મુંબઈ: મુંબઈના અનેક વિસ્તારોમાં યોગ્ય પ્રમાણમાં પાણીપુરવઠો થતો ન હોવાની ફરિયાદો સતત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. અપૂરતા પાણીની સાથે જ દૂષિત પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાઈપલાઈનમાં રહેલા ગળતરને તાત્કાલિક શોધી કાઢવા માટે તેમ જ ગળતર શોધવા માટે આવશ્યક ઠેકાણે ટીમ તહેનાત કરવાનો નિેર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે.
પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે ગુરુવારે પાણીપુરવઠા વિભાગના અધિકારીઓ સાથેે એક બેઠક યોજી હતી, જેમાં મુંબઈના અનેક વિસ્તારમાં થઈ રહેલા દૂષિત પાણી તથા ઓછા દબાણ સાથે અપૂરતા પાણી પુરવઠા બાબતે ચર્ચા કરી હતી. બેઠક દરમ્યાન તેમણે અધિકારીઓને વિનાવિલંબે સ્થળનું ઈન્સ્પકેશન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
અભિજિત બાંગરે જણાવ્યું હતું કે જે વિસ્તારમાં ઓછા દબાણ સાથે અપૂરતું પાણી મળી રહ્યુંં હોય તો અધિકારીઓએ તાત્કાલિક સાઈટ પર જઈને ઈન્સ્પેકશન કરવાનું રહેશે ઉપાયયોજનાને પણ તાત્કાલિક અમલમાં મૂકવાની રહેશે. આવશ્યકતા જણાય ત્યાં પાણીપુરવઠામાં હાલની વિતરણ વ્યવસ્થામાં અમુક ફેરફાર કરવાથી સમસ્યાનો નિકાલ લાવવાનો પ્રયાસ કરવાનો રહેશે. ગરજ મુજબ પાણીપુરવઠામાં ઝોનિંગ પદ્ધતિએ યોગ્ય ત્યાં સુધારો કરવો, પાઈપલાઈનમાં રહેલા ગળતરનું તાત્કાલિક સમારકામ કરવું તો અમુક જગ્યાએ સ્ટ્રક્ચરલ ફેરફાર કરવો અને જરૂરિયાત હોય તો વધારાનું બુસ્ટિંગ કરવાની ઉપાયયોજનાને અમલમાં મૂકવાની રહેશે. અપૂરતા પાણીની સમસ્યા બાબતે સ્થાનિક લોકપ્રતિનિધિ સાથે પણ સાઈટ પર અધિકારીઓએ ઈન્સ્પેકશન કરવાનું રહેશે, જેથી તેમની પાસેથી માહિતી ઉપલબ્ધ થઈ શકે છે.
દૂષિત પાણી માટે સ્પેશિયલ ટીમ
દૂષિત પાણી પુરવઠા બાબતે અભિજિત બાંગરે કહ્યું હતું કે દૂષિત પાણીની સમસ્યા પર અધિકારીઓએ ગંભીરતાપૂર્વક અને તાત્કાલિક ધ્યાન આપીને સમસ્યાનો ઉકેલ લાવવાનો રહેશે. ઉપાય યોજનામાં વિલંબ આવ્યો તો તેનું પરિણામ અત્યંત ગંભીર બની શકે છે. દૂષિત પાણીનું ઉદ્ગમ સ્થાન શોધી કાઢવાનું કામ વિના વિલંબે અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ કલાક પદ્ધતિએ કરવાનું રહેશે. દૂષિત પાણીની ફરિયાદનો નિકાલ લાવવા માટે સ્પેશ્યિલ ટીમની સ્થાપના કરવી. આ ટીમ ઝોન મુજબ ઉપલબ્ધ કરી આપવાની રહેશે, જેથી ફરિયાદ પ્રાપ્ત થયા બાદ વિનાવિલંબે કાર્યવાહી કરી શકાય. તે માટે આવશ્યક હોય ત્યાં વધારાના મનુષ્યબળને મદદ લેવાની રહેશે.