Fri Apr 17 2026

Logo

નાશિકમાં ધર્મ પરિવર્તનનો કેસ: સાથી મહિલાઓને ટાર્ગેટ કરવા માટે આરોપીઓએ ‘ગૅન્ગ’ બનાવી હતી

18 hours ago
Author: Yogesh D Patel
Article Image

યોગેશ ડી. પટેલ

પોલીસે એસઆઇટી, એટીએસ અને એનઆઇએ પાસે મદદ માગી

નાશિક: ટીસીએસ કંપનીના નાશિક બ્રાન્ચમાં ધર્મ પરિવર્તન અને જાતીય સતામણીના આરોપોની તપાસ સૂચવે છે કે સાત પુરુષ આરોપીએ મહિલા સહકર્મીઓને ટાર્ગેટ કરવા માટે ‘ગેન્ગ’ બનાવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

બીજી તરફ નાશિક શહેર પોલીસે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) સહિત કેન્દ્રીય અને રાજ્ય ગુપ્તચર એજન્સીઓ પાસેથી મદદ માગી છે, જેથી ધર્મ પરિવર્તન તથા જાતીય સતામણીના કેસના આરોપીમાંથી કોઇનો કટ્ટરવાદી સંગઠનો સાથે સંબંધ હતો કે કેમ અને વિદેશી ભંડોળ મળ્યું હતું કે નહીં, તેની તપાસ કરી શકાય.

વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ અમે રાજ્ય એટીએસ, એનઆઇએ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓને કેસની તમામ વિગતો પૂરી પાડી છે અને તેમની પાસેથી ઇનપુટ્સ મેળવ્યા બાદ જ નક્કી થઇ શકશે કે ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે આરોપીઓની કોઇ આંતરરાષ્ટ્રીય કડી હતી કે તેમને બાહ્ય સમર્થન હતું. 

પોલીસે આ આરોપો સંદર્ભે નવ કેસ દાખલ કર્યા છે અને મહિલા સહિત આઠ આરોપીની ધરપકડ કરી છે. એક મહિલા આરોપી હજી ફરાર છે. 

દરમિયાન નાશિક કોર્ટે બુધવારે મહિલા ઑપરેશન્સ મેનેજરને 28 એપ્રિલ સુધી અદાલતી કસ્ટડી ફટકારી હતી. 

નાશિકના પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે  બે મહિલા આરોપીની ભૂમિકા અંગે બુધવારે જણાવ્યું હતું કે યુનિટના ઑપરેશન્સ અને એચઆર હૅડ દ્વારા પીડિતાને કથિત રીતે ફરિયાદ દાખલ ન કરવા માટે સમજાવી હતી. તેણે કહ્યું હતું કે ‘આવી ઘટનાઓ બનતી રહે છે’ અને તેણે આરોપીની બાજુ લીધી હતી. 

કોઇ પણ કટ્ટરવાદી સંગઠનોની સંડોવણી અથવા આરોપીઓને વિદેશથી ભંડોળ પૂરું પાડવામાં આવતું હોવાના અહેવાલના જવાબમાં કર્ણિકે જણાવ્યું હતું કે આ પ્રકરણે તપાસ ચાલી રહી છે અને અમે એસઆઇડી, એટીએસ અને એનઆઇએને પત્ર લખ્યો છે.

પોલીસે દાખલ કરેલા નવ કેસમાં કંપનીના પુરુષ કર્મચારીએ નોંધાવેલી ફરિયાદનો સમાવેશ છે, જેમાં ધર્મ પરિવતન અને કાર્યસ્થળે જાતીય સતામણીનો આરોપ કરવામાં આવ્યો છે.

આ સપ્તાહની શરૂઆતમાં પોલીસે આઠ મહિલા કર્મચારીઓ દ્વારા નોંધાવાયેલી ફરિયાદની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી છે. ફરિયાદમાં દાવો કરાયો હતો કે વરિષ્ઠ સહકર્મીઓ દ્વારા તેમની માનસિક-શારીરિક સતામણી કરાઇ હતી, જ્યારે માનવ સંસાધન વિભાગે તેમની ફરિયાદોને અવગણી હતી.

પોલીસે ટાટા ક્ધસલટન્સી સર્વિસીસ (ટીસીએસ)ના આઠ કર્મચારીની ધરપકડ કરી હતી, જેમાં સાત પુરુષ અને મહિલા ઑપરેશન્સ મેનેજરનો સમાવેશ છે. આરોપીઓની ઓળખ દાનિશ શેખ, તૌસિફ અત્તર, રઝા મેમન, શાહરુખ કુરેશી, શફી શેખ, આસિફ આફતાબ અન્સાર અને શાહરુખ શેખ તરીકે થઇ હતી.