ડૉ. બળવંત જાની
ચારણ કવયિત્રીઓમાં આઈ ઉજળી એમનાં અડગ મનોબળ, હકીકતની અભિવ્યક્તિમાંથી પ્રગટતી નિર્ભિક્તા અને કૌમાર્ય અવસ્થામાં સતીત્વનાં અંશોનું પ્રાગટ્ય જેવા વૈયક્તિક વૈશિષ્ટયને કારણે ભારતીય કવયિત્રીમાં મને ભારે વિશિષ્ટ જણાયાં છે. એમની નામછાપના શતાધિક દુહાઓ પરંપરા માં પ્રચલિત છે. હસ્તપ્રતમાં કોઈ પણ દુહાનો આધાર પ્રાપ્ત થતો નથી. સીતારામ લાલસે રાજસ્થા ની શબ્દકોશમાં અને રાજસ્થાની સાહિત્યકી રૂપરેખામાં મોતીલાલ મેનારિયાએ જેઠેવે રા સોરઠા નામાભિધાનથી ઉજળીકૃત અને મેહજીકૃત દુહાઓની ચર્ચા કરેલ છે. એવું રતુદાન રોહડિયાએ એમના ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ (198પ) ગ્રંથમાં પૃષ્ઠાંક-99 પર નોંધેલ છે.
જગજીવન પાઠક, ઝવેરચંદ મેઘાણી, જયમલ્લ પરમાર, રતુદાન રોહડિયા, મુળુભા પાલિયા, મણિભાઈ વોરા અને અંબાદાન રોહડિયા જેવા સાત અભ્યાસીઓની કથાચર્યા અને એમણે સંપાદિત દુહાઓના પાઠનો મેં વિગતે અભ્યાસ ર્ક્યો. મેં એ બધામાંથી ચારણી વળોટ, ખરા નારી મનોભાવો અને કથાનકનાં આંતરપ્રવાહની સાથે મેળ ખાતા આઈ ઉજળીના કતૃત્વ રૂપના માત્ર 30 દુહા તારવ્યા. મેઘાણીએ સોરઠી ગીતકથાઓમાં મુકેલી બારમાસીનું કર્તૃત્વ બહુજ સ્પષ્ટ રીતે ઉજળીનું જણાતું નથી. એ દુહાઓ પાછળથી ઉજળીના વિરહના ભાવને ઉપસાવતા ભાવવિશ્વને પોષક બને એ રીતે કોઈ દુહાગીરે જોડેલ હોય એવું જણાય છે.
બીજા પણ અનેક દુહાઓ મને ઉજળીના મનોભાવમાં પુનરાવર્તનરૂપ જણાયા છે. અનેક સંપાદકોએ શિયાળો, ઉનાળો, ચોમાસું અને કોઈ-કોઈ મહિનાના નાયિકાના ભાવને ઉપસાવતા વિરહભાવનું નિરૂપણ કરતા દુહાઓ પણ નોંધ્યા છે. મને લાગે છે કે આખા વર્ષની ત્રણ ૠતુ અને પછી બારમાસી એમ દુહારચનાઓ પાછળથી ઉજળી નામે રચાતી ઉમેરાતી ગઈ હોય તેમ જણાય છે.
મૂળ બાબત તો આઈ ઉજળી અને મેહ જેઠવાના મિલન-પરિચય પછી થોડીક મુલાકાતો, પછીથી બરડા નેસમાં રાહ, સમાજમાં થયેલી આલોચના-ચર્ચા અને દેવીપુત્ર ચારણની ક્ધયા સાથે આવા ભાવથી સંપર્ક ન રખાય એવી સલાહ મળતાં એનું પાલન કરતો મેહ જેઠવો અને સામે પક્ષે પોતે પ્રગટાવેલા ભાવને અડગપણે વળગી રહેતી આઈ ઉજળી. અંતે લાંબી રાહ પછી રાજધાની નગર આભપરે ઉજળીનું પ્રત્યક્ષ મળવા જવું, ત્યાં થયેલા સંવાદ-વિસંવાદ, શાપ અને સતી થવા સુધીના પ્રસંગો ઉજળીઆઈ સંદર્ભે અધિકૃત રીતે ઘટેલા છે. ઉજળી મુખે આ ઘટના સંદર્ભને મળતા દુહાને અવલોકવાથી ખરું મૂળ કથાનક ઉપસે, તે અવલોકીએ.
ઉજળી સાથે આખી ઘટના બરડાના નેસમાં ઘટી છે એટલે બરડા નેસમાંથી ઉજળી કથિત દુહા પ્રથમ ચરણ(દશ દુહાનું). આભપરેથી ઉજળીએ કથેલ બીજું ચરણ(નવ દુહાનું) અને દુહાનું ત્રીજું ચરણમાં જાકારાની અનુભૂતિની અભિવ્યક્તિનાં (અગિયાર દુહાનું). આમ ત્રણ ચરણના-તબકકાના મળીને ત્રીશ દુહાઓ મેં ઉજળીઆઈના અધિકૃત કર્તૃત્વ સંદર્ભે તારવ્યા છે.
વર્ષાૠતુમાં ધૂમલી નગરના જેઠવા રાજકુમાર મેહજી શિકારે નીકળેલા. ધોધમાર વરસાદમાં વાદળ છાયાં ઘનઘોર અંધકારમાં સાંજ પડી ગયાનો ખ્યાલ ન રહ્યો અને જંગલમાં અટવાઈ ભૂલા પડયા. વરસાદની થપાટો-થાક અને ભૂખ-તરસથી બેભાન બની ઘોડા પર જ માથુ ટેકવી મુર્છીત થઈ ગયા. પણ જાતવંત ઘોડાએ બરડાના જંગલમાં એક નેસડામાં ઝૂપડાની ઝાંપલીએ આવીને હણહણાટ ર્ક્યો. ખોરડામાંથી વૃદ્ધ ચારણ અમરા કાજા બહાર આવ્યો. વીજળીના ચમકારામાં અને વરસતા વરસાદમાં ઘોડા ઉપર સુતેલો ઘોડેસ્વાર બેભાન અવસ્થામાં ભાળ્યો.
પાછળ-પાછળ ચારણની દીકરી ઉજળી પણ આવી બાપ દીકરીએ ટેકો આપી મુર્છીત જુવાનને ખોરડામાં ખાટલે નાખ્યો. ઘોડાને નીરણ નાખી. બાપ, દીકરીએ જુવાનને ઘણો હલબલાવ્યો, ભીના કપડાથી ટાઢું શરીર, કોરું કર્યું પણ મુર્છા અવસ્થા દૂર થઈ નહીં.
દીકરીના બાપ અમરા કાજાએ કહ્યું બેટા આશરાધર્મ સૌથી મોટો ધરમ છે. તું બધુંય ભૂલી અત્યારે આ જુવાનના પડખામાં સૂઈજા. હું ધાબળો અને ધડકી-ગોદડું ઓઢાડી દઉ. તારા દેહની હૂંફે જણ કદાચ ભાનમાં આવે ને જીવી જાય તો આપણો આશરા ધરમ આપણે પાર પાડયો ગણાશે.
પિતાશ્રીની આજ્ઞાથી આતિથ્ય ધર્મ બજાવતી ઉજળી જુવાનના શરીરની સાથે પોતાના શરીરને રાખીને સૂઈ ગઈ. શરીરની હૂંફથી, બેભાન અવસ્થા ટળી, ત્યારે સૂરજ નારાયણ ઊગી ગયેલા. કુંવરે જોયું તો પડખામાં સુંદર દેહષ્ટિવાળી કુવાંરીકા સુતેલી. એ પણ સળવળાટથી જાગી ગઈ. ઓંસરીમાં સુતેલા પિતાશ્રી અમારા કાજાએ ઓરડામાં આવીને રાતની હકીકત જણાવી. ચારણે પોતાનો અને દીકરી ઉજળીનો પરિચય આપ્યો. જુવાને પણ પોતાનો પરિચય આપતા ઘૂમલીના રાજકુંવર મેહ જેઠવા નામ કહ્યું.
ગરમા-ગરમ શેડકઢા દૂધ પાયા. રાજકુમાર મેહજી ચારણ યુવતીના ગરીમાપૂર્ણ વ્યવહાર અને વિશ્વાસ મુકીને ઠંડાગાર મુર્છિત શરીરની માવજતથી પ્રભાવિત થયા. પાછો મળવા આવીશ કહીને વિદાય લીધી. ઉજળી પણ કુમાર મેહજીના ગુણવાન, ચારિત્ર્યશીલ વ્યક્તિત્વથી સહજ રીતે પ્રભાવિત થઈ. પિતાશ્રીની આજ્ઞાનુસાર પોતે મેહજીને સોંપાઈ, સમર્પિત થઈ હતી એમ માનીને એને પ્રિયતમ માનતી રહી. પખવાડિયે, મહિને મેહજી પણ મળવા આવે. આતિથ્ય માણે અને નીકળી જાય. પછીથી વૃદ્ધ પિતા પણ ટૂંકી માંદગીમાં સ્વર્ગવાસી થયા.
બરડાના નેસમાં અને ઘૂમલી દરબારગઢમાં મેહજી અને ચારણ કુમારીકા ઉજળીના મળવા-હળવાની વાતો થવા લાગી. વડીલોએ રાજકુંવરને સમજાવ્યો કે ચારણ તો દેવીપુત્ર કહેવાય, આઈ ઉજળી તો માતૃશક્તિ છે. આપણે ક્ષત્રિયોએ એમને મળવાનું-હળવાનું ન હોય. રાજકુંવર વાત માની ગયા. આ બાજુ નેસડે આઈ ઉજળી કુંવર મેહજીની રાહ જોઈને વિરહ-દુ:ખના મનોભાવના દુહા ગાઈ દહાડા પસાર કરતી, પ્રથમ ચરણના એ દુહાઓ આસ્વાદીએ;
ઓ આવે અસવાર, ઘોડાની ઘુમર કરી;
પણ અબળાનો આધાર, જોતા ન દીસે જેઠવા...(1)
ઓ સામે ઘોડા ઉપર સવાર થઈને, ઘોડા ખેલવતો અમ અબળાના આધાર રૂપ આવતો લાગે છે. પણ જોઉ છું તો ખ્યાલ આવે છે કે એ જેઠવા મેહજી નથી.
રાજસ્થાની વળોટનો મોતીલાલ મેનારિયાના રાજસ્થાની ભાષા ઔર સાહિત્યમાંથી રતુદાન રોહડિયાએ ઉદાહૃત કરેલો દુહો અહીં અવલોકીએ. એમાં કૌંસવાળા શબદો છે તે ગુજરાતી પાઠાંતરમાંના છે.
ટોળી(થી) શું ટળિયાં(હ) હિરણાં, મન માઠા હુવે;
વાલમ વીછડીયાં(હ) જીવો કીસ વિધ જેઠવા...(2)
હે મેહજી જેઠવા હું હરણાંના ટોળામાંથી વિખુટી પડી છું. મારા મનની સ્થિતિ ભારે કથળેલી છે. વહાલમથી વછૂટેલી હું હવે ક્યાં જાઉં.
અંગુઠાની આગ્ય, લોભી લગાડે ગિયોં ;
રોતી આખી રાત્ય, જંપ વળે નહીં જેઠવા...(3)
હે જેઠવાજી તમે મને અંગુઠે આગ લગાડીને શું લોભમાં ક્યાં ચાલ્યા ગયા. મારી આંખ્યું આખી રાત રડે છે. મને ક્યાંય જંપ નથી.
તો વિણ ઘડી ન જાય, જનમારો જાવો કઠણ;
મો બીલખતડી નાર, જોગણ કરેંગો જેઠવા...(4)
હે મેહજી જેઠવા તમારા વગર એક ઘડી પણ મારાથી નથી જતી તો આખો જનમારો કાઢવો કેવો કઠણ થશે. હું વલખા મારી તરફડું છું. તમે મને વિરહિણી જોગણ કરી મૂકી.
તાળા સજડ જડેં, કુંચી લીંન કોરે થિયો;
આયા વિણ ના ઉઘડે, જડીઆં રહસીં જેઠવા...(પ)
સજજડ તાળુ મારી-જડીને-કૂંચી લઈને તું ક્યાંક કોરાણે થઈ ગયો. તમારા આવ્યા વગર એ ઉઘડે નહીં. હે જેઠવાજી એ હવે જડાયેલ જ-બંધજ-રહેશે.
વણ સગે, વણ સાગવે, વણ નાતીલે નેહ;
વણ માવતર જીવીએ, તું વણ મરીએ મેહ...(6)
હે મેહજી જેઠવા સગાં વગર, સ્નેહી-સંબંધી-વગર કે જ્ઞાતિજનના સ્નેહ વગર અને મા-બાપ વગર જીવી શકાય, પણ તારા વગર તો પ્રાણ જાય, જીવી જ ન શકાય.
માં તણાવ તું મેહ, તારા વેઠયા વેડાયે નહીં;
એક સગપણ ને સ્નેહ, તું તાણીશ તો તુટશે...(7)
હે મેહજી હવે તમે મને વધારે તડપાવો-તાવો-નહીં. તારો વિરહ વેઠાશે. પણ સંબંધ તુટશે નહીં. એ સગપણ-સંબંધ તું તાણીશ-તોડીશ-તો જ તુટશે.
મેનાતા મંડાણ, કળજૂગના કુડાં થિયાં;
કાં માંદો પડયો મેહ, કાં વીજળીએ વળુંભિયા...(8)
તમારી સાથે બાંધેલો નાતો-સંબંધ કળજૂગ સ્પર્શે કૂડો-કપટી થયો. અથવા તો મેહજી બીમાર હોવા જોઈએ અથવા વીજળી ઝબકારાએ-કોઈ તેજસ્વી નારીએ-એને રોકી રાખેલ હોય.
પરદેશીની પીડ જેઠી, રાણ(તમે) જાણી નહી;
તાણીને માર્યા તીર, ભાથે ભરીને ભાણના...(9)
હે જેઠવા રાણા તમે મારી પરદેશી-બાઈની-પીડા જાણી ન શક્યા. ભાથામાં ભરી રાખેલા તીર, હે ભાણના દીકરા તમે અમને ખૂબ-ખૂબ માર્યા.
મોટે પણગે મેહ, આવ્યો ધરતી ધરવતો;
અમપાંતીનો એહ, ઝાકળ ન વરસ્યો જેઠવા...(10)
આ અહીં મારી સામે મોટા ફોરાં-છાંટા-વરસાવતો ધરતીને ધરવી દેતો પરિતૃપ્ત કરતો મેઘ આવ્યો, પણ મારા ભાગનો-મારો એહ મેહજી ઝાકળ જેવા સાવ નાનકડા બિંદુરૂપે-અણસારથી પણ કળાણો નહીં.
પ્રથમ ચરણના આ દશ દુહાઓ બરડા નેસડેથી જેઠવા રાજકુમાર મેહજીની વાટ જોતા, એ ન આવતા, એની રાહ જોઈ વિરહભાવથી જે મનોભાવ ચિત્તમાંથી ઊઠયા એ આ દુહામાંથી પમાય છે. વિરહ પરિસ્થિતિ અને દુર્નિવાર વેદનશીલ અવસ્થિતિ એમાંથી ટપકતી અવલોકવા મળે છે. મેહ-મેઘ, વીજળી-રૂપાળી નારી અને વિરહ ભાવની હૃદયસ્પર્શી અભિવ્યક્તિમાંથી ચારણ આઈ કવયિત્રી ઉજળીની કવિપ્રતિભા કળાય છે.