શ્રીનગરઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈની આગ માત્ર ઊર્જા સંક્ટ સુધી નથી પહોંચી અનેક એવી કોમોડિટી છે જેના પર માઠી અસર આ યુદ્ધના કારણે થઈ છે. ભારતમાંથી કેળા, કેરી અને કેસરની નિકાસ પર અસર થઈ છે જ્યારે મિડલ ઈસ્ટમાંથી આવતા સફરજન અને કિવીના ભાવમાં વધારો થઈ શકે છે. યુદ્ધની આગ હવે હસ્તકલા અને કાર્પેટ ઉદ્યોગને પણ સળગાવી રહી છે. કાશ્મીરમાં મોટી સંખ્યામાં કાર્પેટ ઉદ્યોગ ધમધમી રહ્યા છે.હવે સ્થિતિ એવી છે કે, જૂના ઓર્ડર રદ્દ કરી દેવાયા છે અને નવા ઓર્ડર મળવાના બંધ થઈ ગયા છે.
કાશ્મીરની કાર્પેટની ડીઝાઈન બગડી
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે કાશ્મીરમાં હસ્તકલા ક્ષેત્રને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કાશ્મીરમાં ચાલી રહેલા કાર્પેટ ઉદ્યોગને આની માઠી અસર થઈ છે. માત્ર કાર્પેટ ઉદ્યોગ જ નહીં કાર્પેટ માર્કેટને પણ અસર થઈ છે. નિકાસ કરતી એજન્સીઓ કહે છે કે, જૂના ઓર્ડર કેન્સર થઈ ચૂક્યા છે અને નવા ઓર્ડર મળવાના બંધ થઈ ગયા છે. સરકાર તરફથી દુબઈ બાદ હવે ચીન અને ડેનમાર્કમાં લાગતા હસ્તકલાના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાંથી કામ મળવાની આશા ખતમ થઈ ચૂકી છે. ઓર્ડર મળવાના કોઈ એંધાણ નથી. આના કારણે વેપારીઓ તથા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જોડાયેલા એક આખા વર્ગ પર અસર માઠી પડી રહી છે. એમની આજીવિકા પર જોખમ ઊભું થયું છે.
નિકાસ અટકી ગઈ છે
કાશ્મીરની કાર્પેટમાં ઘણી બારીકી જોવા મળે છે આ પાછળ કાર્પેટના કારીગરોની ઘણી મહેનત હોય છે. આવી કાર્પેટનું એક આગવું મહત્ત્વ હોય છે. કાશ્મીરની આ કાર્પેટ 25 દેશમાં નિકાસ થાય છે. એમાં મિડલ ઈસ્ટ સૌથી મોટું અને મુખ્ય બજાર છે. કાર્પેટને સંપૂર્ણપણે હાથથી તૈયાર કરવામાં આવે છે. માત્ર કાર્પેટ જ નહીં કાશ્મીરી હસ્તકલા, પૈપિયર મેશે, પશ્મિના શાલ, લાકડા પરનું કામ, એબ્રોડરી વર્ક અને અન્ય નક્શીકામની નિકાસ કરવામાં આવે છે. આ તમામ વસ્તુઓ કાશ્મરીના ઉદ્યોગ માટે આર્થિક રીતે કરોડરજ્જૂ સમાન છે. નિકાસ ખાડીમાં અટકી જતા કલાકારો તથા કારીગરોને આર્થિક રીતે ફટકો પડી રહ્યો છે. 60 ટકા કાશ્મીરની વસ્તુઓનો નિકાસમાં ફાળો છે. આ સિવાય શિપમેન્ટ ચાર્જમાં પણ વધારો થતા પૈસા જે પહેલા મળતા એ હવે નથી મળતા.

આર્થિક સંકટ હવે વધ્યું
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને કારણે કાશ્મીરમાંથી થતી નિકાસ અટકી છે. જેના કારણે કલાકારો તથા કારીગરો આર્થિક રીતે કટોકટી ભોગવી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં કાશ્મીરી હસ્તશિલ્પની નિકાસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે, જે હવે આ ક્ષેત્ર માટે આર્થિક સંકટ સમાન બની રહ્યો છે. વર્ષ 2013માં નિકાસનો આંકડો અંદાજે ₹1,700 કરોડ હતો પછી વર્ષ 2024-25માં માત્ર ₹733 કરોડ પર આવી ગયો, કુલ નિકાસમાં અંદાજે 57 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. ઉદ્યોગ જગતના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, વર્તમાન વૈશ્વિક અને ભૂ-રાજકીય તણાવ આ ઉદ્યોગને વધુ ઊંડા સંકટમાં ધકેલી શકે છે. ખાસ કરીને પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા આ ઉદ્યોગ માટે સૌથી મોટો અવરોધ સાબિત થઈ રહી છે.
કટોકટી જેવી સ્થિતિ છે આ
કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (KCC&I) ના પ્રમુખ જાવેદ અહેમદ ટેંગાએ વર્તમાન પરિસ્થિતિને અભૂતપૂર્વ કટોકટી ગણાવી છે. પરંપરાગત રીતે, ખાડી દેશો માટે રમઝાનનો મહિનો વ્યાપાર અને કમાણીની દ્રષ્ટિએ સૌથી મહત્વનો ગણાય છે. કાશ્મીરી નિકાસકારો આખા વર્ષ દરમિયાન જે શિપમેન્ટ મોકલે છે, તેની વાર્ષિક કમાણીનો મોટો હિસ્સો આ સમયે જ પરત મળતો હોય છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે બેંકિંગ ચેનલો અને પેમેન્ટના રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, જેના કારણે જૂના નાણાં પરત નથી આવી રહ્યા અને નવા ઓર્ડર મળવાનું પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે.
ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ જુદી
નિકાસ અટકી જવાથી માત્ર મોટા વેપારીઓ જ નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા વણકરો, ધોબી અને મજૂરો પર પણ આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. નિકાસકારોએ માલ તો મોકલી દીધો છે, પરંતુ પેમેન્ટ ન આવતા હવે તેમના પર બેંકના વ્યાજનું ભારણ વધી રહ્યું છે, જો નવા ઓર્ડર નહીં મળે, તો ભવિષ્યની પ્રોડક્શન સાયકલ અટકી જશે, જેનાથી હજારો પરિવારોની રોજીરોટી છીનવાઈ શકે છે. શ્રીનગરના નિકાસકાર ફારૂક અહેમદે પરિસ્થિતિની ગંભીરતા જણાવતા કહ્યું કે, પહેલગામ હુમલા બાદ પ્રવાસીઓની સંખ્યામાં પહેલાથી જ ઘટાડો થયો હતો, જેની અસર સ્થાનિક વેચાણ પર પડી છે.
આ મુશ્કેલીભર્યો તબક્કો છે
એક તરફ જૂના પેમેન્ટ આવતા નથી અને બીજી તરફ વિદેશી ગ્રાહકો નવા ઓર્ડર આપવાનું ટાળી રહ્યા છે. પ્રવાસી સીઝન શરૂ થતા જે તેજીની આશા હતી, તેની સામે અત્યારે સ્થિતિ સાવ ઉલટી છે. અમે અત્યારે બંને તરફથી આર્થિક માર સહન કરી રહ્યા છીએ. આ અનિશ્ચિતતાને કારણે કાશ્મીરનો આ સદીઓ જૂનો ઉદ્યોગ અત્યારે તેના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. નિકાસકારોને ડર છે કે જો પશ્ચિમ એશિયાની સ્થિતિમાં જલ્દી સુધારો નહીં આવે, તો કાશ્મીરી હસ્તશિલ્પ તેના આંતરરાષ્ટ્રીય બજારો કાયમ માટે ગુમાવી શકે છે. લાંબા સમય સુધી માલ સપ્લાય કરવામાં અવરોધ આવવાને કારણે, આંતરરાષ્ટ્રીય ખરીદદારો હવે કાશ્મીરના બદલે અન્ય વિકલ્પો તરફ વળી રહ્યા છે.