નવી દિલ્હીઃ સોમવારે ગુવાહાટીમાં ચેન્નઈ સામેની આઇપીએલ-મૅચમાં રાજસ્થાનના 15 વર્ષની ઉંમરના આક્રમક ઓપનર વૈભવ સૂર્યવંશી (17 બૉલમાં બાવન રન)એ હાફ સેન્ચુરી માત્ર 15 બૉલમાં પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી પૂરી કરીને ગયા વર્ષની આઇપીએલની જેમ નાની ઉંમરે પીઢ બૅટ્સમૅન જેવી પોતાની કાબેલિયત બતાવી દીધી એ સાથે તેના પર પ્રશંસાની વર્ષા થઈ છે અને ખાસ કરીને ભૂતપૂર્વ ખેલાડીઓ પીયૂષ ચાવલા (PIYUSH CHAWLA) તેમ જ અંબાતી રાયુડુ Ambati Rayudu)એ એક જાણીતી ક્રિકેટ-વેબસાઇટ સાથેની વાતચીત દરમ્યાન એવી માન્યતા વ્યક્ત કરી છે કે વૈભવ થોડા જ સમયમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકશે. ત્રીજા ભૂતપૂર્વ ખેલાડી સંજય બાંગડે પણ ઉત્સાહજનક શબ્દો સાથે વૈભવ (Vaibhav)ના ખૂબ વખાણ કર્યા છે.
ટીનેજર વૈભવે 27મી માર્ચે જીવનના 15 વર્ષ પૂરા કર્યા હતા અને એ સાથે તે ભારતીય ટીમ માટે રમવાલાયક બન્યો છે. તેણે સોમવારે આક્રમક બાવન રન કર્યા હતા. રાજસ્થાનના જોફ્રા આર્ચર, નૅન્ડ્રે બર્ગર અને રવીન્દ્ર જાડેજાની બે-બે વિકેટ તેમ જ નવોદિત પેસ બોલર બ્રિજેશ શર્મા, સંદીપ શર્મા અને રવિ બિશ્નોઈની એક-એક વિકેટને કારણે ચેન્નઈની ટીમ માત્ર 127 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. વૈભવે 305.88ના સ્ટ્રાઇક-રેટથી બાવન રન કરીને તેમ જ અણનમ 38 રન કરનાર યશસ્વી જયસ્વાલ સાથે 75 રનની ભાગીદારી કરી હતી. રાજસ્થાને 12.1 ઓવરમાં બે વિકેટે 128 રન કરીને આસાનીથી મૅચ જીતી લીધી હતી. વૈભવ સહિતના રાજસ્થાની બૅટ્સમેનોએ મૅટ હેન્રી, ખલીલ અહમદ, નૂર અહમદ, અંશુલ કમ્બોજ, જૅમી ઓવર્ટન અને મૅથ્યૂ શૉર્ટનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો. વૈભવ 2025ની આઇપીએલમાં 35 બૉલમાં સેન્ચુરી પૂરી કરીને યંગેસ્ટ તથા ફાસ્ટેસ્ટ ભારતીય સેન્ચુરિયન બન્યો હતો.

કોણે વૈભવ વિશે શું કહ્યું?
પીયૂષ ચાવલાઃ વૈભવ સૂર્યવંશી બહુ જલદી ઉપલા સ્તર પર રમતો જોવા મળવો જોઈએ. આઇપીએલની આ જ ખાસિયત છે. વૈભવ 15 વર્ષની નાની ઉંમરે વિશ્વ સ્તરીય ખેલાડીઓનો શાનદાર રીતે સામનો કરી રહ્યો છે. તે અત્યારે જ કલાકે 140.00-પ્લસ કિલોમીટરની ઝડપવાળા બૉલનો સામનો કરી રહ્યો છે એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે તેના માટે આ કોઈ નવી વાત નહીં હોય.
અંબાતી રાયુડુઃ નિશ્ચિતપણે કહી શકાય કે વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટેની દોડમાં જોડાઈ ગયો છે. તે એવો પ્રતિભાશાળી ખેલાડી છે જે દેશના બીજા ઘણા યુવાન ખેલાડીઓ કરતાં એક સ્તર ઉપર છે. તે ભારત વતી જરૂર કમાલ કરશે. તેને ક્યારથી આ કમાલ દેખાડવા મળશે એ હાલમાં કહી ન શકાય, પણ ભવિષ્યમાં જરૂર જોવા મળશે. તે જે આઝાદીથી ફટકાબાજી કરી રહ્યો છે એના પરથી સાબિતી મળે છે કે આરઆરના મૅનેજમેન્ટે શાનદાર કામ કર્યું છે અને વૈભવ માટે સ્થિતિ જટિલ નથી બનવા દીધી. તેના શૉટ-મેકિંગ તેમ જ 15 વર્ષની નાની ઉંમરે જે સહેલાઈથી બોલર્સ પર આક્રમણ કરે છે એ અલ્કલ્પનીય છે. મને લાગે છે કે તેને થોડા જ સમયમાં ટીમ ઇન્ડિયાનું તેડું આવશે. તે દબાણની સ્થિતિમાં પણ મગજ શાંત રાખીને રમે છે. જોકે ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ટી-20 ટીમમાં જગ્યા બનાવવી આસાન કામ નથી, કારણકે બે-ત્રણ ખેલાડી સતત સારું પર્ફોર્મ કરી રહ્યા હોવાથી સિલેક્ટર્સના ધ્યાનમાં છે જ અને તેઓ રેસમાં વૈભવથી આગળ કહેવાય.
સંજય બાંગડઃ વૈભવે આઇપીએલ-2026માં પહેલી જ મૅચમાં વર્લ્ડ ક્લાસ બોલર્સની ખબર લઈ નાખી એ જ બતાવે છે કે તેનામાં કેટલી બધી સ્પેશ્યલ ટૅલન્ટ છે અને તે નિર્ભય ખેલાડી છે. ખાસ કરીને તેણે ચાર વર્લ્ડ ક્લાસ બોલર મૅટ હેન્રી, ખલીલ અહમદ, નૂર અહમદ અને અંશુલ કમ્બોજનો હિંમત અને સમજદારીથી સામનો કર્યો હતો.
હવે અમદાવાદવાસીઓ માણશે વૈભવની ફટકાબાજી
રાજસ્થાન રૉયલ્સની આગામી મૅચ શનિવાર, ચોથી એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાશે. શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મૅચ જોવા આવનારા લગભગ એક લાખ જેટલા પ્રેક્ષકોને વૈભવ સૂર્યવંશીની આતશબાજી જોવાનો મોકો મળશે. જોકે આ ટીમનો બીજો ઓપનર યશસ્વી જયસ્વાલ તેમ જ કૅપ્ટન રિયાન પરાગ અને ધ્રુવ જુરેલ સહિતના રાજસ્થાની ટીમના બૅટ્સમેનો પણ ધમાકેદાર પર્ફોર્મ કરવા માટે કાબેલ છે. ખાસ કરીને યશસ્વીએ સોમવારે ચેન્નઈ સામેની મૅચમાં 36 બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોરની મદદથી અણનમ 38 રન કર્યા હતા.