Fri Apr 17 2026

Logo

ભારતીય ટીમના એક સમયના સાથી ઓપનર પંત-કિશન આજે હરીફ કેપ્ટન

1 week ago
Author: Ajay Motiwala
Article Image

LSG VS SRH


બપોરે 3:30 વાગ્યાથી લખનઊ અને હૈદરાબાદ વચ્ચે જંગ

હૈદરાબાદ: અહીં ઉપ્પલ ખાતેના મેદાન પર આજે (બપોરે 3:30 વાગ્યાથી) રમાનારી સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઊ સુપર જાયન્ટ્સ વચ્ચેની મૅચમાં આ વખતની ટૂર્નામેન્ટમાં જોવા ન મળ્યો હોય એવો છગ્ગા-ચોગ્ગાનો વરસાદ જોવા મળે તો નવાઈ નહીં પામતા. હૈદરાબાદને કોલકાતા સામે મેળવેલા જવલંત વિજય બાદ જીતની પરંપરા આજે ચાલુ રાખવી છે અને બીજી તરફ, લખનઊ આ વખતે પહેલો વિજય મેળવવાની તલાશમાં છે.

બંને કેપ્ટન કરશે વિકેટકીપિંગ

બરાબર દસ વર્ષ પહેલાં ઢાકામાં અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં રિષભ પંત અને ઈશાન કિશન ભારત વતી ઓપનિંગમાં રમ્યા હતા અને આજે હૈદરાબાદમાં એ જ બે ખેલાડી એકબીજાના હરીફ કેપ્ટન તરીકે રમશે. બંને ખેલાડી પોતપોતાની ટીમના વિકેટકીપર પણ છે.

બન્ને સુકાની ભારતના ચેમ્પિયન

બીજી નવાઈની વાત એ છે કે પંત 2024ના ટી-20 વર્લ્ડ કપનો અને કિશન 2026ના ટી-20 વિશ્વ કપનો ચેમ્પિયન ખેલાડી છે.

પંત પર હંમેશાં પ્રચંડ પ્રેશર

પંત પર હંમેશાં ટીમના માલિક સંજીવ ગોયેન્કાની હાજરીમાં સારી બૅટિંગ કરવાનું તેમ જ લખનઊને જિતાડવાનું પ્રચંડ પ્રેશર રહ્યું છે. બીજી બાજુ, કિશન હાલમાં મુખ્ય કેપ્ટન પૅટ કમિન્સની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ સંભાળી રહ્યો છે.

ધમાકેદાર ટૉપ ઑર્ડર

આજે બંને ટીમ પાસે ટૉપ ઓર્ડરમાં આક્રમક બૅટ્સમેનો છે એટલે બંને ટીમ પોતાના દાવની ધમાકેદાર શરૂઆત કરશે એમાં કોઈ શંકા નથી. હૈદરાબાદ પાસે ટૉપ ઑર્ડરમાં અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન અને હિનરિચ ક્લાસેન છે જ્યારે લખનઊ પાસે મિચલ માર્શ, રિષભ પંત એઈડન માર્કરમ અને નિકોલસ પૂરન છે.

હેડ-ટુ-હેડ મુકાબલા

હૈદરાબાદ સામેની ટક્કરમાં લખનઊ 4-2ના તફાવતથી આગળ છે. હૈદરાબાદમાં રમાયેલી ત્રણમાંથી બે મૅચ લખનઊ જીતી ચૂક્યું છે. બંને ટીમ વચ્ચેના મુકાબલાઓમાં લખનઊનો નિકોલસ પૂરન કુલ 252 રન સાથે મોખરે છે. ટૂંકમાં, આજની મૅચ હાઈ સ્કોરિંગ બની શકે.

બંનેની સંભવિત ટીમ:

લખનઉ: રિષભ પંત (કેપ્ટન, વિકેટકીપર), મિચલ માર્શ, એઇડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, એનરિક નોર્કિયા, પ્રિન્સ યાદવ, મોહસિન ખાન અને (12મો પ્લેયર) દિગ્વેશ રાઠી.

હૈદરાબાદ: ઈશાન કિશન (કેપ્ટન, વિકેટકીપર), અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હિનરીચ કલાસેન, અનિકેત વર્મા, નીતીશકુમાર રેડ્ડી, સલીલ અરોરા, હર્ષ દુબે, શિવાંગ કુમાર/હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, એશાન મલિંગા અને (12મો પ્લેયર) ડેવિડ પેઈન/બ્રાઇડન કાર્સ