Fri Apr 17 2026

Logo

હૈદરાબાદ સાવધાન! કોલકાતાના ફિન ઍલને મહિના પહેલાં ઈડનમાં વર્લ્ડ કપમાં મૅચ-વિનિંગ સેન્ચુરી ફટકારી હતી

2 weeks ago
Author: Ajay Motiwala
Article Image

કોલકાતાઃ ઈડન ગાર્ડન્સમાં આજે (સાંજે 7.30 વાગ્યે) કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) વચ્ચે જે મૅચ રમાશે એમાં રનનો વરસાદ વરસવાની પાક્કી સંભાવના છે અને એ સંજોગોમાં કોલકાતા વતી રમનારા કિવી ઓપનર ફિન ઍલન પર સૌની નજર રહેશે, કારણકે મહિના પહેલાં ટી-20 વર્લ્ડ કપ ઍલને સાઉથ આફ્રિકા સામેની સેમિ ફાઇનલમાં મૅચ-વિનિંગ (100 અણનમ) સેન્ચુરી ફટકારી હતી. ઍલને એ ઇનિંગ્સમાં આઠ સિક્સર અને દસ ફોર ફટકારીને ઈડન (Eden)નું સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું અને આજે ઈડનમાં પણ પ્રેક્ષકોને આતશબાજી જોવા મળશે. એ વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડનો ભારત સામે પરાજય થયો હતો. બીજી તરફ, હૈદરાબાદનો હિન્રિક ક્લાસેન આજે યજમાન કોલકાતાને ભારે પડશે તો નવાઈ નહીં લાગે.

કોલકાતા અને હૈદરાબાદ બન્નેની આ વખતની ટૂર્નામેન્ટમાં આ બીજી મૅચ છે. બન્નેએ પોતપોતાની પ્રથમ મૅચમાં 200-પ્લસ રન કર્યા હતા, પરંતુ તેમની હરીફ ટીમે લક્ષ્યાંક ચેઝ કરી લેતાં કોલકાતા અને હૈદરાબાદ પરાજય જોવો પડ્યો હતો. કોલકાતાનો વાનખેડેમાં મુંબઈ સામે પરાજય થયો એની અગાઉના દિવસે હૈદરાબાદે બેંગ્લૂરુ સામે હાર જોવી પડી હતી. જોકે હવે આજે કોલકાતા અને હૈદરાબાદ બન્નેને ઈડનમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવીને 200-પ્લસ રન કરવાની ફરી તક છે.

IPL

અજિંક્ય રહાણે કોલકાતા (Kolkata)નો અને ઇશાન કિશન હૈદરાબાદ (Hyderabad)નો કૅપ્ટન છે. ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીને મુંબઈ સામેની મૅચમાં બોલિંગ નહોતી કરી એને પગલે વિવાદ જાગ્યો હતો. જોકે તે આજે હૈદરાબાદ સામે પણ બોલિંગ નહીં કરે તો રહાણે ઍન્ડ કંપનીને થોડી ખોટ જરૂર વર્તાશે.

હેડ-ટુ-હેડ મુકાબલા

બન્ને ટીમ વચ્ચે કુલ 30 મૅચ રમાઈ છે જેમાં કોલકાતાનો 20-10થી આગળ છે. છેલ્લી છમાંથી પાંચ મૅચ પણ કોલકાતાએ જીતી હોવાથી આજે યજમાન ટીમ જીતવા માટે ફેવરિટ છે એમ કહી શકાય.

છેલ્લે કોલકાતા સામે હૈદરાબાદે 278 રન બનાવેલા

છેલ્લે (મે, 2025માં) બન્ને ટીમ વચ્ચે જે મુકાબલો થયો હતો એમાં હૈદરાબાદે બૅટિંગ લીધા બાદ ત્રણ વિકેટે 278 રનનો ઢગલો કરી દીધો હતો. એમાં સાઉથ આફ્રિકન બૅટ્સમૅન હિન્રિક ક્લાસેન (105 અણનમ, 39 બૉલ, નવ સિક્સર, સાત ફોર) અને ટ્રૅવિસ હેડ (76 રન, 40 બૉલ, છ સિક્સર, છ ફોર)ના સૌથી મોટા યોગદાન હતા. ટ્રૅવિસ-અભિષેક વચ્ચે 92 રનની, ટ્રૅવિસ-ક્લાસેન વચ્ચે 83 રનની, ક્લાસેન-કિશન વચ્ચે પણ 83 રનની ભાગીદારી થઈ હતી. એ મૅચમાં 29 રન કરનાર કિશન આજે કૅપ્ટન છે અને 32 રન કરનાર અભિષેક વાઇસ-કૅપ્ટન છે.

બન્નેની સંભવિત ટીમઃ

કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), ફિન ઍલન, કૅમેરન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિન્કુ સિંહ, રમણદીપ સિંહ, અનુકૂલ રૉય, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, બ્લેસિંગ મુઝરબાની અને (12મો) કાર્તિક ત્યાગી.

હૈદરાબાદઃ ઇશાન કિશન (કૅપ્ટન, વિકેટકીપર), અભિષેક શર્મા (વાઇસ-કૅપ્ટન), ટ્રૅવિસ હેડ, હિન્રિક ક્લાસેન, નીતીશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, સલીલ અરોરા, હર્ષ દુબે, ઇશાન મલિન્ગા/લિઆમ લિવિંગસ્ટન, ડેવિડ પેઇન, હર્ષલ પટેલ અને (12મો) જયદેવ ઉનડકટ.