Fri Apr 17 2026

Logo

ગુજરાતનું બજેટ, હવે નવા વિકાસ મોડલની જરૂર

1 month ago
Author: Mumbaisamachar Team
Article Image

એકસ્ટ્રા અફેરઃ ભરત ભારદ્વાજ

ગુજરાત સરકારનું બજેટ રજૂ થઈ ગયું અને આ બજેટમાં ધ્યાન ખેંચે એવું કશું નથી. પહેલાં રાજ્ય સરકારો પાસે પોતાના આવક સ્રોત ઊભા કરવા માટે અલગ અલગ પ્રકારના કરવેરા નાખવાની સત્તા હતી તેથી કમ સે કમ કરવેરાની જોગવાઈઓના કારણે પણ બજેટ ચર્ચાસ્પદ બનતાં હતાં. જીએસટી આવ્યા પછી રાજ્ય સરકારોની મોટા કરવેરા નાખવાની સત્તા છિનવાઈ ગઈ છે તેથી રાજ્ય સરકારોનાં બજેટ ઓછાં રસપ્રદ બની જ ગયાં છે.  

ગુજરાત તો દારૂબંધીને વરેલું રાજ્ય હોવાથી એક્સાઈઝનો મુદ્દો પણ નથી તેથી વધારે સમસ્યા છે પણ એ છતાં શાસકો વિઝનરી હોય તો બજેટને રસપ્રદ બનાવી શકે કેમ કે દરેક રાજ્યનાં આર્થિક સમીકરણો અલગ અલગ હોય છે. ગુજરાત પણ પોતાની વિશિષ્ટતાઓ ધરાવતું રાજ્ય છે એ જોતાં તેને ધ્યાનમાં રાખીને રસપ્રદ બજેટ બનાવી શકાય પણ આ વરસના બજેટમાં એવું કશું નથી કે જેના કારણે એ રસપ્રદ લાગે. મતબેંકને ધ્યાનમાં રાખીને કરાયેલી જોગવાઈઓમાં પણ એવું કશું નથી કે જેના કારણે રસ પડે કે ચર્ચા પણ કરી શકાય. 

ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા ટેલેન્ટેડ યુવા લોકોનું વિદેશગમન છે કેમ કે ગુજરાતમાં પોતાના માટે કોઈ તક નહીં હોવાનું મોટા ભાગના યુવાનોને લાગે છે. ભારતના બીજા કોઈ રાજ્યમાંથી નહીં જતાં હોય એટલી સંખ્યામાં લોકો વિદેશ જાય છે. આ વાત ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતે જાહેરમાં સ્વીકારેલી છે કેમ કે ગુજરાતમાં વિદેશ જતા યુવાનોમાં સૌથી વધારે પાટીદાર સમાજના જ હોય છે. 

પાટીદાર સમાજ ખાધેપીધે સુખી છે તેથી મોટા ભાગના પરિવારો સંતાનોને વિદેશ જવા માટે જરૂરી ખર્ચ કરવાની ત્રેવડ ધરાવે છે. જે પરિવારોમાં ત્રેવડ ના હોય તેમને સમાજના આગેવાનો મદદ કરે છે તેના કારણે પાટીદારોનો વિદેશ તરફનો પ્રવાહ સતત વધતો જ જાય છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ચરોતરમાં તો ભાગ્યે જ કોઈ એવો પાટીદાર પરિવાર મળશે કે જેમનું કોઈ વિદેશમાં ના રહેતું હોય. પહેલાં સૌરાષ્ટ્રના પાટીદારોમાંથી ઓછા પ્રમાણમાં લોકો વિદેશ જતાં પણ હવે સૌરાષ્ટ્રમાંથી પણ મોટા પ્રમાણમાં વિદેશ તરફ ધસારો જોવા મળે છે તેથી ગુજરાતમાં વિદેશગમન મોટી સમસ્યા છે. 

આ સમસ્યાનું કારણ ગુજરાતનો ભ્રામક વિકાસ છે. ભક્તજનોને આ વાત કડવી લાગશે પણ આ વાસ્તવિકતા છે. ગુજરાતમાં 30 વર્ષના શાસન પછી પણ ભાજપની સરકારો ગુજરાતના યુવાનોને સંતોષ થાય એવો વિકાસ નથી કરી શક્યો. તેના કારણે ગુજરાતના યુવાનો ગુજરાતમાં કોઈ ડિગ્રી લઈને આગળ ભણવા માટે વિદેશ ભાગી જાય છે ને પછી ત્યાં જ સ્થાયી થઈ જાય છે. તેના કારણે ગુજરાતનું યુવા ધન તો હાથથી જાય જ છે પણ પૈસો પણ વિદેશમાં ખેંચાઈ જાય છે.

આ સ્થિતિ બદલવા માટે કોઈ પ્રયત્નો થતા નથી ને આ બજેટમાં પણ એ તરફ કોઈ ધ્યાન જ નથી અપાયું. ઠાલી વાતો બહુ કરાઈ છે પણ નક્કર કશું નથી. હૈદરાબાદ કે બેંગલુરુએ જે રીતે વૈશ્વિક કક્ષાની તમામ આઈટી કંપનીઓને આકર્ષી શકાય એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને આખા દેશના આઈટી સેક્ટરના ટેલેન્ટેડ યુવાઓને પોતાની તરફ આકર્ષવા માંડ્યા એવું કશુંક ગુજરાતમાં પણ થવું જોઈએ. ગુજરાતને ખરેખર એક નવા વિકાસ મોડલની જરૂર છે. 

નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટી બનાવડાવીને એ દિશામાં એક પ્રયત્ન કર્યો પણ એ પ્રયત્ન સફળ થયો નથી. ગિફ્ટ સિટીને સિંગાપોરની જેમ એશિયામાં આંતરરાષ્ટ્રીય ફાયનાન્સ સેક્ટરનું સૌથી મોટું હબ બનાવવાનો મોદીનો ઈરાદો હતો પણ ગિફ્ટ સિટી ભારતમાં પણ ફાયનાન્સ ટેક સેક્ટરનું સૌથી મોટું કેન્દ્ર બની શક્યું નથી. હમણાં ડો. હસમુખ અઢિયાને ખસેડીને ઉદય કોટકને ગિફ્ટ સિટીના ચેરમેન બનાવાયા છે. કોટક શું ચમત્કાર કરી શકે છે એ ભવિષ્ય કહેશે પણ ગુજરાતના યુવા ધનને ભારતમાં બાંધી રાખવા માટે ગિફ્ટ સિટી સક્ષમ નથી જ એ જોતાં બીજા વિકલ્પ વિશે વિચારવાની જરૂર છે. 

ગુજરાત પાસે ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો છે અને ટુરિઝમ માટે જબરદસ્ત તક છે. પ્રવાસન વિકસે તો હોસ્પિટાલિટી બિઝનેસ વિકસે ને યુવાનોને તેમાં રસ પડે છે પણ એ દિશામાં વિચારવાનું વિઝન જ નથી. આપણે રીલિજિયસ ટૂરિઝમની પાછળ હાથ ધોઈને પડેલા છીએ પણ અક્કલના મઠ્ઠાઓને એ વાત સમજાતી નથી કે રીલિજિયસ ટૂરિઝમમાં વિદેશીઓને શું રસ પડે ? વિદેશીઓને છોડો પણ ભારતમાં પણ રીલિજિયસ ટૂરિઝમ સ્થાનિક વિષય છે તેથી બીજાં રાજ્યોનાં લોકોને તેમાં રસ ના પડે પણ શાસકોને આ વાત સમજાતી નથી. રીલિજિયસ ટૂરિઝમના કારણે મંદિરો માલદાર બને છે, યુવાનોને કોઈ ફાયદો થતો નથી એ વાત પણ ગુજરાતના શાસકો સમજતા નથી. 

ગુજરાત પાસે બીજું પણ ઘણું છે. તોતિંગ ડેરી ઉદ્યોગ છે અને ખેતી પણ છે. તેના આધારિત એવાં નવાં સેક્ટર વિકસાવવાં જોઈએ કે જેમાં જંગી પ્રમાણમાં રોજગારી પેદા થાય અને યુવાનોને કંઈક કરવાની તક મળે. ચોકલેટ સહિતનો કન્ફેક્શનરી ઉદ્યોગ કે ટેક્સટાઈલ આધારિત ઉદ્યોગ ગુજરાતમાં વિકસી શકે, પણ શાસકોમાં એવું કોઈ વિઝન જ નથી તેથી કશું નવું કરાતું નથી. આ બજેટમાં પણ એ જ હાલત છે. 

આ બજેટમાં ગુજરાતના એમએસએમઈ સેક્ટરને ફરી બેઠું કરવા માટે પણ કંઈ નથી. ગુજરાતનું અર્થતંત્ર ખેતી, પશુપાલન અને નાના તથા મધ્યમ કદના ઉદ્યોગો એટલે કે એમએસએમઈના કારણે ધીંગું બનેલું છે. ભાજપની સરકારોએ વિકાસના નામે શહેરીકરણ તરફ દોટ મૂકી તેમાં ગામડાં ભાંગી રહ્યાં છે ને ખેતી તૂટી રહી છે. સહકારી ડેરીઓના કારણે પશુપાલન ટક્યું છે પણ એમએસએમઈની હાલત બદતર થઈ રહી છે. 

ગુજરાતમાં માધવસિંહ સોલંકીના સમયમાં દરેક તાલુકા મથકે જીઆઈડીસી બનાવડાવીને નાના-મધ્યમ ઉદ્યોગોના વિકાસને નવી દિશા અપાઈ હતી. આ ઉદ્યોગોના કારણે સ્થાનિક સ્તરે રોજગારી મળતી તેથી લોકો શહેરો તરફ દોટ નહોતા મૂકતા. આ ઉદ્યોગોમાંથી બનતી ચીજોને સ્થાનિક બજાર મળી જતું તેથી તેમને ટકી રહેવામાં મુશ્કેલી નહોતી પડતી. 

ધીરૂભાઈ અંબાણીની રિલાયન્સ કે કરશનભાઈ પટેલની નિરમા જેવા આજે કરોડોની કમાણી કરતી કંપનીઓએ પોતાની શરૂઆત જીઆઈડીસીમાં ફેક્ટરીથી કરી હતી તેના પરથી જ જીઆઈડીસી મોડલની સફળતાનો અંદાજ લગાવી શકાય. ભાજપ સરકારે મોટા ઉદ્યોગો પાછળ દોટ શરૂ કરી તેમાં નાના-મધ્યમ ઉદ્યોગો પતવા માંડ્યા ને અત્યારે ગુજરાતનું એમએસએમઈ સેક્ટર ડચકાં ખાઈ રહ્યું છે પણ બજેટમાં તેના માટે કંઈ જ નથી. 

એકંદરે બજેટ દ્વારા ગુજરાત સરકારે એક ઔપચારિકતા પૂરી કરી પણ ઔપચારિકતાઓ પૂરી કરવાથી અપેક્ષાઓ સંતોષાતી નથી. તેના માટે વિશેષ પ્રયત્નો કરવા પડે ને બજેટમાં એવા કોઈ જ વિશેષ પ્રયત્નો કરાયા નથી.