સારંગપ્રીત
ગત અંકમાં કાર્યમાં અભિરતિના લાભ જણાવીને હવે ભગવાન કૃષ્ણ સિદ્ધિ પાછળની અંતર-પ્રેરણાને સમજાવી રહ્યા છે.
અમારા ગામના એક શાંત સ્વભાવના શિક્ષક હતા મનહરભાઈ ! ક્યારેય જાહેર સભામાં બોલવાની હિંમત ન કરી શકતા. ગામની શાળામાં બાળકોને ભણાવવું, એજ એમનું વિશ્વ. એક વર્ષ શાળાએ નક્કી કર્યું કે આગામી કાર્યક્રમમાં સંચાલન તેઓ જ કરશે. આ કાર્યક્રમમાં જિલ્લાના શિક્ષણખાતાના વરિષ્ઠ અધિકારીઓ આવવાના હતા. મનહરભાઈએ તરત કહ્યું, હું નથી કરી શકતો. પણ કામ તેમનાં પર જ આવ્યું.
એ સાંજે વ્યાકુળ મનહરભાઈ ઘરે આવ્યા. દિલની અંદર એક અજાણી કંપારી અને જાણે કોઈ ભાર- આ કામ હું કેવી રીતે કરું? એ પ્રશ્ન વાદળની જેમ મનમાં ઘેરાતો. અંતે શાંત પ્રાર્થના કરી: ભગવાન, હું તો અસમર્થ છું જો આ કામ મારે કરવાનું હોય, તો હિંમત આપજો. બીજા જ દિવસે મનમાં થોડી શાંતિ આવી. શબ્દો ગોઠવાતા ગયા, અંદરથી જાણે કોઈ સૂક્ષ્મ વિશ્વાસ મળતો ગયો.
કાર્યક્રમના દિવસે મંચ પર ઊભા થયા ત્યારે પહેલી બે ક્ષણે કંપારી હતી, પણ પ્રથમ વાક્ય બોલ્યા પછી જાણે હૃદયને સંભળાતું ગયું, તમે એકલા નથી. સંચાલન સરસ રીતે પૂરું થયું. કાર્યક્રમ બાદ જિલ્લા અધિકારીએ કહ્યું, તમારું સંચાલન અત્યંત સશક્ત અને પ્રભાવશાળી હતું. મનહરભાઈ આશ્ર્ચર્યમાં પડ્યા, સશક્ત? હું?
ઘરે જતાં મનહરભાઈને એક વાત સમજાઈ, ‘હું તો ખરેખર અસમર્થ હતો; કામ તો મારી અંદર રહેલા અંતર્યામીની પ્રેરણાથી જ થયું.’
હા, ગીતા કહે છે કે આપણી કાર્યસિદ્ધિના સૌથી મોટા પ્રેરક અંતર્યામી ભગવાન છે. આ વાત માનવ જીવનના અનુભવોમાં ઘણી વખત સાબિત થાય છે. મનુષ્ય પ્રયાસ કરે છે, સંકલ્પ કરે છે, દોડધામ કરે છે, પણ આ બધાના આડે ક્યાંક કોઈ આંતરિક આલોક, કોઈ નિ:શબ્દ દોરી છે, જે આપણને યોગ્ય દિશામાં ખેંચી જાય છે.
મનમાં ઉત્પન્ન થતી એક નિર્મળ પ્રેરણા, યોગ્ય સમયે મળતો સંકેત, અથવા અનુકૂળ પરિસ્થિતિનું અચાનક સર્જન, આ બધું માત્ર સંજોગો નથી; એ અંતર્યામી ભગવાનનો નિર્દોષ હસ્તક્ષેપ છે. જીવન નાં અનેક સંધિસ્થળે આપણે અનુભવ્યું હોય છે કે મારી પાસે એટલું કૌશલ્ય નહોતું, છતાં કામ બની ગયું; મારી પાસે એ હિંમત નહોતી, છતાં શબ્દો નીકળી ગયા; મારે પાસે માર્ગ ન હતો, છતાં પગલું પડે ત્યાં પથ પથરાતો મળ્યો. આ અજાણી કૃપા, આ આંતરિક માર્ગદર્શન, એના મૂળમાં જ તો એ અદૃશ્ય શિલ્પકાર છે.
ભગવાન અંતર્યામી છે એટલે એ આપણા અંતરમાં વસે છે. એ આપણા દરેક વિચારના સાક્ષી છે, દરેક ઇરાદાના મૌન અનુવાદક છે. જ્યારે માણસનું હૃદય નિષ્કલંક સંકલ્પથી નભે છે, ત્યારે એ આંતરિક શક્તિ કામને પૂર્ણતા બક્ષે છે. જ્યારે માણસ સમજે કે આ મારું નથી; આ મારું કરેલું નથી; આ તો મારી અંદર રહેલી દૈવી શક્તિનું અમૃત-સંચરણ છે. આ સમજ માણસને અહંકારથી બચાવે છે અને ઉત્તમ કાર્ય કરતાં વધુ ઉત્તમ વિચાર આપે છે.
મનુષ્યનો પ્રયાસ અને ભગવાનની પ્રેરણા, બંને મળીને જે સૃષ્ટિ રચાય છે તેને જ કાર્યસિદ્ધિ કહે છે. માત્ર પ્રેરણા કામ નથી કરતી અને માત્ર પ્રયત્ન પૂરતો નથી પડતો. પ્રયત્ન વગર પ્રેરણા અર્ધી છે; પ્રેરણા વગર પ્રયત્ન અંધ છે. બંનેની સમતોલ સાધના જ જીવનને ઉજ્જવળ બનાવે છે.
દરેક નાની મોટી સિદ્ધિના પાછળ એક મૌન આશીર્વાદ છે, અને એ આશીર્વાદ અંતર્યામીના છે. માણસે હાથ ચલાવવો જોઈએ, પણ હૃદયે કૃતજ્ઞ રહેવું જોઈએ; માણસે વિચાર કરવો જોઈએ, પણ ભાવના ભગવાનને અર્પણ કરવી જોઈએ.
જ્યારે માણસ સમજે છે કે હું સાધન છું, કારણ કે પરિણામ નહીં, ત્યારે કાર્યમાં ચમત્કાર ઊતરવા લાગે છે. એ સમજમાં ગર્વ ઘટે છે, કરુણા વધે છે, અને કામની ગુણવત્તામાં એક નવાં તેજ ઊમટે છે. અંતર્યામીની પ્રેરણા એ કોઈ ચમત્કારી ઘટના નથી; એ તો શાંત પ્રકાશ છે, જે સતત આપણાં મનને સમતોલ રાખે છે, બુદ્ધિને સ્વચ્છ રાખે છે અને ઇરાદાને પવિત્ર રાખે છે. જીવનમાં એવી કોઈ ક્ષણ આવતી નથી જયાં એ આપણા પાસેથી દૂર જાય. આપણે જ પોતાના અહંકારથી એની પાસેથી દૂર થઈએ છીએ.
મહંતસ્વામી મહારાજ સમજાવે છે કે જીવનની દરેક સફળતા પછી થોડી ક્ષણ માટે આંખ મીંચીને જો જોઈએ તો ભગવાનની કૃપા દેખાયા વગર રહે જ નહીં ! આ કૃપા દેખાય ત્યાંજ આપણો અહંકાર ઓગળવા લાગે છે અને કૃતજ્ઞતા પ્રકટ થવા લાગે છે.