મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન અને ટ્રેકના મેઈન્ટેનન્સ માટે રેલવે દ્વારા દર રવિવારે મેગા બ્લોક હાથ ધરવામાં આવે છે. આ જ અનુસંધાનમાં જો તમે પણ આવતીકાલે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો પહેલાં આ સમાચાર ચોક્કસ વાંચી લો, કારણ કે મધ્ય રેલ્વે દ્વારા રવિવારે મુંબઈ ડિવિઝનમાં મેઈન્ટેનન્સ અને સમારકામ માટે મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. ચાલો જોઈએ આવતીકાલે એટલે કે 22મી ફેબ્રુઆરીઆના કઈ લાઈન પર ક્યાંથી ક્યાં સુધી મેગા બ્લોક રહેશે-
મધ્ય રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આવતીકાલે એટલે કે 22મી ફેબ્રુઆરીના રોજ મુલુંડ-થાણા વચ્ચે સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી અપ-ડાઉન સ્લો લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન આ બંને સ્ટેશન વચ્ચે અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે અને થાણેથી ફરી સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ બ્લોકને કારણે અપ-ડાઉન તમામ સ્લો લોકલ પોતાના નિર્ધારિત સમય તરતાં 10થી 15 મિનિટ મોડી પડશે. આવતી-જતી તમામ સ્લો ટ્રેનો ૧૦ મિનિટ મોડી ચાલશે.
હાર્બર લાઈન પર પનવેલ-વાશી વચ્ચે સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી અપ-ડાઉન લાઈન પર મેગા બ્લોક હાથ ધરાશે. આ સમયગાળા દરમિયાન પનવેલ, બેલાપુર-સીએસએમટી અને સીએસએમટી-પનવેલ, બેલાપુર વચ્ચે ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી-વાશી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.
ટ્રાન્સ હાર્બર લાઈન પર સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી થાણે-પનવેલ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયા થાણે-પનવેલ વચ્ચે ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે, આ સમયગાળા દરમિયાન થાણેથી વાશી અને નેરુલ વચ્ચે ટ્રેનો દોડાવવામાં આવશે.
પશ્ચિમ રેલવે પર આવતીકાલે કોઈ પણ ડે બ્લોક હાથ નહીં ધરવામાં આવે. પરંતુ પશ્ચિમ રેલવે પર શનિવાર-રવિવારની રાતે 12.15 વાગ્યાથી લઈને વહેલી સવારે 4.15 વાગ્યા સુધી વસઈ-વિરાર વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન તમામ અપ-ડાઉન સ્લો લોકલ વસઈ-વિરાર વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે.