Mon May 25 2026

Logo

વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યા બાદ આંખો બતાવવી જેમિસનને ભારે પડી

3 weeks ago
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 43મી મેચ ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. હાઈ સ્કોરિંગ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતાં દિલ્હીને જીતવા 226 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હીએ 5 બોલ બાકી રહેતા ટાર્ગેટ પાર પાડ્યો હતો.  

જેમિસનને આપવામાં આવ્યો ડિમેરિટ પોઈન્ટ

મેચ બાદ દિલ્હી કેપિટલ્સ ટીમના ફાસ્ટ બોલર કાઈલ જેમિસને આઈપીએલ તરફથી વોર્નિંગ આપવામાં આવી હતી અને ફટકાર લગાવવામાં આવી હતી. જેમિસને રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર બોલિંગ કરી હતી. તેણે વૈભવ સૂર્યવંશીની વિકેટ લીધા બાદ આક્રમક રીતે જશ્ન મનાવ્યો હતો. જે બદલ તેને આઈપીએલ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ દોષી જાહેર કરાયો હતો. આઈપીએલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, જેમિસનને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો હતો. તેમજ ચેતવણી પણ અપાઈ હતી.

રાજસ્થાન રોયલ્સની ઈનિંગની બીજી ઓવરમાં જેમિસને વૈભવ સૂર્યવંશીને બોલ્ડ કર્યો હતો. વિકેટ લીધા બાદ જેમિસને ઘણા આક્રમક અંદાજમાં જશ્ન મનાવ્યો હતો. જેને ઉશ્કેરણીજનક વ્યવહાર માનવામાં આવ્યો હતો. આઈપીએલે તેના પર પગલું ભરતાં જેમિસનને કલમ 2.5ના ઉલ્લંઘન બદલ દોષી માન્યો હતો. 

આ કલમ મેદાન પર કોઈ ખેલાડી દ્વારા કરવામાં આવેલી એવી હરકત કે પ્રતિક્રિયા સાથે સંબંધિત છે. તેનાથી સામો ખેલાડી ઉશ્કેરાઈ શકે છે. જેમિસને આ મામલે મેચ રેફરી દ્વારા આપવામાં આવેલી સજાનો સ્વીકાર કરી લીધો હતો. આવી સ્થિતિમાં, હવે આ મામલે આગળ કોઈ સુનાવણી હાથ ધરવામાં આવશે નહીં.

મેચમાં જેમિસનનો કેવો રહ્યો દેખાવ

આ મુકાબલામાં જેમિસને શરૂઆત તો સારી કરી હતી, પરંતુ તે તેને જાળવી રાખવામાં સફળ રહ્યો ન હતો. જેમિસને આ મેચમાં 4 ઓવરમાં 48 રન આપીને માત્ર એક વિકેટ ઝડપી હતી.