ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવાનું સૌથી કાતિલ અને તીક્ષ્ણ શસ્ત્ર ગુપ્ત માહિતી હોય છે.
સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ
દેવીપ્રસાદજીના ઘરેથી રાતે પાછા ફરતી વખતે રાધા અને જગદીશ ચૂપ હતાં.
ચૂપકિદીનાં કારણો માણસોના પોતપોતાના હોય છે. જગદીશ મંદિર પરના ખતરાની વાતે આઘાતમાં હતો અને બીજીબાજુ પોતાને મળેલી કામગીરીથી આશ્ર્ચર્યમાં હતો. મીટિંગમાં રાધાએ એને આંખ અને કાન ખુલ્લા રાખવા માટે સજ્જ કરી દીધો હતો. ધરમશાળામાં આવતો માણસ શંકાસ્પદ જણાય તો તરત જ રાધાને જાણ કરવાનું કહેવામાં આવ્યું. દેવીપ્રસાદજીએ ગોપાલેશ્વર મંદિર પરના ખતરાની વાત કરીને એને સતર્ક રહેવાની ખાસ તાકીદ કરી. રાધાએ શંકાસ્પદ માણસનો પ્રોફાઇલ તૈયાર કરવા, એની હિલચાલ પર નજર રાખવા જેવી થોડી પણ મહત્ત્વની તાલીમ આપી.
રાધા, દેવીપ્રસાદજી અને જગદીશ-ત્રણેયની નજરમાં રાઘવ નામનું ચિત્ર સ્પષ્ટપણે ઊભરી ચુક્યું હતું. પુરોહિતે દાનપેટીમાં નાખેલી ચિઠ્ઠીમાં રાઘવ અંકિત થઇ ચુક્યો હતો. જોકે આઇબી ચીફ અભયસિંહ રાઠૌડે રાધાને અટકાવીને ગોપાલેશ્વર પરનો ખતરો વધાર્યો હોવાનું રાધાને લાગ્યું હતું. આઇબી ચીફે બીજા ત્રાસવાદીઓ અલર્ટ થઇ જશે એવું કહીને એના હાથ બાંધી દીધા હતા. દુશ્મન વ્હેંત છેટો હોવા છતાં એ કાંઇ કરી શકતી નથી એવા રંજને પકડીને બેસી રહેવાને બદલે એણે અભયસિંહની દુરંદેશીને સલામ કરીને એમના હુકમનું પાલન કરવાનું યોગ્ય માન્યું હતું. બીજી જ ક્ષણે રાધાએ લોકલ એસેટ તૈયાર કરવાનું નક્કી કરી લીધું હતું અને જગદીશ એ માટે યોગ્ય પાત્ર હતું. ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવાનું સૌથી કાતિલ અને તીક્ષ્ણ શસ્ત્ર ગુપ્ત માહિતી હોય છે.
દેવીપ્રસાદજીના ઘરેથી નીકળીને બંને મુખ્ય બજાર નજીક પહોંચ્યા એટલે રાધાએ કહ્યું: ‘તું પહેલા નીકળી જા...હું પછી આવું છું.’
જગદીશ ગુપ્તતા જાળવવાનો પહેલો પાઠ શીખતો હોય એમ ઝડપથી આગળ નીકળીને ધરમશાળા પહોંચી ગયો. બજારમાં હજી થોડી ચહલપહલ હતી. રાધા રબડીવાળા પાસે ઊભી રહી.
‘એક રબડી.’ રાધા બોલી.
‘જયગોપાલા.’ પાછળથી રાઘવનો અવાજ આવ્યો.
રાધા પુરોહિતે ચિઠ્ઠીમાં વર્ણવેલી રાઘવની લાક્ષણિકતાઓ જોતી રહી. સામે ઊભેલા દુશ્મનને પોતે કાંઇ કરી શકતી નહીં હોવાની આસક્તિ રાધાના રોમેરોમમાં ફરી વળી હતી. એ નિ:શસ્ત્ર હતી. જોકે શસ્ત્ર હોત તો પણ ગોપાલેશ્વરની ભરબજારમાં એને ગોળીએ દેવાનું મુશ્કેલ હતું. અલબત્ત, શસ્ત્રવિહોણી હોવા છતાં રાધા પાસે એક શસ્ત્ર હતું અને એ હતું પ્રેમનું નાટક કરવાનું શસ્ત્ર, પણ રાધા રાઘવ સાથે પ્રેમનું નાટક કરવા માગતી નહતી. ડો. અજય બંસલ નામના ત્રાસવાદી અજમલ અન્સારી સાથેના પ્રેમપ્રકરણનો અંજામ હજી બાકી હતો. રાધા એક જ પ્રકારની ભૂમિકા ભજવવા માગતી નહતી. અલબત્ત, દુશ્મનને નજીક રાખવાના પણ ફાયદા હોય છે એવી સમજ ધરાવતી રાધાએ સહેજ કમને હસીને એની સામે જોયું.
‘જયગોપાલા.’ રાધાએ રબડીનું કુલ્હડ પકડતાં કહ્યું.
‘ભૈયા મુઝે ભી રબડી ખિલાદે...રોજ રાતે સૂતા પહેલાં રબડી ખાવાનો આપણો નિયમ.....’ રાઘવ બોલ્યો.
રાધાએ કોઇ પ્રતિભાવ આપ્યો નહીં. એ રાઘવ સાથે વાતચીત કરવાના મૂડમાં નહતી....એની સાથે સીધી વાતચીત કરીને માહિતી કઢાવવામાં એને રસ નહતો....એ કામ જગદીશ કરવાનો હતો અને આમેય રાઘવ ચિતરાઇ ચૂક્યો હતો.
‘નારાજ લાગો છો રાધાજી તમે....’ રાઘવે પૂછ્યું.
‘નારાજ શા માટે...? તમે જ તો પેલા સેવકને કહીને રસોઇ ઘરમાં જવાનો મારો માર્ગ મોકળો કરી આપેલો...’ રાધાએ કહ્યું.
‘અરે નહીં રે...એ તો ચુટકી તમાકુની કરામત હતી.’ રાઘવે રબડી ખાતાં કહ્યું. ‘તમારા માટે ચુટકી તમાકુ બહુ કામની ચીજ છે નહીં. દોસ્ત બનાવવા....કોઇની માહિતી મેળવવા....’ રાધા બોલી.
‘જગદીશે કહ્યું લાગે છે તમને....’ રાઘવે પૂછ્યું.
‘હા, તમે એની પાસેથી મારી બધી માહિતી મેળવી છે. હજી કાંઇ બાકી રહી જતું હોય તો મને પૂછો. શું જાણવું છે તમારે મારા વિશે...મને પૂછો...હું કહીશ...’ રાધાએ રોષ બતાવ્યો. રાઘવ કદાચ સમજી પણ ગયો.
‘તમારી સાથે દોસ્તીનો હાથ લંબાવવા જગદીશને પૂછેલું... સોરી તમને ખોટું લાગ્યું હોય તો...’
‘દોસ્તી કરવા માટે જગદીશની મદદ લેવા કરતાં મને સીધું પૂછી શક્યા હોત તમે...’
‘પૂછવામાં જરા સંકોચ થયો....’ રાઘવ બોલ્યો.
‘ઓહ અજાણ્યાને પણ તમાકુની ચપટી આપીને દોસ્તી કરનારાને સંકોચ થયો એ વાત ગળે ઊતરે એવી નથી...’
‘સોરી, કેવું ચાલે છે તમારું પેન્ટિંગનું કામ?’ રાઘવે વાતનો દોર બદલ્યો.
‘સારું....’ રાધા બોલી.
‘દેવીપ્રસાજીના ઘરેથી આવ્યાં પણ ખાલી હાથ. ના કેનવાસ...ના બગલથેલો ના રંગ, ના બ્રશ....’ રાઘવે આંચકો આપ્યો.
‘રોજ રોજ પેન્ટિંગ કરવું જરૂરી નથી હોતું. ક્યારેક પેન્ટિંગ વિશેનું જ્ઞાન લેવું પણ જરૂરી હોય છે.’ રાધાએ કહ્યું.
‘મને પણ બચપનથી પેન્ટિંગનો ઘણો શોખ છે. રાઘવ બોલ્યો.
‘મને પણ બાળપણથી જ શોખ હતો...’ રાધાએ ‘બચપન’ શબ્દની નોંધ લીધી.
‘તમારો ફેવરિટ રંગ કયો...?’ રાધાએ પૂછ્યું.
‘લાલ રંગ. લોહી જેવો લાલચટ્ટક રંગ.’ રાઘવ કુલ્હડ કચરાની પેટીમાં ફેંકતા બોલ્યો.
‘દોનોં રબડી કે પૈસે લે લો ભૈયા....’ રાધાએ કહ્યું.
‘નહીં મેડમ....રાઘવ ભૈયા કા ખાતા ચલતા હૈ.’ રબડીવાળો બોલ્યો.
‘જયગોપાલા રાધાજી....’ રાઘવ બોલીને ચાલતો થયો.
*****
રોના ચીફ રવિ જયસ્વાલ રાતે ડાઇનિંગ ટેબલ પર જમી રહ્યા હતા ને એના બર્નર મોબાઇલ ફોનની ઘંટડી વાગી. ઝડપથી ઊભા થઇને બેડરૂમમાં ગયા. ખિસ્સામાંથી નાનકડો બર્નર મોબાઇલ કાઢીને હેલો કહ્યું.
‘સર, વહાં ટોટલ તીન લોગ હૈ.....શાયદ સ્લીપર સેલ કે કૂછ લોગ ભી જાયેંગે....’
પાકિસ્તાનમાંથી ઓપરેટ કરી રહેલી રોની એસેટે ફોન ઝડપથી કાપી નાખ્યો.
‘હાં, ઉનકે પાસ મર કર જહન્નમ મેં જાનેવાલોં કી કમી નહીં હૈ...’ જયસ્વાલે બબડીને આઇબી ચીફ અભયસિંહ રાઠૌડને કોલ કર્યો.
‘મેરા ડાઉટ સહી નીકલા....કોઇ એક કા કામ નહીં.....ઓર ભી હોંગેં...’ આઇબી ચીફે કહ્યું.
‘હમેં અપને ઓર લોગ ભેજના ચાહિયે...’ જયસ્વાલે સૂચન કર્યું.
‘નહીં...અભી તો બસ રાધે રાધે....’ અભયસિંહ રાઠૌડે ફોન કટ કર્યો.
*******
મધરાતે રાધાનો મોબાઇલ ધ્રૂજ્યો... રાધાએ હેલો કહ્યું.
‘તીન લોગ હૈ....કૂછ ઓર આયેંગેં....’ આઇબી ચીફ બોલ્યા.
‘પ્લાનિંગ ક્યા હૈ....?’ રાધાએ પૂછ્યું.
‘જાનને કી કોશિશ કર રહે હૈ....’ આઇબી ચીફે કહ્યું.
‘સર, ફરીદાબાદ વાલી સ્લીપર સેલ કે પકડે ગયે લોગોં સે પતા નહીં ચલા’. રાધાએ પૂછ્યું.
‘ઉનકી હડ્ડીપસલી એક કર દી....મૂંહ નહીં ખોલા.....શાયદ વો લોગ ભી નહીં જાનતે...’
‘અજમલ અન્સારી કો પકડ કે ઉસકો તોડો.....’ રાધાએ કહ્યું.
‘અજમલ અન્સારી ગાયબ હૈ......ઉસકા નંબર ટ્રેક નહીં હો રહા....’ આઇબી ચીફે કહ્યું.
‘સર, ઉસકો પકડના બહુત ઝરૂરી હૈ.’ રાધા બોલી.
‘તુમ ઇસકી ફિકર મત કરો...તુમ વહાં સંભાલો...’ ફોન કટ થયા.
રાધાએ ડો. અજય બંસલ ઉર્ફ અજમલ અન્સારીને કોલ કર્યો. અજમલનો મોબાઇલ ડેડ હતો.
‘સર, અજમલ કો ઉઠા લેને કી ઝરૂરત થી.....યે ભૂલ શાયદ મહેંગી પડેગી.’ રાધા મનમાં બબડી.
******
પુરોહિત નિયમ મુજબ ગુપ્તાની દુકાને ખાંડ અને ચાની ભુક્કી લેવા ગયો. પુરોહિત રોજ કેટલા કિલો ખાંડ અને કેટલી ચાની ભુક્કી લઇ જાય એની ગુપ્તાને ખબર જ હોય. એને જોઇને શંકર ખાંડ ઝોખવા લાગ્યો. ગુપ્તાનું ધ્યાન ચોપડામાં હતું. પુરોહિતે જોયું કે સામે સાધુ બેઠો નથી.
‘ગુપ્તા, સાધુ નહીં દિખ રહા....?’ એણે નિર્દોષભાવ દર્શાવતા પૂછ્યું.
‘સાધુ તો ચલતા ભલા.....આજ યહાં કલ વહાં.....’ ગુપ્તાએ બેફિકરાઇ બતાવતી મજાક કરી....પણ શંકરના કાન ચમક્યા.
‘સાધુ અલગ અલગ જગહ બૈઠતા હૈ...’ શંકર બોલ્યો.
‘યે સાધુ અલગ હૈ....બોલતા નહીં....ભીખ નહીં માંગતા....કોઇ દેતા હૈ તો તૂંબડી મેં રખવાતા હૈ....’ ગુપ્તાજીએ કહ્યું.
‘ભૂખ લગને પર ભી ભીખ નહીં માંગતા. યે તો બડી ખતરનાક બાત હૈ....મતલબ બડી હૈરાનીવાલી બાત હૈ...’ પુરોહિતે સુધારી લીધું.
******
જગદીશની સામે બેઠેલા રાઘવે પહેલી બે આંગળીથી ડાબા હાથની હથેળી પર ટપલી મારીને ચોળેલી તમાકુની ચપટી ભરી. જગદીશની આંખોમાં જોતાં એને આપી. રાઘવની અદા જોઇ રહેલા જગદીશનો જોવાનો અંદાજ બદલાઇ ગયો હતો.
જગદીશ રાઘવના બોલવાની રાહ જોતો બેઠો હતો.
‘રાધા ખરેખર અહીં દેવીપ્રસાદજી પાસેથી ચિત્રો દોરવાનું શીખવા આવી છે?’ રાઘવે પૂછ્યું.
‘હા, ખુદ દેવીપ્રસાદજીએ પણ મને કહ્યું છે. કેમ શું થયું?’ જગદીશે પૂછ્યું.
‘મને અકડુ લાગી.....ભગવાનનાં ચિત્રો દોરે એ કલાકાર આવા ન હોય....’ રાઘવે કહ્યું.
‘અકડુ લાગતી હોય તો એને પ્રેમ કરવાનું છોડી દે ને. આમેય તારું તો એકતરફી છે.....’ જગદીશ બોલ્યો.
‘મારું એકતરફી શું ચાલે છે એની તને ખબર નથી જગદીશ....’ રાઘવ મનમાં બબડ્યો.
‘જગદીશ, હું જોઉં છું કે તું એની બહુ નજીક પહોંચી ગયો છો....મારે તારી પાસેથી કેટલીક વાત જાણવી છે. તું મારું કામ કરીશ તો હું તને મોઢે માગ્યા પૈસા આપીશ. બોલ તૈયાર છો....?’ રાઘવે કહ્યું.
જગદીશે આવું કદી વિચાર્યું નહતું. પૈસાની ઓફર કરીને શું જાણવું હશે એને. રાઘવે એની સામે ત્રાસવાદી કાવતરાંની કિતાબનું પેલું પાનું ખુલ્લું મુકી દીધું.
‘શું જાણવું છે...?’ જગદીશે પૂછ્યું.
‘આજે દેવીપ્રસાદના ઘરે તમારી વચ્ચે શું વાત થઇ.....? ’(ક્રમશ:)