Fri Apr 17 2026

Logo

ફેવરિટ સાઉથ આફ્રિકાના 8/169 બાદ કિવીઓના માત્ર 12.5 ઓવરમાં 1/173...

1 month ago
Author: Ajay Motiwala
Article Image

PTI


ફિન ઍલનની ફટકાબાજીથી ન્યૂ ઝીલૅન્ડની બીજી વખત ફાઇનલમાં ફાસ્ટ એન્ટ્રી

કોલકાતાઃ ન્યૂ ઝીલૅન્ડે બુધવારે અહીં ઈડન ગાર્ડન્સમાં સાઉથ આફ્રિકાને સેમિ ફાઇનલમાં નવ વિકેટે કચડીને રવિવારની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 2026ના ટી-20 વર્લ્ડ કપની શરૂઆતથી સાઉથ આફ્રિકા ટ્રોફી જીતવા માટે ફેવરિટ હતું, પરંતુ કિવીઓએ ઈડન ગાર્ડન્સની સેમિ ફાઇનલમાં આફ્રિકનોના પ્રભાવનો કચરો કરી નાખ્યો હતો. સાઉથ આફ્રિકાએ બૅટિંગ મળ્યા બાદ આઠ વિકેટે 169 રન કર્યા હતા. ન્યૂ ઝીલૅન્ડે ઓપનર ફિન ઍલનની અણનમ સેન્ચુરી (100 અણનમ, 33 બૉલ, આઠ સિક્સર, દસ ફોર)ની મદદથી ફક્ત 12.5 ઓવરમાં (43 બૉલ બાકી રાખીને) 1/173 રનના સ્કોર સાથે શાનદાર વિજય મેળવી લીધો હતો.

ફિન ઍલન (Finn Allen) અને સાથી ઓપનર ટિમ સિફર્ટ (58 રન, 33 બૉલ, બે સિક્સર, સાત ફોર) વચ્ચે 117 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. એ વિક્રમી ભાગીદારીએ જ સાઉથ આફ્રિકાની બોલિંગ લાઇન-અપને નેસ્તનાબૂદ કરી હતી. સિફર્ટની પ્રથમ વિકેટ પડ્યા બાદ ઍલને રચિન રવીન્દ્ર (13 અણનમ, 11 બૉલ, બે ફોર) સાથે 53 રનની અતૂટ ભાગીદારી કરીને કિવીઓની નૌકા પાર પાડી હતી.

પાંચ બોલર કિવીઓ સામે નબળા પડ્યા

સાઉથ આફ્રિકા (South Africa)નું પાંચ બોલર્સનું આક્રમણ સાવ બુઠ્ઠું સાબિત થયું હતું. એકમાત્ર વિકેટ કૅગિસો રબાડાને મળી હતી. બૅટિંગમાં અણનમ પંચાવન રન કરીને ઝળકેલો માર્કો યેનસેન 53 રનમાં એકેય વિકેટ નહોતો લઈ શક્યો. કૉર્બિન બૉશ્ચ, લુન્ગી ઍન્ગિડી અને કેશવ મહારાજ પણ વિકેટ વિનાના રહ્યા હતા.

યેનસેનના પંચાવન પાણીમાં

એ પહેલાં, સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન કર્યા હતા. માર્કો યેનસેન (પંચાવન રન, 30 બૉલ, પાંચ સિક્સર, બે ફોર) આ ઇનિંગ્સનો સૂત્રધાર હતો. જોકે તેના પંચાવન રન છેવટે પાણીમાં ગયા. તેની ફટકાબાજીએ જ 2024ની રનર-અપ ટીમને 150-પ્લસનો સન્માનજનક સ્કોર અપાવ્યો. સામા છેડે કિવીઓની ટીમના સ્પિનર અને પેસ બોલર્સ બન્નેએ સાઉથ આફ્રિકાની ટીમ પર હલ્લો બોલાવ્યો હતો. સ્પિનર કોલ મૅકોન્કિ તથા રચિન રવીન્દ્રએ બે-બે વિકેટ અને પેસ બોલર મૅટ હેન્રીએ બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ પેસ બોલર લૉકી ફર્ગ્યુસન અને પીઢ જેમ્સ નીશૅમે લીધી હતી.

PTI

મૅકોન્કિ, રચિન શરૂઆતમાં ત્રાટક્યા

પહેલા 12 રનમાં સાઉથ આફ્રિકનોએ બે વિકેટ ગુમાવી અને એ બન્ને વિકેટ ઑફ સ્પિનર કોલ મૅકોન્કિએ લીધી હતી. ત્યાર પછી ભારતીય મૂળના લેફ્ટ-આર્મ સ્પિનર રચિન રવીન્દ્રએ માર્કરમની ટીમની ખબર લેવાની શરૂઆત કરી હતી. તેણે બે ઓવરમાં સફળ ઓપનર એઇડન માર્કરમ (18 રન) અને ડેવિડ મિલર (છ રન)ની બહુમૂલ્ય વિકેટ લીધી ત્યાર પછી જેમ્સ નીશૅમે પેસનો પાવર બતાવ્યો હતો. તેણે મુખ્ય આક્રમક બૅટ્સમૅન ડેવાલ્ડ બ્રેવિસ (34 રન, 27 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ને કૅપ્ટન સૅન્ટનરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ટ્રિસ્ટેન સ્ટબ્સે ફક્ત 29 રન કર્યા હતા, પરંતુ તેણે અણનમ બૅટ્સમૅન યેનસેન સાથે 73 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી.

મૅટ હેન્રી નવજાત બાળકનું મોઢું જોઈને પાછો આવ્યો

ન્યૂ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર મૅટ હેન્રી તાજેતરમાં સુપર-એઇટ રાઉન્ડના છેવટના તબક્કામાં ટીમ મૅનેજમેન્ટની રજા લઈને સ્વદેશ પાછો ગયો હતો. તેની પત્નીએ બાળકને જન્મ આપ્યો હતો અને હેન્રી બાળકનું મોઢું જોયા બાદ ગણતરીના દિવસોમાં ભારત પાછો આવી ગયો અને સેમિ ફાઇનલમાં મૅચ-વિનિંગ રમ્યો હતો. તેણે 34 રનમાં કૉર્બિન બૉશ્ચ (બે રન) અને કૅગિસો રબાડા (0)ની વિકેટ લીધી હતી.