રાજેશ યાજ્ઞિક
શાસ્ત્રોની સૂત્રાત્મક ગાથાઓમાં શિવસૂત્રમાં એક સૂત્ર છે. ઉદ્યમો ભૈરવ: અર્થાત્ ઉદ્યમ એ ભૈરવ છે.
આપણે કાળ ભૈરવ શબ્દ સાંભળ્યો છે. આપણા માટે ભૈરવ ઈશ્વરનું એક વિકરાળ સ્વરૂપ છે.ભગવાન શિવનું ઉગ્ર અને શક્તિશાળી રૂપ, જે ભયાનક છે, જે વિનાશક છે. આપણામાં ભય પેદા કરે તેવું સ્વરૂપ. સાથે, એ ભયથી રક્ષા કરનાર પણ છે, પરંતુ ભૈરવ શબ્દનો આટલો સીમિત અર્થ નથી. એ અર્થ સમજીએ તે પહેલા આપણે ભૈરવને સમજીએ.
શિવ મહાપુરાણમાં, ભૈરવને ભગવાન શંકરના પૂર્ણ સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવ્યા છે.
‘ભૈરવ પૂર્ણરુપોહિ શંકરસ્ય પરાત્મન:, મૂઢાસ્તેવૈ ન જાનન્તિ મોહિતા: શિવમાયયા’. અર્થાત્, ભૈરવ એ ભગવાન શિવનું પૂર્ણ સ્વરૂપ છે. ભૈરવ અને શંકર વચ્ચે કોઈ ફરક નથી. અજ્ઞાની લોકો શિવની માયાને કારણે આ અંતિમ સત્યને ઓળખી શકતા નથી અને તેમને ફક્ત એક ભયાનક સ્વરૂપ માને છે. આ શ્ર્લોક સૂચવે છે કે કાળભૈરવની પૂજા કરવી એ ખરેખર ભગવાન શિવની પૂજા છે, જે માયાથી ઉપર ઉઠીને જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ છે.
શૈવ દર્શનની જેમ, જૈન દર્શનમાં પણ ભૈરવ પૂજાય છે. શૈવ દર્શનમાં કાળભૈરવ પૂજાય છે તો જૈન દર્શન નાકોડા ભૈરવને પૂજે છે. નાકોડા ભૈરવને ભગવાન પાર્શ્વનાથના રક્ષક તરીકે પૂજવામાં આવે છે, પરંતુ તેમને ભક્તોને સંપત્તિ અને સુખ આપનારા દેવતા તરીકે પણ પૂજનીય માનવામાં આવે છે. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં તેમનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.
‘શિવ પુરાણ’ અનુસાર, કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ બપોરના સમયે ભગવાન શિવના રક્તમાંથી ભૈરવનો જન્મ થયો હતો, તેથી આ તિથિને ભૈરવ અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, અંધકાસુર નામના રાક્ષસે પોતાના કાર્યોથી અન્યાય અને ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. એક વખત, ગર્વમાં ઉન્મત્ત બનેલા અંધકાસુરે ભગવાન શિવ પર હુમલો કરવાની ધૃષ્ટતા પણ કરી. તેનો નાશ કરવા માટે, ભૈરવનો જન્મ શિવના રક્તમાંથી થયો હતો.
એવું પણ કહેવાય છે કે બ્રહ્માજીના પાંચ મુખ હતા અને બ્રહ્માજી પણ પાંચમો વેદ રચવા જઈ રહ્યા હતા. બધા દેવતાઓના આગ્રહ પર, મહાકાળ ભગવાન શિવે બ્રહ્માજી સાથે ચર્ચા કરી પરંતુ જ્યારે તેઓ સમજી શક્યા નહીં, ત્યારે મહાકાળનું ઉગ્ર સ્વરૂપ ભૈરવ પ્રગટ થયા અને તેમણે પોતાના નખના પ્રહારથી બ્રહ્માજીનું પાંચમું મુખ કાપી નાખ્યું. આ કારણે, ભૈરવ પર બ્રહ્માના વધનું પાપ પણ લાગ્યું.
કાળક્રમે, ભૈરવ ઉપાસનાની બે શાખાઓ ઊભરી આવી: બટુક ભૈરવ અને કાળ ભૈરવ. બટુક ભૈરવ તેમના સૌમ્ય સ્વભાવ માટે પ્રખ્યાત છે, જે તેમના ભક્તોને રક્ષણ આપે છે, તો, કાળ ભૈરવ ગુનાહિત વૃત્તિઓને નિયંત્રિત કરતા ક્રૂર દંડકર્તા તરીકે પૂજનીય બન્યા.
ભૈરવની પત્ની દેવી પાર્વતીનો અવતાર છે જેનું નામ ભૈરવી છે. જ્યારે ભગવાન શિવે ભૈરવને પોતાના અંશમાંથી પ્રગટ કર્યા, ત્યારે તેમણે માતા પાર્વતીને પણ એક શક્તિ બનાવવા કહ્યું જે ભૈરવની પત્ની હશે. ત્યારબાદ માતા પાર્વતીએ પોતાના અંશમાંથી દેવી ભૈરવીને પ્રગટ કર્યા, જે શિવના અવતાર ભૈરવની પત્ની છે. ભગવાન કાશી વિશ્વનાથ અને મહાકાલેશ્વર બંને સાથે ભગવાન ભૈરવના મંદિર પણ જોડાયેલા છે. કેમકે ભૈરવની ઉત્પત્તિ મહાદેવના અંશમાંથી થઇ છે, તેથી ભૈરવને શિવના ગણ અને પાર્વતીના અનુચર માનવામાં આવે છે.
જે રીતે સૃષ્ટિનો સર્વપ્રથમ સ્વર ઓમકાર છે, તે રીતે શિવ સંગીત અને નૃત્યના દેવતા પણ ગણાય છે. નોંધનીય છે કે શિવ-પાર્વતીના સ્વરૂપ ભૈરવ અને ભૈરવી, તે બંનેના નામ પર શાસ્ત્રીય રાગ છે. બૌદ્ધ અને તિબેટી પરંપરામાં પણ ભૈરવની પૂજા વિવિધ સ્વરૂપે થાય છે. આ રીતે ભૈરવ એ વિવિધ સ્વરૂપે સર્વમાન્ય દેવ છે.
ભૈરવની ઉપાસના પણ વિશિષ્ટ રૂપે કરવામાં આવે છે. યોગમાં જેને સમાધિ પદ કહેવામાં આવે છે, ભૈરવ તંત્રમાં ભૈરવ પદ અથવા ભૈરવી પદ કહેવાય છે. ભગવાન શિવે દેવી પાર્વતી સમક્ષ ભૈરવ તંત્રની 112 પદ્ધતિઓનો ઉલ્લેખ કર્યો છે જેના દ્વારા આ સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે.
પુરાણોમાં ભૈરવના વિવિધ રૂપોનું વર્ણન છે. તેમની સાધના પદ્ધતિ તાંત્રિક હોવાથી ગૂઢ છે અને ભારે સમર્પણ માગી લે તેવી છે. આપણે તેમના સ્વરૂપો અને ગુણોની ચર્ચા આગળ ઉપર કરીશું. પછી વાત કરીશું એ સૂત્ર વિશે જ્યાંથી આપણે વાતની શરૂઆત કરી હતી.