સર્જકના સથવારે - રમેશ પુરોહિત
ગઝલ સર્જનની પ્રક્રિયા સંકિર્ણ છે. કવિ જે સંવેદના કે વેદના અનુભવે છે તેને અવગણી દેવી સરળ વાત નથી. શબ્દદેહ આપતાં પહેલાં અનેક મથામણમાંથી પસાર થવું પડે છે. ગઝલના છંદની સફાઈ અને મિજાજની આગવી ઓળખ હોવી જોઈએ. આવી પ્રોસેસમાંથી પસાર થઈને સાફસૂથરી ગઝલ લખતા કવિઓમાં એક મહત્ત્વનું નામ છે કવિશ્રી હરજીવન દાફડા. સૌરાષ્ટ્ર પ્રાંતના શાંત ખૂણે આવેલા અમરેલી શહેરમાં એમનો વસવાટ છે અને રમેશ પારેખની સર્જનસૃષ્ટિના નવોન્મેષ એમની મિરાત છે.
અમરેલી જિલ્લાના દેવળિયા ગામે એમનો જન્મ તા. 20-6-1963ના રોજ થયો હતો. એમણે સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક થઈને ગુજરાત પાણી પુરવઠા બોર્ડમાં જોડાયા હતા અને આજે સેવાનિવૃત્ત થઈને આયુર્વેદિક ક્લિનિક ચલાવે છે. કવિ તરીકે એ મનના માણીગર છે અને તનને સ્વસ્થ રાખવા માટે જરૂરી જડીબુટ્ટીના જાણતલ છે. નોકરી કરતાં કરતાં સરસ્વતીની સાધના-આરાધનાને વિસારે પાડ્યા વગર ગઝલ, દોહા, ગીત અને અછાંદસ 1992થી લખે છે. આ સર્જકને પોતાની રચનાઓ પ્રગટ કરવાની ઉતાવળ હોય એમ લાગતું નથી કારણ કે ઠેઠ 2004માં પહેલો ગઝલસંગ્રહ ‘એકરૂપ’ આપે છે. પહેલો સંગ્રહ પ્રગટ થતાં જ સાક્ષરોના પ્રતિભાવો વિવિધ વર્તમાન પત્રો, સામયિકોમાં પ્રગટ થયા હતા. આટલા બધા સાક્ષરોએ પ્રથમ સંગ્રહને સરાહનીય પ્રતિસાદ આપ્યો એ ઘટના કવિના સર્જનની ગુણવત્તા પુરવાર કરે છે.
‘એકરૂપ’ ગઝલસંગ્રહ 2004માં આપ્યા પછી બીજો ગઝલ સંગ્રહ જેનું નામ છે ‘સહેજ પોતાની તરફ’ આપે છે. હરજીવનભાઈએ આપણા પરંપરાના સમર્થ ગઝલકાર ‘આસિમ’ રાંદેરીની પ્રતિનિધિ ગઝલોનું સંપાદન કર્યું છે. આ કવિનો માયલો ગિરનારી છે અને અભિવ્યક્તિ એકધારી છે. સરળતા બહુ મોટો ગુણ છે. સ્પષ્ટ અને સરળ લખવું સહેલું નથી. તેઓ અત્યારે કબીરના ભજનો અને ગંગસાહેબ સહિત અગ્રગણ્ય ભક્તોના ભજનોનું સંપાદન કરી રહ્યા છે. આ ઉપરાંત દાસી જીવણના સમગ્ર ભજનો અને જીવન-વિષયક સંશોધન ચાલુ છે.
‘સહેજ પોતાની તરફ’ ગઝલસંગ્રહ વિશે કવિશ્રી સ્નેહી પરમારે જે પ્રતિભાવ લખ્યો છે તે કાબિલે દાદ છે, લગભગ બધા પાસાંઓને આવરી લે છે જે આ મુજબ છે:
એક છે ભવ્ય, રમ્ય બીજું છે
તું શું પહેલું વિચાર બેમાંથી
‘ભવ્ય-રમ્ય’ના વિકલ્પે ભાવકને વિચારતો કરી મૂકવો એ કંઈ નાનુંસૂનું કામ નથી. હરજીવનની કવિતા પાસે આવા અનેક વિકલ્પો છે અને એમાં ભાવુકને રમમાણ રાખવાની હથોટી હરજીવનને સહજ છે. જો કે ‘રમ્ય’ અથવા ‘ભવ્ય’ બેમાંથી એક હોય તો પણ કવિતા નભી જતી હોય છે. કવિ હરજીવન દાફડાની કવિતામાં રમ્ય ભાવ સાથે ભવ્ય વિચારની સંગતિ છે, પોતીકી શૈલી અને નમણી પદાવલીથી શ્રી હરજીવન દાફડાની કલમ અરઘે છે. આ કવિ ગઝલની ચાલને બરાબર પારખે છે. પણ તેને ચાલવા માટેનો માર્ગ ખુદ મુકરર કરી આપે છે. એટલે એમની ગતિ સંયમિત છે. એમ પણ કહી શકાય કે તેમની ગતિ ધીમી છે અને એટલે જ વીસ વર્ષ જેવા લાંબા ગાળા બાદ તેમનો બીજો ગઝલ સંગ્રહ આવે છે. પણ આ ‘ધીમુ’ હોવું તે તેમનો સર્જનવિવેક છે. કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘એકરૂપ’ની ગઝલોને કાવ્યરસિકો અને મર્મજ્ઞોએ ખૂબ પોંખી છે. પોતાની આગવી શૈલી અને પોતીકા ભાવવિશ્ર્વને કારણે આ કવિએ પોતાની ગઝલોને ચાહનારો એક ખાસ વર્ગ ઊભો ર્ક્યો છે અને આજ પર્યંત જાળવી રાખ્યો છે. હરજીવનનું ગઝલ પટોળું બહુરંગી છે. એમાં પ્રેમ પણ છે, અધ્યાત્મ પણ છે. અભાવ પણ છે, સભરતા પણ છે, પરંતુ આ પ્રેમ ‘વાણીમાં વરતાઈ જવાનો’ પ્રતીતિમૂલક ઉદ્ધોષ કરનાર પ્રેમ છે. આ અધ્યાત્મ દૃશ્ય- દૃષ્ટિ- દૃષ્ટાના ત્રિવેણીસંગમે આવતો જીવન વાસ્તવ છે. આ કવિ સભરતાને ‘પસલીભર’થી પ્રમાણતા અને ફળ-વિહીન ફેલાવવાના ફુગ્ગા સામે કવિતાની ટાંકણી ઊભી રાખતા કવિ છે. શ્રી હરજીવન દાફડા વિશ્ર્વને પ્રેમનું પટોળું ધારે છે અને એટલે એમની કવિતા એકમાર્ગીય સંકડાશમાં અથડાવાને બદલે વિરાટ પટોળાની નાનકડી રમ્ય કિનાર બનવા, સહેજ પોતાની તરફ ખસેલી સર્જકપ્રજ્ઞા છે.’
હરજીવનભાઈની ભાષા પણ પટોળાની ભાત જેવી છે. એમાં અવળ-સવળ ટાંકાઓનું ભરત કામ છે. ભજનનુમા ગઝલની નજદીક લઈ જતી ગઝલમાં પ્રયોજાયેલી ભાષાનાં થોડાં ઉદાહરણો જોઈએ:
પટમાંથી ઘટમાં જઈ પાછાં પટમાં દરસે
ધરતીઢંકાં બીજ ફરીને વટમાં દરસે
સો સૂરજનું અજવાળું પણ ઓછું લાગે
એવી ઝળહળ આભા એની લટમાં દરસે
પરંપરાની દૃષ્ટિએ ગઝલની એક નોખી-અનોખી ભાષા હોય છે. ઉર્દૂ, હિન્દી અને ગુજરાતીમાં ગઝલની ભાષા ઉપર ઘણી ગઝલો લખાઈ છે. આધુનિક કે નવીન ગઝલમાં ફક્ત પ્રેમ, વિરહ, વેદના કે મિલન મોકાની વાત નથી પણ વિષય વાસ્તવિક હોય છે અને રોજબરોજની બોલચાલની ભાષા હોય છે. આમ છતાં ભજનમાં યોગ્ય લાગે એવા શબ્દો હવે પ્રયોજાય છે અને મારા મતે એ ગઝલ જેવા કાવ્ય પ્રકાર માટે ઉપકારક નથી જેમ કે આ કવિની ભાષા વિશે વાત કરતા આવા શબ્દો સહજ નોંધાય જાય છે. દા.ત. સૂલટ-ઊલટ, ટીલાં, ટપકાં વગેરે. આવા પ્રસંગો બહુ ઓછા છે પણ ગઝલની ભાષાની વાત આવે ત્યારે અત્યારની પરિસ્થિતિનો આ ઉલ્લેખ જરૂરી છે. ગઝલ અગઝલ બની રહી છે ત્યારે હરજીવનભાઈ જેવા સાધક પોતાની ધૂણી ધખાવીને ગઝલને કહેવાની રીત બદલાવી રહ્યા છે એ નોંધપાત્ર પ્રદાન છે. ગઝલમાં ચિત્કાર છે તો ડોલવાનું પણ છે પરંતુ કવિ કહે છે કે આ બે કામ સાથે કેવી રીતે કરી શકાય? ગઝલની આ સાચી વ્યાખ્યા છે, શેર આ પ્રમાણે છે:
ડોલવું છે પણ હીબકવું સાથમાં કેવી રીતે
ગીત અને ચિત્કાર વચ્ચે સાંકળી દીધો મને.
વિરોધાભાસ ગઝલની નિત્યનવીન ઉન્મેષ છે અને આવા અભિગમથી જ ગઝલ બને છે. હરજીવનભાઈના કેટલાક મને ગમેલા શેરનું રસપાન કરીએ:
કોઈને આમ સમજાયો કોઈને તેમ સમજાયો
અઢી અક્ષર હતા તોયે ન પૂરો પ્રેમ સમજાયો
વિશ્ર્વને પ્રેમનું પટોળું કર,
ને એની રમ્ય કર કિનાર મને
પ્રેમ ચડ્યો પસલીભર જેને
વાણીમાં વરતાઈ જવાના
હશે એકત્વમાં કંઈ પણ કસર
પ્રણયમાં બે જણા ચર્ચાય છે.
કોઈની જાતિ લખાતી હોય ના,
એક-બે એવી અહીં શાળા કરું
અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો,
ભીતરના અંધારામાંથી નીકળવું છે
શબ્દોમાં એ ભાત ન આવી
કરવી’તી એ વાત ન આવી.
ફોટામાં એક માણસ આવ્યો
એની કોઈ જાત ન આવી
કોઈ સાધુ ફકીરને ઓળખ,
એ પ્રથમ આ શરીરને ઓળખ
કોની છે આવજાવ તે કોઈ ન જાણતું
કોનો છે આ પડાવ તે કોઈ ન જાણતું
ઝંખી રહી છે આંખ સૌ એના દીદારને
શેનો હતો લગાવ તે કોઈ ન જાણતું
ભાત જુદી પણ ભીતરનો આકાર ખરેખર એક જ છે
વિધવિધ ચહેરા હોય ભલે અણસાર ખરેખર એક જ છે
બરછટ ત્વચાનું કોચલું તોડી ને છેવટે
ભીતર ગયેલું મન કદી પાછું ફર્યું નહીં
પોતાના દેહથી અજબ પ્રીતે હોય છે
પ્રત્યેક જીવ એટલે ભયભીત હોય છે
અંતરમાં કંઈ ઓર ને બીજી વાત કરે છે
સાચેસાચી માણસ ક્યાં રજૂઆત કરે છે
સાફસૂથરી સાવ લખવી હોય જીવનની કથા,
એમણે વરવી હકીકત ક્યાંક છાવરવી પડે
અહીં તો કોઈ પારખું નજરનું કામ હોય છે
મણિ તો ક્યાંક નીકળે સ્ફટિક છે ઘણું ખરું
કદી એકલાને જવા દે ન ક્યાંયે
ને સંગાથમાં દુ:ખને મોકલે છે
એકલતાના આધારે ઊભું’તું જીવન
સહેજ અડ્યો સહવાસ અને થઈ જોયા જેવી
અનેક યત્નથી મને નિહાળવા મથું છું પણ
અજાણતા રહી ગયેલ હર કચાશમાં છું હું
અનેરી ને સૌથી જુદી ભાત છે
અમારાં જગતની અલગ વાત છે.