આપણામાંથી અનેક લોકો જ્યારે ઓનલાઈન કે પછી કોઈ રેસ્ટોરાંમાં જ્યારે ફૂડનું ઓર્ડર પ્લેસ કરીએ છીએ ત્યારે ક્યુટ બ્લેક કલરના કન્ટેનરમાં પેક કરીને એ ફૂડ આપણને આપવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે આ પ્લાસ્ટિકના યુઝ એન્ડ થ્રોવાળા કન્ટેનર એ માત્ર પ્લાસ્ટિક વેસ્ટ નહીં પણ સ્લો પોઈઝન છે? હાલમાં જ રાજ્યસભામાં ભાજપના સાંસદ ઘનશ્યામ તિવારીએ કાળા રંગના પ્લાસ્ટિકના કન્ટેનર અને વાસણના ઉપયોગ અંગે જે ચિંતા વ્યક્ત કરી છે, તે ખરેખર ગંભીર વિષય છે. હોટલ, ઢાબા અને ફૂડ ડિલિવરીમાં વપરાતા આ કાળા ડબ્બા માત્ર કચરો નથી, પણ સ્વાસ્થ્ય માટે 'સ્લો પોઈઝન' સમાન છે.
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર બ્લેક પ્લાસ્ટિક ખૂબ જ જોખમી છે અને તેનાથી ગંભીર નુકસાન થઈ શકે છે. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા મુજબ, કાળા રંગનું પ્લાસ્ટિક મોટાભાગે ઈ-વેસ્ટ (ઇલેક્ટ્રોનિક કચરો) અને રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. તેને અગ્નિરોધક બનાવવા માટે તેમાં જોખમી ફ્લેમ રિટાર્ડન્ટ કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. આ કેમિકલ્સ ગરમ કે તૈલી ખોરાકના સંપર્કમાં આવતા જ ખોરાકમાં ભળી જાય છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પ્લાસ્ટિકમાં રહેલા બીપીએ (Bisphenol A) અને Phthalates જેવા તત્વો શરીર માટે અત્યંત હાનિકારક છે. લાંબા સમય સુધી આ કેમિકલ્સના સંપર્કમાં રહેવાથી કેન્સર જેવી જીવલેણ બીમારી થઈ શકે છે. આ સિવાય આ રસાયણો શરીરના હોર્મોન્સને અસર કરે છે, જેનાથી પ્રજનન ક્ષમતામાં ઘટાડો અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ સર્જાય છે.
મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી આ બ્લેક રંગના કન્ટેનરમાં રહેલાં જોખમી કેમિકલ્સ લોહીમાં ભળીને હૃદયની બીમારીઓ અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. જ્યારે આ કન્ટેરમાં ગરમાગરમ ફૂડ પેક કરવામાં આવે છે ત્યારે કન્ટેનરના પ્લાસ્ટિકના અદ્રશ્ય કણો ભળે છે, જે શરીરના ટોક્સિક લોડમાં વધારો કરે છે. નિષ્ણાતોએ તો ચેતવણી ઉચ્ચારી છે કે બાળકો, સગર્ભા મહિલાઓ અને જેઓ પહેલેથી કોઈ ગંભીર બીમારીથી પીડાય છે, તેમના પર આ ઝેરી તત્વોની અસર વધુ ગંભીર અને ઝડપી થાય છે.
બચવા માટે શું કરશો?
1. ખોરાક ગરમ કરવા માટે ક્યારેય પ્લાસ્ટિકના ડબ્બા કે માઈક્રોવેવ સેફ પ્લાસ્ટિકનો પણ ઉપયોગ ન કરવો.
2. પ્લાસ્ટિકના બદલે સ્ટીલ, કાચ કે પછી લાકડાના વાસણોનો ઉપયોગ કરવો સૌથી સુરક્ષિત છે.
3. હોટલમાંથી બ્લેક પ્લાસ્ટિકના ડબ્બામાં આવેલા ખોરાકને તરત જ ઘરના વાસણમાં કાઢી લેવો જોઈએ.