ભરત ભારદ્વાજ
અત્યાર લગી ઓલ ઈઝ વેલની આલબેલ વગાડ્યા કરતી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અંતે સ્વીકાર્યું કે, અમેરિકા-ઈઝરાયલના ઈરાન પરના આક્રમણને કારણે દુનિયાભરમાં ક્રૂડ ઓઈલની તંગી વર્તાઈ રહી છે અને ભારતમાં પણ સ્થિતિ વિકટ છે. મોદીએ એ પણ સ્વીકાર્યું કે, યુદ્ધના કારણે ભારતના વેપારને અસર થઈ છે કેમ કે વ્યાપારના માર્ગો પ્રભાવિત થઈ રહ્યા છે.
નેચરલ ગેસ અને તેલ જેવી જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો છે અને ફર્ટિલાઇઝર પણ ભારતમાં પૂરતા પ્રમાણમાં નથી આવી રહ્યા. હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતનાં જહાજો અને ભારતીય ક્રૂ ફસાયેલા છે. મોદીએ એવો દાવો પણ કર્યો કે, ભારતે ક્રૂડ ઓઇલનો પુરવઠો સતત મળે એવી વ્યવસ્થા ગોઠવી છે. ભારતમાં એલપીજીનું ઉત્પાદન વધારવાનું કામ ચાલુ છે અને લોકો વધારે પ્રમાણમાં પીએનજી તરફ વળે એ માટેના પ્રયત્નો પણ ચાલુ છે.
મોદીએ રાજ્યસભામાં કરેલી વાતો તેમની સરકારના અગાઉના વલણથી વિરોધાભાસી છે કેમ કે, અત્યાર લગી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો લોકોને સતત સધિયારો આપ્યા કરતી હતી કે, આપણી પાસે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ છે જ તેથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. પેટ્રોલ-ડીઝલ અને ગેસની તંગીની વાતો અફવાઓ છે તેથી અફવાઓથી દોરવાઈને લોહીઉકાળા કરશો નહીં. મોદીએ હવે લોકોને રિયાલિટી ચેક આપી દીધું તેના કારણે ઘણાંને આંચકો લાગ્યો છે પણ મોદીનું વલણ યોગ્ય છે કેમ કે લોકોને વાસ્તવિકતાથી વાકેફ કરવી જરૂરી છે.
મોદીનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે પેટ્રોલ પંપોની બહાર લાઈનો લાગી રહી છે, લોકો ગેસના બાટલા લેવા માટે પણ દોડધામ કરી રહ્યા છે. જેમની પાસે મહિનો ચાલે એટલો એલપીજી છે એ લોકો ઊંચા ભાવ આપીને પણ બબ્બે ત્રણ-ત્રણ બાટલા ખરીદીને સંગ્રહ કરી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલમાં તો વધારે સંઘરાખોરી શક્ય નથી છતાં જે લોકો રોજનું પચાસ-સો રૂપિયાનું પેટ્રોલ ભરાવીને ગાડું ગબડાવતા હતા તે લોકો પણ ટાંકીઓ ફુલ કરાવી રહ્યા છે.
આ દોડાદોડીનું કારણ એ છે કે, લોકોને અત્યાર સુધી સરકારે કરેલી વાતો પર જરાય ભરોસો નથી. લોકોને સરકાર પર ભરોસો નથી તેનું કારણ સત્તામાં બેઠેલા લોકોની સાવ તળિયે ગયેલી વિશ્વસનિયતા છે. ભારતીયોની માનસિકતા રઘવાટ કરવાની છે અને બહુમતી લોકો એકલપેટા છે તેના કારણે પણ સમસ્યા છે જ પણ મુખ્ય કારણ તો સરકાર પર અવિશ્વાસ છે.
અત્યારે મોટા ભાગના લોકો કોરોનાકાળ વખતે કેન્દ્ર સરકારે કરેલી વાતોને યાદ કરીને એવું જ કહે છે કે, સરકારનો જરાય ભરોસો કરવા જેવો નથી. કોરોનાકાળ વખતે આ સરકાર એવું કહ્યા જ કરતી હતી કે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ને સરકારે બધી વ્યવસ્થા કરી છે પણ કોરોનાના કેસો ધડાધડ વધવા માંડ્યા પછી સરકારે હાથ અધ્ધર કરી નાંખેલા. હોસ્પિટલોમાં પથારીઓ ખૂટી પડેલી ને લોકો નીચે પડીને તરફડતાં હતાં છતાં સરકારો કશું કરી શકતી નહોતી.
કોરોનાની બીજી લહેર વખતે તો ઓક્સિજનના મુદ્દે થયેલા કડવા અનુભવોને લોકો કદી નહીં ભૂલી શકે કેમ કે હજારો પરિવારાએ તેની કિંમત પોતાનાં સ્વજનોને ગુમાવીને ચૂકવી છે. એ વખતે પણ સરકાર એવું જ કહ્યા કરતી હતી કે, ઓક્સિજનની જરાય તંગી નથી અને જેમને જેટલો જોઈએ એટલો ઓક્સિજન મળી જશે.
ખરેખર લોકોને ઓક્સિજનની જરુર પડી ત્યારે સરકાર કશું ના કરી શકી ને વાતો વાતો જ રહી ગઈ હતી. ઓક્સિજનના અભાવે લોકો ટપોટપ મરી રહ્યાં હતાં ને તેમનાં સ્વજનો લાચાર થઈને દરવાજે દરવાજે ઠોકરો ખાતાં હતાં. લોકોને એ વખતે ભાન થયેલું કે સત્તાધીશોની વાતો પર ભરોસો ના થાય ને એ લોજિક લોકો અત્યારે લગાવી રહ્યાં છે.
આ વખતે પણ સરકારે લોકોને ઠાલાં આશ્વાસનો આપ્યાં તેના કારણે સરકાર પરનો ભરોસો ડગ્યો છે. યુદ્ધ શરૂ થયું ત્યારે સરકાર કહેતી હતી કે, ગેસની ચિંતા કરવાની જરૂર નથી પણ અત્યારે ગેસની તકલીફ છે જ. રાંધણગેસની તકલીફ હજુ ઊભી થઈ નથી પણ ઈન્ડસ્ટ્રિયલ અને કમર્શિયલ ગેસની તંગી ઉભી થઈ જ ગઈ છે. ગેસના અભાવે સંખ્યાબંધ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ તેનું સાવ પાસેનું ઉદાહરણ છે. રેસ્ટોરાં અને હોટલોને પણ ગેસ નથી મળી રહ્યો.
પાંચ-પાંચ હજાર રૂપિયા ખર્ચવા છતાં ગેસનો બાટલો નથી મળતો એવી રાડારાડ થઈ જ રહી છે. તેના કારણે પણ પેટ્રોલ અને ડીઝલના મામલે સરકારની ખાતરી પર કોઈ ભરોસો કરતું નથી. સૌને એમ જ છે કે, સરકાર પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે ડાહી ડાહી વાતો કરે છે પણ આપણા વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ખૂટશે ત્યારે સરકાર ભરી નથી આપવાની તેથી આપણે અત્યારથી સાબદા થઈ જઈએ એમાં જ આપણી ભલાઈ છે. ચેતતા નર સદા સુખી. ખેર, નથી આપણે લોકોની માનસિકતા બદલી શકવાના કેે નથી સરકારની વિશ્વસનિયતા સુધારી શકવાના પણ મોદીની કબૂલાતના કારણે સરકારની વિશ્વસનિયતા સુધરે એવી આશા રાખીએ.
મોદી સરકારે વાસ્તવવાદી બનવાની સાથે થોડાંક એવાં પગલાં લેવાની જરૂર છે કે જેના કારણે લાઈનો લાગતી બંધ થાય. આ લાઈનો લાગે છે તેનું કારણ એ છે કે, લોકોને ઘરેથી નોકરી-ધંધાના સ્થળે જવું પડે ત્યારે પેટ્રોલ-ડીઝલ નહીં હોય તો આપણે રઝળી પડીશું તેની ચિંતા છે. આ ચિંતા દૂર કરવા સરકારે ઠાલા સધિયારા આપવાના બદલે શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમનો અમલ કરાવવો જોઈએ, સ્કૂલ-કોલેજોમાં મિનિ વેકેશન જાહેર કરી દેવું જોઈએ.
કેટલાક લોકો લોકડાઉન કરી દેવાની વાતો કરે છે પણ એટલા આકરા થવાના બદલે આ પ્રકારનાં બે-ત્રણ નાનાં નાનાં પગલાંથી જ ફરક પડી જશે. લોકો ઘરે રહીને કામ કરશે કે છોકરાં સ્કૂલ-કોલેજ નહીં જાય તો પેટ્રોલ-ડીઝલ ઓછાં વપરાશે અને વાહનોની ટાંકી ભરેલી હશે તો લોકો નવું ખરીદવાની ચિંતા નહીં કરે.
પેટ્રોલ-ડીઝલની તંગી ઊભી થાય તો પણ આપણે પહોંચી વળીશું એવો લોકોને ભરોસો બેસશે તેથી લાઈનો આપોઆપ બંધ થઈ જશે. અમેરિકા ઢીલું પડ્યું છે એ જોતાં બહુ જલદી યુદ્ધ બંધ થાય એવી પ્રબળ શક્યતા છે તેથી એકાદ અઠવાડિયાં માટે પણ આ પ્રકારનાં પગલાંથી બધી આશંકાઓ દૂર થઈ જશે.
આ બહુ સામાન્ય પગલાં છે પણ આ પ્રકારની જાહેરાતોથી સરકાર સ્થિતિને બેકાબૂ બનતાં રોકી ના શકી ને પહેલાં લોકોને બેવકૂફ બનાવેલા એવી છાપ પડે તેથી સરકાર આ પગલાં લેતાં ખચકાતી હશે. સરકારે આ ખચકાટ દૂર કરીને લોકોના હિતમાં વિચારવું જોઈએ. દરેક મુદ્દાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવવાના બદલે ક્યારેક પ્રેક્ટિકલી વર્તવામાં કશું ખોટું નથી.