Fri Apr 17 2026

Logo

માતા વૈષ્ણો દેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ, યાત્રા સ્થગિત કરવામાં આવી...

3 weeks ago
Author: Chandrakant Kanoja
Article Image

કટરા: ચૈત્ર નવરાત્રીને કારણે જમ્મુ કાશ્મીરના માતા વૈષ્ણો દેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જેમાં શનિવારે બપોર સુધીમાં 39,000 વધુ શ્રદ્ધાળુઓ દર્શન કર્યા છે. જોકે, શ્રદ્ધાળુઓ વધતી ભીડના લીધે હાલ પુરતી યાત્રા અટકાવી દેવામાં આવી છે.  

યાત્રાળુઓને તેમની હોટલમાં પાછા ફરવાનો આદેશ 

આ અંગે શ્રાઇન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે માતા વૈષ્ણો દેવી ગુફા મંદિરની યાત્રા શનિવારે ભવનમાં ભારે ભીડને કારણે સ્થગિત કરવામાં આવી હતી. 19  માર્ચથી શરૂ થયેલી ચૈત્ર નવરાત્રિને કારણે ભીડ વધી ગઈ છે.  તેમજ  27  માર્ચે નવરાત્રિના સમાપન સુધી ભક્તોની ભારે ભીડ રહેવાની  ધારણા છે. શ્રાઇન બોર્ડના એક અધિકારીએ માહિતી આપી હતી કે પોલીસ વાહનો દ્વારા યાત્રા સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે અને રવિવારે સવારે 4.00 વાગ્યે નવી નોંધણી ફરી શરૂ થવાની તૈયારી છે. યાત્રાના કામચલાઉ સ્થગિતતાને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓને તેમની હોટલમાં પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નવરાત્રીના લીધે  શ્રદ્ધાળુની ભીડ વધી 

આ ઉપરાંત નોંધણી બાદ, 10,000 થી વધુ યાત્રાળુઓ હાલમાં ગુફા મંદિર તરફ જઈ રહ્યા છે. નવરાત્રીના ત્રીજા દિવસે  સેંકડો  શ્રદ્ધાળુ માતા વૈષ્ણો દેવી મંદિર તરફ પ્રયાણ કરતા જોવા મળ્યા હતા. અધિકારીઓએ કટરા બેઝ કેમ્પ અને મંદિર વચ્ચે સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરી છે. 

મંદિરમાં પવિત્ર શત ચંડી મહાયજ્ઞ શરૂ થયો

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસ ગુરુવારથી  મંદિરમાં પવિત્ર  શત ચંડી મહાયજ્ઞ શરૂ થયો છે. તેમણે જણાવ્યું હતું કે પવિત્ર મંદિરમાં, વૈદિક મંત્રો અને ધાર્મિક વિધિઓના દિવ્ય સ્પંદનો સમગ્ર માનવતા માટે શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીના આશીર્વાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, યાત્રાળુઓના મોટા ધસારાના પગલે  શ્રાઇન બોર્ડે ભક્તોની જરૂરિયાતોને અનુરૂપ વ્યાપક વ્યવસ્થા કરી છે.