતર કામગીરી શરૂ કરવામાં આવશે. આ માટે સુપરવાઇઝર અને ફિલ્ડ ટ્રેનર્સની તાલીમ આજથી એટલે કે 15 મેથી શરૂ કરી દેવામાં આવી છે. જો કોઈ કર્મચારી ચાર્જ ઓફિસરને યોગ્ય પ્રતિસાદ નહીં આપે અથવા ફરજમાં બેદરકારી દાખવશે, તો તેમની સામે કલમ 222 અને 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી રાખવામાં આવી છે.

સમગ્ર જિલ્લાના આયોજન અંગે વાત કરીએ તો, તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં મળી કુલ 3,157 કર્મચારીઓ આ જનગણનામાં જોડાશે. જેમાં મામલતદાર અને ચીફ ઓફિસરો ચાર્જ અધિકારી તરીકે ફરજ બજાવશે અને તેમની નીચે સુપરવાઇઝર તથા એન્યુમરેટર્સની ટીમ કાર્યરત રહેશે. વિશેષ સુવિધા તરીકે આગામી 17 મેથી 'સેલ્ફ એન્યુમરેશન' પોર્ટલ શરૂ થશે, જેના માધ્યમથી નાગરિકો ઘરે બેઠા પણ વસ્તી ગણતરીમાં પોતાની વિગતો ઓનલાઇન નોંધી શકશે તેમ તંત્રએ જણાવ્યું હતું.