સુરતઃ બકરી ઈદ પહેલા સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. બકરા મંડીમાં નકલી નોટોથી બે બકરી ખરીદી હતી. રાજસ્થાનથી બકરા વેચવા આવેલા એક કારોબારી સાથે સુરતમાં આ ઘટના બની હતી. લિંબાયતમાં રહેતા ચાર લોકોએ મળીને રાજસ્થાનના કારોબારીને નકલી 25 હજાર રૂપિયા આપીને બે બકરી ખરીદી હતી.
નકલી નોટ લઈને બકરી વેચનારા રાજસ્થાનના કારોબારીએ જયારે બીજા દિવસે એક સરખી જ સીરિયલ નંબર ધરાવતી નોટો જોઈ ત્યારે ઠગાઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. જે બાદ તેણે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની ગંભીરતાને જોતાં તપાસ શરૂ કરી હતી અને થોડી જ વારમાં ઘટનામાં સામેલ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
સૂરતના સચિન પોલીસ સ્ટેશન હેઠળ આવતા પલસાણા ટી પોઈન્ટ વિસ્તારમાં ઓવરબ્રિજ નીચે બકરી ઈદ નિમિત્તે બકરા મંડી ભરાય છે. આ મંડીમાં દૂર-દૂરથી લોકો પોતાના બકરા-બકરી વેચવા માટે આવે છે. 17 મે 2026ના રોજ ફરિયાદી 35 વર્ષીય ભંવરલાલ જયચંદ ભાગરિયા,બકરા વેચવા માટે આવ્યા હતા. તે જ સમયે ત્યાં ત્રણ વ્યક્તિઓ મોહમ્મદ ઉલ્ફત શેખ, નાઝિર અંસારી અને રઈસ સિદ્દીકી આવ્યા હતા. તેમણે ફરિયાદી સાથે પ્રતિ બકરા દીઠ રૂ. 25,000 ના હિસાબે રૂ. 50,000 માં બે બકરા ખરીદવાનો સોદો નક્કી કર્યો હતો. તેના બદલામાં તેઓએ ફરિયાદીને 500 ના દરની 100 નોટો આપી હતી અને બકરા લઈને ચાલ્યા ગયા હતા.
બકરા વેચવાના બીજા દિવસે જ્યારે ફરિયાદી ભંવરલાલ ભાગરિયાએ તે નોટોની તપાસ કરી, ત્યારે તેમને કેટલીક નોટોના સિરીયલ નંબર એક સરખા દેખાયા હતા. ધ્યાનથી જોતા ખબર પડી કે તેમાંથી 97 નોટો સંપૂર્ણપણે નકલી હતી જ્યારે માત્ર 3 નોટો જ અસલી હતી. આ પછી ફરિયાદીએ તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, જેના આધારે સચિન પોલીસ સ્ટેશને આરોપીઓને તાત્કાલિક પકડવા માટે ટીમોની રચના કરી હતી.
સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફે ગુપ્ત માહિતીના આધારે જાળ બિછાવી હતી અને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ ઉલ્ફત શેખ, નાઝિર અંસારી, રઈસ સિદ્દીકી અને મોહમ્મદ જમાલ અબ્દુલ સત્તાર શેખનો સમાવેશ થાય છે.