હેમુ ભીખુ
છેવટનું તત્ત્વ તે પરમેશ્વર, તે પરબ્રહ્મ છે. ગીતા અનુસાર ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે, મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે, બુદ્ધિથી જ્ઞાન શ્રેષ્ઠ છે અને જ્ઞાનથી તે પરમ પરમાત્મા શ્રેષ્ઠ છે. સનાતની સંસ્કૃતિમાં સ્થાપિત થયેલો શ્રેષ્ઠતાનો આ ક્રમ અદ્ભુત છે.
સૂચન એ છે કે ઇન્દ્રિયોથી અર્થાત ઇન્દ્રિયોના વિષયોથી આગળ મન સુધી જવાનું છે. ત્યાંથી આગળ જઈને બુદ્ધિ સુધી પહોંચવાનું છે. બુદ્ધિના સહારે જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે અને આ જ્ઞાન પરમતત્ત્વ સુધી, અંતિમ સ્થિતિ સુધી, અંતિમ પરિણામ સુધી લઈ જશે. આ સ્થિતિ એટલે આત્મજ્ઞાન-સ્વાત્માનુભૂતિ. આ સ્થિતિ ઇન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી અને જ્ઞાનથી પણ પર છે. આ ભગવદગીતાની વાત છે.
કઠ ઉપનિષદમાં પણ આત્મ સાક્ષાત્કાર માટે આ પ્રમાણે જ ક્રમનું વર્ણન છે. અહીં જણાવાયું છે કે સ્થૂળ ઇન્દ્રિયો કરતાં તેને ઉત્પન્ન કરનારાં પાંચ મહાભૂતો ઉત્તમ છે, મહાભૂતો કરતાં મન ઉત્તમ છે, મન કરતાં બુદ્ધિ ઉત્તમ છે અને બુદ્ધિ કરતાં મહત્-ત્તત્વ ઉત્તમ છે. મહત્-ત્તત્વ કરતાં અવ્યક્ત પ્રકૃતિ ઉત્તમ છે અને આ અવ્યક્ત પ્રકૃતિ કરતાં ચૈતન્ય સ્વરૂપ પુરુષ અર્થાત્ આત્મા ઉત્તમ છે. આ પુરુષથી ઉત્તમ કશું જ નથી અને એટલાં માટે તે જ છેવટનું તત્ત્વ અને અંતિમ ધ્યેય છે.
સનાતની વિચારધારા પ્રમાણે મન, ઇન્દ્રિય અને બુદ્ધિ, ઈચ્છાઓ માટેના સંવર્ધન સ્થાન છે. તેમનાં દ્વારા તો અવિદ્યા અને અજ્ઞાન સ્થાપિત થાય અને આત્માનું આવરણ દૃઢ થતું જાય.કઠ ઉપનિષદમાં દર્શાવવામાં આવેલ આ સોપાનનાં મુખ્ય પગથિયાં છે વિષય, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, જ્ઞાન, મહત્-ત્તત્વ, અવ્યક્ત અને અંતે પુરુષ અર્થાત્ ચૈતન્ય અર્થાત્ પરમાત્મા. યમ અને નચિકેતા વચ્ચેનાં આ સંવાદમાં યમરાજ બાળક નચિકેતાને એમ સમજાવે છે કે આત્માને પામવા માટે અંત:કરણના પ્રત્યેક સ્વરૂપથી ક્રમશ: ઉપરથી ઊઠી પરમતત્ત્વને પામવા માટેનો પ્રયત્ન કરવો.
ગીતાની સરખામણીમાં કઠ ઉપનિષદમાં આ શૃંખલા વધુ સ્પષ્ટતાથી દર્શાવવામાં આવી છે. શ્રવણ, ઘ્રાણ, રસ, દૃષ્ટિ, સ્પર્શને સંલગ્ન જ્ઞાનેન્દ્રિયો પોતાનાં વિસ્તારમાં ગમન કરે તે સ્વાભાવિક છે. તેમની રચના તે માટે જ નિર્ધારિત થઈ છે. ઇન્દ્રિયો રથના ઘોડા સમાન છે જ્યારે મન લગામ સમાન. લગામ વડે ઘોડાઓને નિયંત્રિત કરી શકાય. મનનું આ કામ છે, તે નિયંત્રિત પણ કરે અને છૂટો દોર પણ આપી શકે. શું થાય છે તે બાબત મનમાં ઉદ્ભવતા સંકલ્પ-વિકલ્પ પર આધાર રાખે. બુદ્ધિ એ નિર્ણય શક્તિ છે જે યોગ્ય-અયોગ્યનો નિર્ણય લઈ શકે અને તેને આધારે મનને ઉત્સાહિત કે હતોત્સાહિત કરી શકે.
અહીં જ્ઞાન એ માત્ર માહિતી નથી, સ્વ-ચેતનાને આધારે સ્થાપિત થયેલી સમાવેશીય સમજ છે. મધના સ્વાદનો જાતે લીધેલો અનુભવ એટલે જ્ઞાન. મહત્-તત્ત્વ એ પ્રકૃતિનું પ્રથમ તત્ત્વ છે, જેના રૂપાંતરણ અને પ્રસારથી સમગ્ર બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું છે. મહત્-તત્ત્વ જેમાંથી પ્રગટે તે મૂળ પ્રકૃતિ એટલે અવ્યક્ત. તે ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અને જ્ઞાનના ક્ષેત્રથી વિશેષ ઘટના છે. વાસ્તવમાં બધું અવ્યક્તમાંથી જ પ્રગટ થાય છે. આ શૃંખલામાં અંતે આવનાર પુરુષ અથવા પરમાત્મા અથવા સ્વ-આત્મા, જે શાશ્વત, અજન્મા, અનાદિ, પૂર્ણ, સ્વયં પ્રકાશિત અને સર્વથી ઉત્તમ છે. આ છે સર્વશ્રેષ્ઠ વિશ્વ-ચેતના.
દુનિયાની પરિસ્થિતિ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જાણી શકાય છે, પરંતુ આ પરિસ્થિતિ ઇન્દ્રિયોને જાણી શકતી નથી અર્થાત્ અનુભૂતિ માટે અને જાણકારી માટે ઇન્દ્રિયો વધુ સક્ષમ છે અને સૂક્ષ્મ છે. ઇન્દ્રિયો મનને નથી ઓળખી શકતી પરંતુ મન પાંચેય જ્ઞાનેન્દ્રિયોને અને તેના વિષયોને જાણે છે. અર્થાત ઇન્દ્રિયો કરતાં મન વધુ સક્ષમ અને સૂક્ષ્મ છે. મન પાસે નિર્ણય શક્તિ નથી, આ નિર્ણય શક્તિ બુદ્ધિ પાસે છે. જે પણ પરિસ્થિતિ મન દ્વારા સ્થાપિત થઈ હોય તેનું મૂલ્યાંકન કરવાનું અને તેને જ્ઞાનમાં રૂપાંતરિત કરવાનું કામ બુદ્ધિનું છે.
બુદ્ધિ જાણી શકે કે મન શાંત છે કે અશાંત, મનને બુદ્ધિની સ્થિતિ વિશેની સમજ ન હોય. મન કરતાં બુદ્ધિ વધુ સક્ષમ અને સૂક્ષ્મ છે. બુદ્ધિ દ્વારા જે કંઈ સંચિત થાય તે જ્ઞાનમાં પરિણમે. આ જ્ઞાન બુદ્ધિ માટે નિર્ણાયક બની રહે. પરિણામે આ જ્ઞાન વધુ સક્ષમ અને સૂક્ષ્મ છે. અહીં સુધીની દરેક બાબત ચલિત, અસ્થિર, અનિત્ય, સાંજોગિક, વ્યક્તિ, પ્રાસંગિક કે મર્યાદિત રહેવાની. અહીંથી આગળનું ડગલું, એટલે કે બ્રહ્મ-પ્રાપ્તિ પૂર્ણ સ્થિતિ છે. આ સ્થિતિ એટલે સ્થિર, અંતિમ, શાશ્વત, અમર્યાદિત, અખંડ, અનંત, આનંદમયી અને સ્વ-પ્રકાશિત આધ્યાત્મિકતા.
આત્મસાધકે એ સમજી લેવું પડે કે બહારનાં વિષયો તરફની ઇન્દ્રિયોની ગતિ ભટકાવ સમાન છે. મન આ ગતિ માટે ઇન્દ્રિયોને પ્રેરણા પણ આપે અને સહકાર પણ આપે. મન નિયંત્રિત હોય તો ઇન્દ્રિયો આપમેળે નિયંત્રિત રહે. મનના નિયંત્રણ માટે બુદ્ધિનો સાત્ત્વિક પ્રભાવ જરૂરી છે. જ્યારે વિવેક અને સંયમ જેવી બાબતો જીવનનો એક ભાગ બની રહે ત્યારે મન નિયંત્રિત રહે. બુદ્ધિ જો શુદ્ધ હોય, સાત્ત્વિક હોય, પવિત્ર હોય, નિષ્કપટ હોય આ પ્રક્રિયા સહજ બની રહે.
બુદ્ધિની નિર્ણયશક્તિને આધારે નિત્ય-અનિત્યના, યોગ્ય-અયોગ્યના, નૈતિક-અનૈતિકના, ધર્મ-અધર્મના, જ્ઞાન-અજ્ઞાનના, વિદ્યા-અવિદ્યાના, શ્રેય-પ્રેયના તફાવતની યથાર્થ સમજ એટલે જ્ઞાન. આ જ્ઞાનને આધારે બધી સૂચનાઓ પહોંચે. આ જ્ઞાન આત્માનુભૂતિ માટેનો માર્ગ પ્રશસ્ત કરે. આ અનુભૂતિ એટલે જ અંતિમ સ્થિતિ. અહીં સમગ્ર પ્રવાસનું પૂર્ણવિરામ આવી જાય. અંતે તો બધું આ ચૈતન્યમાં જ લય કરવાનું હોય છે.
ગીતામાં તો બહુ ટૂંકમાં, પણ સ્પષ્ટતાથી જણાવી દેવાયું છે કે શરીરથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે અને બુદ્ધિથી જે પર છે, જે મહાન છે, તે આત્મા છે તે પરમ તત્ત્વ છે. આ છે છેવટનું તત્ત્વ, છેવટનું સત્ય.