આજના દોડભાગથી ભરેલા જીવનમાં અકારણ થાક અને આળસ અનુભવવી એ એક સામાન્ય બાબત બની ગઈ છે. મોટાભાગના લોકો તેને કામનું ભારણ અથવા વધતી ઉંમરની અસર માનીને અવગણતા હોય છે. પરંતુ તાજેતરના રિપોર્ટમાં આ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. જેને જોઈને ખ્યાલ આવે છે કે, આ સુસ્તી પાછળ કોઈ ગંભીર બીમારી નહીં પરંતુ આપણી રોજિંદી કેટલીક નાની ભૂલો જવાબદાર હોઈ શકે છે. સવારે ઉઠતાની સાથે જ સ્ફૂર્તિના બદલે ભારેપણું અનુભવવું એ સંકેત છે કે તમારી જીવનશૈલીમાં ક્યાંક મોટું ગાબડું છે.
મોબાઈલ સ્ક્રોલિંગ: સ્ફૂરતી ઘટાડવાનું મુખ્ય કારણ
થાકનું સૌથી મોટું અને ગુપ્ત કારણ રાત્રે સૂતા પહેલા કલાકો સુધી મોબાઈલનો ઉપયોગ કરવાની આદત છે. ઘણા લોકો રિલેક્સ થવા માટે સોશિયલ મીડિયા ફેંદતા હોય છે, પરંતુ મોબાઈલની સ્ક્રીનમાંથી નીકળતી 'બ્લુ લાઈટ' મગજને સતત સક્રિય રાખે છે. આનાથી કુદરતી ઊંઘની પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે, જેને કારણે રાત્રે ઊંઘ મોડી આવે છે અને સવારે ઉઠવું અત્યંત મુશ્કેલ બની જાય છે. સતત સ્ક્રીન સામે જોવાથી માનસિક થાક વધે છે, જેની સીધી અસર બીજા દિવસે વ્યક્તિના કાર્ય પરફોર્મન્સ અને એકાગ્રતા પર પડે છે.
જીવનશૈલીમાં નાના ફેરફારોની મોટી અસર
આ સમસ્યામાંથી બહાર આવવા માટે કોઈ દવાની નહીં પણ શિસ્તની જરૂર છે. નિષ્ણાતો સૂચવે છે કે સૂવાના 30-40 મિનિટ પહેલા મોબાઈલ ફોનને સંપૂર્ણપણે બંધ કરી દેવો જોઈએ. મોબાઈલના બદલે પુસ્તક વાંચન, હળવું સંગીત સાંભળવું અથવા આગામી દિવસનું આયોજન કરવા જેવી આદતો અપનાવવાથી મન શાંત થાય છે. આ નાના ફેરફારથી ઊંઘની ગુણવત્તા સુધરે છે અને વ્યક્તિ સવારે વધુ તાજગી અનુભવે છે. ઊંડી ઊંઘને કારણે દિવસભર શરીરમાં એનર્જી જળવાઈ રહે છે અને મગજ પણ હળવું લાગે છે.
આપણે વારંવાર સમસ્યાઓના ઉકેલ બહાર શોધતા હોઈએ છીએ, પરંતુ વાસ્તવિકતા આપણી આદતોમાં છુપાયેલી હોય છે. જો તમે પણ કોઈ ખાસ કારણ વગર સતત સુસ્તી અને થાક અનુભવતા હોવ, તો તમારી ડેઈલી રૂટિન ખાસ કરીને 'સ્લીપિંગ હેબિટ્સ' પર ધ્યાન આપવું જરૂરી છે. મોબાઈલનો મર્યાદિત ઉપયોગ અને પૂરતી ઊંઘ એ માત્ર આરામ માટે જ નહીં, પણ લાંબા ગાળે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પણ અનિવાર્ય છે. યાદ રાખો, તમારી રાતની આદતો જ તમારા આખા દિવસની સફળતા નક્કી કરે છે.