અનવર વલિયાણી
સાધુ, સંતો, સૂફીઓના સાન્નિધ્યમાં આવવાથી ન કેવળ ધર્મના ઉપદેશોનું જ પરંતુ દુન્યવી જીવનનું પણ અમૂલ્ય જ્ઞાન-બોધ મળી રહેવા પામતું હોય છે. અમેરિકામાં આવા જ એક સંતના મુખેથી સાંભળેલ કેટલીક બોધદાયક વાતોનો સાર વાચકોને પણ બોધ આપનારું બની રહેવા પામશે: અમેરિકાના એટલાંટા ખાતે આ લેખકે એ સંતના મુખેથી સાંભળેલ અમૃતવાણી ધર્મતેજ પૂર્તિના વાચકોને પણ બોધ આપનારી બની રહેશે.
- જે નાટક, વાર્તા, નવલિકા કે કથા-નવલકથા ઈશ્વરનાં સિદ્ધાંતો, નિયમો, લક્ષ્મણરેખાઓ પ્રતિ અસર કરે તેવી રીતે ધ્યાન ખેંચે, એનો અમલ કરવા તરફ પ્રેરે તે સરસ કહેવાય.
* યુરોપ-અમેરિકાના લેખકો ટોલ્સટૉય, શેક્સપિયર, ચેખોવ, મન્ટો કે ભારતના ખ્વાજા અહમદ અબ્બાસ વગેરે જેવા લેખકોની વાર્તા કે નાટકોનો અંત ‘ખાધું-પીધું ને રાજ કર્યું’ તેવો આવતો નથી.
જ્યાં જ્યાં નવાં મૂલ્યો પ્રજા પાસે, સમાજ પાસે કબૂલ કરાવ્યાં હોય ત્યાં કરુણાંતિકા જ અસર ઉપસાવી શકે છે.
એ નાટક અસ્પૃશ્યતા વિશે, સતી થવા અંગે, જમીનદારોના જુલમો વિશે, આંતરજ્ઞાતિ-આંતરજાતિ લગ્ન વિશે, સાસુ-વહુના જુલમો, કે વડીલોનું ધ્યાન ન રાખતા દીકરાઓ વિશે હોય,અથવા અંધશ્રદ્ધા વિશે હોય, લયલા-મજનું જેવાં પ્રેમીઓનું હોય! એક શહર હો સપનોં કા, ગર્મ હવા, શોલે, મધર ઈન્ડિયા, મેરા નામ જૉકર પણ એવા પ્રકારમાં જ આવે.
- જેટલી પણ મહામાનવોની હત્યાઓ થઈ છે તે કરુણાંતિકાઓ જ હતી ને! જિસસ, ગાંધીજી, અબ્રાહમ લિંકન, ઈમામ હુસૈન, માર્ટીન લ્યુથર કિંગ, સોક્રેટિસ, ગૅલેલિયો, બ્રુનો જેવા અનેકની રિબામણી-હત્યા પછી જ (આમાં મધર ટેરેસા જેવી દયાની દેવી પણ અછૂતા રહી શકતા નથી) સમાજે નવાં મૂલ્યો સ્વીકાર્યાં છે, એ પણ અમુક અંશે જ. હજુ પણ ગુલામી, અસ્પૃશ્યતા, ધર્મોના ઝઘડા, યુદ્ધો, અંધશ્રદ્ધા, જ્ઞાતિપ્રથા તથા લગ્નોમાં મનભેદ અને મતભેદો છે જ.
સનાતન સત્ય:
- કરુણાંતિકાની રજૂઆતનો એક ઉદ્દેશ પ્રશ્ર્નો પ્રત્યે જાગૃત અને ‘સંવેદનશીલ’ બનાવવાનો પણ હોય છે;
- આંતરિક અગ્નિને ફૂંક મારીને પ્રજવલિત કરવાનો હોય છે.
- આજે પણ જગતમાં કેટલીય મા, પત્ની, વિધવાઓ, વૃદ્ધો, દીકરીઓ ઝેરના ઘૂંટડા પીને પણ જીવી રહ્યાં છે.
- આ લેખ પણ કરુણાંતિકા જ છે ને!
છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
હા બધા દર્દની દવા જાણે.
પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે જીવનમાં એક એવું પતન હોવું જોઈએ.
એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં દુ:ખમાં હૃદયને રાખો, રાખો ન દુ:ખ હૃદયમાં!
પ્રાર્થના:
અય માલિક તેરે બંદે હમ,
અયસે હો હમારે કરમ...
નેકી પર ચલે ઔર
બદી સે બચે,
તાકી હસતે હુએ
નીકલે દમ....
અય માલિક તેરે બંદે હમ.