Fri Apr 17 2026

Logo

સાવધાન! સોશિયલ મીડિયા પર વાઈરલ 'પેઈનકિલર આઈસ્ક્રીમ'થી રહેજો દૂર; માથાનો દુખાવો મટાડવા જતાં લિવર-કિડની થઈ શકે છે ફેઈલ

2 weeks ago
Author: Darshana Visaria
Article Image

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને હાલમાં સોશિયલ મીડિયા પર અત્યારે એક અજીબ અને જોખમી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેનું નામ છે 'પેઈનકિલર આઈસ્ક્રીમ'. નેધરલેન્ડથી શરૂ થયેલો આ ટ્રેન્ડ લોકોને આકર્ષી રહ્યો છે કારણ કે તેમાં આઈસ્ક્રીમના સ્વાદ સાથે માથાના દુખાવામાં રાહત મળવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ, તબીબી નિષ્ણાતો આ ટ્રેન્ડને સ્વાસ્થ્ય માટે અત્યંત ખતરનાક ગણાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ પેરાસિટેમોલ આઈસ્ક્રીમનો ટ્રેન્ડ જોઈને નેટિઝન્સ ચોંકી ઉઠ્યા છે. જોકે પહેલી વખતમાં આ આઈડિયા સાંભળવામાં સારો લાગે છે કે ઠંડા આઈસ્ક્રીમ સાથે દવા પણ મળી જાય, પરંતુ મેડિકલ સાયન્સ મુજબ તેનાથી ફાયદા કરતા નુકસાન વધુ છે અને આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે જ વાત કરીશું અને સાથે સાથે એ પણ જાણીશું કે આખરે એક્સપર્ટ્સ આ વિશે શું માને છે... 

જ્યારે પણ આપણને ડોક્ટર કોઈ પણ પેઈનકિલર પ્રિસ્ક્રાઈબ કરે છે, ત્યારે તે પેશન્ટની ઉંમર અને વજન મુજબ ચોક્કસ પ્રમાણમાં ડોઝ નક્કી કરીને આપે છે. આવી પરિસ્થિતિમાં આઈસ્ક્રીમમાં દવા ભેળવીને આપવામાં આવે તો પેશન્ટ કેટલા પ્રમાણમાં દવા ખાઈ રહ્યો છે એનો કોઈ અંદાજ આવતો નથી, જે ઓવરડોઝનું કારણ બની શકે છે અને લિવર કે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

એક્સપર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો વારંવાર પેઈનકિલર લેવાથી માથાનો દુખાવો મટવાને બદલે વધી શકે છે. એમાં પણ જો આઈસ્ક્રીમમાં દવા ભેળવીને વારંવાર લેવામાં આવે, તો તે 'મેડિકેશન ઓવરયુઝ હેડેક'માં પરિણમી શકે છે અને એને કારણે લાંબાગાળે આની ગંભીર અસરો જોવા મળી શકે છે.

દવાઓ એવી રીતે બનાવવામાં આવે છે કે તે શરીરમાં જઈને ચોક્કસ રીતે ઓગળે, પરંતુ જ્યારે તેને આઈસ્ક્રીમ જેવા ઠંડા અને ખાંડયુક્ત પદાર્થમાં ભેળવવામાં આવે છે, ત્યારે દવાની ગુણવત્તા અને તેની શરીર પર થતી અસર ઈનબેલેન્સ થઈ શકે છે. આ સિવાય અનેક કિસ્સામાં એવું જોવા મળે છે કે જેવું માઈગ્રેનનું પેશન્ટ ઠંડી વસ્તુઓનું સેવન કરે એટલે તેમનું 'બ્રેઈન ફ્રીઝ' થઈ જાય છે કે પછી તેમના માઈગ્રેનનો દુખાવો વધી જતો હોય છે. આવા કિસ્સામાં પેઈનકિલર વાળો આઈસ્ક્રીમ રાહત આપવાને બદલે દુખાવામાં અનેકગણો વધારો કરી શકે છે.