Fri May 15 2026

Logo

ઘોઘામાં વાહન ડિટેઈન કરવા મુદ્દે પોલીસ પર હુમલો કરનાર પૈકી 6 આરોપીઓ જેલહવાલે!

1 hour ago
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર
: ​જિલ્લાના ઘોઘા તાલુકાના ગુંદી-કેરિયા વિસ્તારમાં વાહન ચેકિંગની કામગીરી કરી રહેલી પોલીસ ટીમ પર સ્થાનિકોના ટોળાએ હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. એક મામલે પોલીસે  અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય શખ્સોને પકડવા તપાસ તેજ કરી છે.

ગત 11 મેના રોજ ઘોઘા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. એમ.એન. ચાવડા અને તેમનો સ્ટાફ ગુંદી-કેરિયા ગામે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ગામના ચાર યુવાનોના મોટરસાયકલમાં ખામી જણાતા પોલીસે એમ.વી. એક્ટની કલમ 207 હેઠળ વાહનો ડિટેઈન કર્યા હતા. પોતાના વાહનો પકડાતા ઉશ્કેરાયેલા વાહનચાલકો અને સ્થાનિકોનું ટોળું લાકડીઓ અને અન્ય સાધનો સાથે ત્યાં ધસી આવ્યું હતું.

મહિલાઓ સહિતના આ ટોળાએ પોલીસને સવાલ કર્યો હતો કે, "અમારા વિસ્તારના લોકોના જ વાહનો કેમ પકડો છો?" તેમ કહી ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. ટોળાએ પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી કરી, ગુનાહિત બળપ્રયોગ દ્વારા તેમને ફરજ બજાવતા અટકાવ્યા હતા. આટલું જ નહીં, હુમલાખોરોએ પોલીસ સ્ટાફને જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.

આ બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવતા પોલીસે 10 નામજોગ શખ્સો અને અન્ય અજાણ્યા સ્ત્રી-પુરુષોના ટોળા વિરુદ્ધ કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.આ બનાવમાં પોલીસે હિંમત ભવાનભાઈ વાઘેલા, હરેશ વિઠ્ઠલભાઈ પરમાર,વિપુલ રઘુભાઈ પરમાર, સંજય મનુભાઈ વાઘેલા, શૈલેષ મકાભાઈ ચારોલીયા, રમેશ ભુપતભાઈ ચારોલીયાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.